બ્રુનેઈના સુલતાને વિવાદ થતા ઓક્સફર્ડની ડીગ્રી પરત કરી

આશરે ૧૨૦,૦૦૦ લોકોએ ઓક્સફર્ડ યુનિવર્સિટીને કાયદાની માનદ ડીગ્રી રદ કરવાની પિટિશન કરીઃ સમલિંગી સેક્સ અને વ્યભિચાર માટે મોતની સજા આપવાની દરખાસ્તથી રોષ

Monday 27th May 2019 03:23 EDT
 
 

લંડનઃ દક્ષિણ-પૂર્વ એશિયાના ઓઈલસમૃદ્ધ બ્રુનેઈના સુલતાન હસનાલ બોલકિઆહે સમલિંગી સેક્સ અને વ્યભિચાર માટે મોતની સજા આપવા કરેલી દરખાસ્તના પરિણામે વિશ્વમાં જાગેલા વિવાદના પગલે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ૧૯૯૩માં આપેલી કાયદાની માનદ ડીગ્રી પરત કરી છે. આશરે ૧૨૦,૦૦૦ લોકોએ ઓક્સફર્ડ યુનિવર્સિટીને આ ડીગ્રી રદ કરવાની પિટિશન કરી હતી, જેમાં જ્યોર્જ ક્લૂની અને એલ્ટન જ્હોન સહિતની સેલેબ્રિટીઝનો પણ સમાવેશ થયો હતો.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ડીગ્રી પરત લેવા મુદ્દે સમીક્ષા કરી રહ્યા હતા ત્યારે જ સુલતાને માનદ્ ડીગ્રી પરત કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયની જાહેરાત ૨૩ મે, ગુરુવારે કરાઈ હતી. રીવ્યૂ પ્રોસેસના ભાગરુપે યુનિવર્સિટીએ ૨૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ સુલતાનને સમીક્ષા વિશે માહિતી આપી તેમના વિચાર સાત જૂન સુધી જણાવવા કહ્યું હતું. સુલતાને છ મેના પત્રથી ડીગ્રી પરત કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

નાનકડા સાઉથ-ઈસ્ટ એશિયન દેશમાં અકુદરતી કે સમલિંગી સમાગમ, વ્યભિચાર અને બળાત્કારના ગુનાઓમાં પથ્થરમારા સહિત મોત આપવાના ઈસ્લામિક કાયદાને લાગુ પાડવાની દરખાસ્ત કરાયા સાથે વિવાદ જાગ્યો હતો. વળતા પ્રહારનો રોષ નિહાળી સુલતાને સ્પષ્ટતા કરી હતી કે પીનલ કોડમાં ફેરફારોના કારણે મૃત્યુદંડ લાદવામાં નહિ આવે. યુનાઈટેડ નેશન્સ દ્વારા પણ આ કાયદાને વખોડી કઢાયા હતા. સેલેબ્રિટીઝ અને જમણેરી જૂથોએ લંડનમાં ડોરચેસ્ટર અને લોસ એન્જલસમાં બિવર્લી હિલ્સ હોટેલ સહિત સુલતાનની માલિકીની હોટેલ્સનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. ઘણી ટ્રાવેલ કંપનીઓએ બ્રુનેઈને ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે ઉત્તેજન આપવાનું બંધ કર્યું હતું. મ્યાંમાર, મલેશિયા, સિંગાપોર અને છેલ્લે ઈન્ડોનેશિયામાં સમલિંગી સંબંધો સામે અતિ રુઢિચૂસ્ત સામાજિક વલણ દર્શાવવામાં આવે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter