બ્રેકનેલ ફોરેસ્ટની પૂર્વ મેયર નાહિદ એજાઝને 3 વર્ષની કેદ

એજાઝે સગીરા પર દુષ્કર્મના આરોપી પુત્રને બચાવવા પુરાવાનો નાશ કરવામાં મદદ કરી હતી

Tuesday 05th May 2026 11:29 EDT
 
 

લંડન: બર્કશાયરમાં ૧૫ વર્ષીય સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં પુત્રને બચાવવા માટે પુરાવાઓનો નાશ કરનાર પૂર્વ મહિલા મેયરને કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપી મહિલાએ ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું.

બ્રેકનેલ ફોરેસ્ટની પૂર્વ મેયર ૬૧ વર્ષીય નાહીદ એજાઝ પર આરોપ હતો કે પોલીસ તપાસ માટે તેમના ઘરે પહોંચી ત્યારે તેમણે જાણીજોઈને અધિકારીઓને અવરોધ્યા હતા. આ સમય દરમિયાન તેમણે પોતાના પુત્ર દીવાન ખાન સાથે ઉર્દૂમાં વાત કરી તેને તેનો મોબાઈલ ફોન છુપાવવા માટે સમય આપ્યો હતો. પોલીસનું માનવું છે કે તે ફોનમાં હુમલાના ફૂટેજ હતા, જે આજદિન સુધી રિકવર થઈ શક્યા નથી.

એજાઝના ૪૧ વર્ષીય પુત્ર દીવાન ખાનને સગીરા પર દુષ્કર્મ કરવા બદલ દોષિત ઠેરવી ૧૨ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટના ન્યાયાધીશ રૂફસ ટેલરે સજા સંભળાવતી વખતે એજાઝ સામે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે ન્યાયને બદલે તમારા પુત્રની રક્ષા કરવાનું પસંદ કર્યું. તમારા આ કૃત્યને કારણે ગુનેગાર કાયદાની પકડમાંથી છટકી શકે તેમ હતો, જે અત્યંત ગંભીર બાબત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter