બ્રેક્ઝિટ અગાઉ બ્રિટનની નિકાસ વિક્રમી ઉછાળા સાથે £૬૧૬ બિલિયન થઈ

Wednesday 08th August 2018 02:42 EDT
 

લંડનઃ બ્રેક્ઝિટ અગાઉ જ ગત વર્ષે બ્રિટનની સમગ્ર વિશ્વમાં નિકાસોમાં ઉછાળો નોંધાયો છે. નિકાસ વધીને ૬૧૬ બિલિયન પાઉન્ડ થઈ છે, જેને આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેક્રેટરી લિઆમ ફોક્સે સારી નિશાની ગણાવી છે. વર્ષ ૨૦૧૭માં ૫૫ ટકા નિકાસ બિન-ઈયુ દેશોમાં થઈ હતી. તાજેતરના વર્ષોમાં ચીન, ભારત અને ઓમાન સહિતના દેશોમાં બ્રિટનની નિકાસ વધી છે. વધતી નિકાસોથી વેપારખાધ પણ ઘટી રહી છે.

સમગ્રતયા માલસામાનની નિકાસ ૧૩ ટકા વધીને ૬૧૬ બિલિયન પાઉન્ડ થઈ છે, જ્યારે સર્વિસીસની નિકાસ સાત ટકાના વધારા સાથે ૨૭૭ બિલિયન પાઉન્ડ થઈ છે. વર્ષ ૨૦૧૭માં ૫૫ ટકા નિકાસ યુરોપીય સંઘ બહારના દેશોમાં થઈ હતી, જેમાં વેચાણનો પાંચમો ભાગ તો યુએસએ સાથે થયો હતો. નિકાસમાં ઉછાળાના પરિણામે કુલ વેપારખાધ ૫ બિલિયન પાઉન્ડ ઘટીને ૨૫.૮ બિલિયન પાઉન્ડ થઈ હતી.

યુકેના એક્સપોર્ટ માર્કેટમાં યુએસ પ્રથમ ક્રમે છે, જેણે ૨૦૧૭માં ૧૧૨ બિલિયન પાઉન્ડથી વધુનો માલસામાન અને સર્વિસીસની ખરીદી કરી છે, જે અગાઉના વર્ષની સરખામણીએ આઠ ટકાનો વધારો સૂચવે છે. અન્ય મુખ્ય બજારોમાં જર્મની (૫૬.૮ બિલિયન પાઉન્ડ) , ફ્રાન્સ (૪૦ બિલિયન પાઉન્ડ), નેધરલેન્ડ્સ (૩૯ બિલિયન પાઉન્ડ) અને આયર્લેન્ડ (૩૪ બિલિયન પાઉન્ડ)નો સમાવેશ થાય છે. યુકેના નિકાસબજારમાં ચીન ૩૪ બિલિયન પાઉન્ડ સાથે છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત, ભારત સાથે પણ વેપાર વધ્યો છે. યુકે દ્વારા ભારતમાં ૨૦૧૭માં ૬.૭ બિલિયન પાઉન્ડની નિકાસ થઈ હતી, જે અગાઉના વર્ષમાં ૫.૭ બિલિયન પાઉન્ડ હતી.૨૦૧૦થી યુકે માટે ઓમાન સૌથી ઝડપથી વધતું નિકાસ બજાર છે. ઓમાનમાં બ્રિટિશ માલસામાન અને સર્વિસીસનું વેચાણ ૩૫૪ ટકાના ઉછાળા સાથે ૩ બિલિયન પાઉન્ડ થયું છે. આ ઉપરાંત, મેસેડોનિયા અને કઝાખસ્તાનમાં પણ બ્રિટિશ નિકાસ વધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter