બ્રેક્ઝિટ અનિશ્ચિતતાઓ વચ્ચે મોટી ખાનગી એશિયન કંપનીઓનો વિકાસ

Monday 16th July 2018 06:17 EDT
 

લંડનઃ વૈશ્વિક અને ઘરઆંગણાની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ બ્રેક્ઝિટની ચિંતા યથાવત છે તેવા સંજોગોમાં પણ બ્રિટનની કેટલીક મોટી ખાનગી કંપનીઓએ સિદ્ધિના નવા સોપાન સર કર્યા છે. સન્ડે ટાઈમ્સની ૧૭મી HSBC Top Track 100 યાદીમાં કંપનીઓના સંયુક્ત વેચાણમાં વિક્રમી ૨૦૫ બિલિયન પાઉન્ડ અને પ્રોફિટમાં ૨૩.૫ બિલિયન પાઉન્ડનો વધારો જોવા મળ્યો છે. ઓક્સફર્ડની ફાસ્ટ ટ્રેક યાદીમાં મોટી કંપનીઓના વેચાણોને ધ્યાનમાં લેવાયા છે અને તેમાં છ એશિયન કંપનીનો પણ સમાવેશ થયા છે.

આ યાદીમાં પાંચમા ક્રમે ૪,૫૧૬ મિલિયન પાઉન્ડના ટર્નઓવર સાથે ૪૬ વર્ષીય ઝૂબેર અને મોહસીન ઈસાનું ઈજી ગ્રૂપ છે. આ ગ્રૂપ સમગ્ર યુરોપ અને યુએસમાં બીપી, એસો અને શેલ ફ્યૂલ બ્રાન્ડના ૪૫૦૦ ફોરકોર્ટની માલિકી અને સંચાલન ધરાવે છે.

૮૩ વર્ષીય ચેરમેન અનવર પરવેઝની ચેરમેનશિપ હેઠળ બેસ્ટવે ગ્રૂપ ૩,૨૯૩ મિલિયન પાઉન્ડના ટર્નઓવર સાથે ૧૦મો ક્રમ ધરાવે છે. ૧૯૬૩માં નાનકડા ગ્રોસરી સ્ટોર તરીકે સ્થપાયેલું બેસ્ટવે બ્રિટનમાં સૌથી મોટુ ખાનગી કેશ એન્ડ કેરી ગ્રૂપ છે. આ ગ્રૂપ યુકેમાં ૭૯૮ વેલ ફાર્મસી સ્ટોર પણ ચલાવે છે.

૧૧મા ક્રમે વેસ્ટ મિડલેન્ડ્સનું ટુ સિસ્ટર્સ ફૂડ ગ્રૂપ છે જેનું ટર્નઓવર ૩,૨૮૯ મિલિયન પાઉન્ડ છે. તેનું પોલ્ટ્રી ડિવિઝન તેના ગત વર્ષના ૩.૩ બિલિયન પાઉન્ડના કુલ વેચાણનો ત્રીજો હિસ્સો ધરાવે છે. આ ગ્રૂપના સ્થાપક અને પ્રેસિડેન્ટ રણજિત બોપારાન છે.

૭૧ વર્ષીય ચેરમેન જો હેમાણી દ્વારા ૧૯૮૪માં સ્થાપિત વેસ્ટકોસ્ટ ૨,૨૨૭ મિલિયન પાઉન્ડના ટર્નઓવર સાથે ૨૧મા ક્રમે છે. વેસ્ટકોસ્ટ યુકે અને યુરોપમાં ૧૪,૦૦૦થી વધુ કસ્ટમર્સને આઈટી પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું વુતરણ કરે છે.

વેમ્બલીસ્થિત ધામેચા ગ્રૂપ ૭૫૩ મિલિયન પાઉન્ડના ટર્નઓવર સાથે ૮૯મા ક્રમે છે. ૧૯૭૬માં સ્થાપિત કંપની લંડન, મિડલેન્ડ્સ અને બર્મિંગહામના સ્ટોર્સમાંથી ૧૨,૦૦૦થી વધુ ઉત્પાદનોનું વેચાણ કરે છે. પ્રદીપ અને મનીષ ધામેચા તથા મુકેશ વિઠલાણી આ બિઝનેસ ચલાવે છે, જે ગ્રોસરીઝ, ડ્રિન્ક્સ અને સ્નેક્સનો સપ્લાય પૂરો પાડે છે.

વેલકમ બ્રેક કંપની ૫૫થી વધુ વર્ષથી બ્રિટનના મોટરવેઝ પર જાણીતી છે, જે ૭૨૩ મિલિયન પાઉન્ડના ટર્નઓવર સાથે ૯૬મા ક્રમે છે. કંપનીના દાવા અનુસાર ૮૫ મિલિયનથી વધુ લોકો તેના ૨૭ સર્વિસ એરિયાનો દર વર્ષે ઉપયોગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter