લંડનઃ બ્રેક્ઝિટ ટ્રાન્ઝિશનનો સમયગાળો પૂરો થયા પછી અમલમાં આવનારા ઈમિગ્રેશન કાયદા હેઠળ વિદેશી રફ સ્લીપર્સે બ્રિટનમાંથી હકાલપટ્ટીનો સામનો કરવો પડશે. સંસદમાં રજૂ થનારા અને આગામી 1 જાન્યુઆરીથી અમલમાં આવનારા ઈમિગ્રેશન કાયદા હેઠળ રફ સ્લીપીંગ, યુકેમાં રહેવા માટેની પરવાનગીના ઈન્કારમાં અથવા તે રદ કરવાના કારણોમાં એક બનશે. ચેરિટીઝે આ પગલાંને પીછેહઠનું એક મોટું પગલું ગણાવ્યું હતું, જે નિઃસહાય લોકોને મદદ માગતા અટકાવશે. રફ સ્લીપર્સને હકાલપટ્ટીને લાયક બનાવવામાં આવશે તે બાબતથી હોમ ઓફિસના અધિકારીઓ
વાકેફ છે. જોકે, લોકોને સ્ટ્રીટ્સમાંથી હટાવવા તે બાબતે બોરિસ જહોન્સન અને તેમના પ્રધાનો વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
યુકેના રફ સ્લીપર્સ પૈકી ૨૫ ટકાથી વધુ વિદેશી નાગરિકો હોવાનું મનાય છે. ૨૦૧૯ના સત્તાવાર આંકડા મુજબ ૨૨ ટકા ઈયુના જ્યારે ૪ ટકા બિન-ઈયુ નાગરિકો હતા.લંડનમાં આ આંકડો વધીને અનુક્રમે ૪૨ ટકા અને ૭ ટકા થયો હતો.
હોમ ઓફિસ દ્વારા જણાવાયું હતું કે રફ સ્લીપીંગ માટેના આ કાયદાનો છેલ્લા ઉપાય તરીકે ઉપયોગ કરાશે. ઉદાહરણ તરીકે લોકોને આવાસ સુવિધા અથવા મદદની ઓફર કરાઈ હોય અથવા તેમને પોતાના દેશમાં પાછા ફરવા મદદની ઓફર કરાઈ હોૌય અને તેમણે તે લેવાનો ઈન્કાર કર્યો હોય. તેવા સંજોગોમાં આ કાયદાનો ઉપયોગ કરાશે. પરંતુ, આ નીતિ ખૂબ વિભાજનકારી હોવાનું મનાય છે.૨૦૧૭ માં યુરોપિયન ઈકોનોમિક એરિયાના દેશોમાંથી આવેલા રફ સ્લીપર્સની હકાલપટ્ટીની હોમ ઓફિસની નીતિને પોલેન્ડના બે પુરુષો અને લેટિવિયાના એક પુરુષ દ્વારા પડકારવામાં આવતા હાઈ કોર્ટે તેને ગેરકાયદેસર ઠેરવી હતી.