બ્રેક્ઝિટ ઈફેક્ટઃ કંપનીઓએ માલસામાનનો સંગ્રહ કરવાની શરૂઆત કરી

Wednesday 30th January 2019 00:47 EST
 
 

લંડનઃ અનેક બ્રિટિશ કંપનીઓએ નો-ડીલ બ્રેક્ઝિટની શક્યતા નજરમાં રાખી ખાદ્ય પદાર્થો, દવાઓ અને કાર પાર્ટ્સ સહિતના માલસામાનનો સંગ્રહ કરવાની શરૂઆત કરી છે. જોકે, વધુ સંગ્રહ કરવા ગોદામોની અછત સતાવી રહી છે. સમગ્ર દેશમાં આશરે ૯.૩ મિલિયન સ્ક્વેર મીટર્સ જગા ધરાવતા સભ્યો સાથે યુકે વેરહાઉસિંગ એસોસિયેશનના ડેટા અનુસાર ગોડાઉન્સની ૭૫ ટકા જગા તો ભરાઈ ગઈ છે. યુકે કોઈ સમજૂતી વિના જ ઈયુમાંથી બહાર નીકળશે તો પોર્ટ્સ પર ક્લીઅરન્સ ખોરવાઈ જવાથી માલસામાનના પુરવઠાને ભારે અસર થઈ શકે છે. આ ઉપરાંત, તેણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનિઝેશન (WTO)ના કાયદા-નિયમો હેઠળ કામ કરવાનું થશે.

બ્રિટનના સૌથી મોટા સુપરમાર્કેટ ટેસ્કોએ હાર્ડ બ્રેક્ઝિટના સંજોગોમાં પુરવઠો જાળવી રાખવા રેફ્રિજરેટેડ યુનિટ્સના ઈમર્ર્જન્સી સપ્લાયને ભાડે રાખ્યા છે. માર્ક્સ એન્ડ સ્પેન્સર દ્વારા પણ નોન-પેરિશેબલ ગુડ્ઝનો સંગ્રહ શરૂ કરાયો છે. ફાર્માસ્યુટિક્લ કંપનીઓએ કોલ્ડ સ્ટોરેજની જરૂર હોય તેવી દવાઓ અને વેક્સીન્સ માટે યુકેમાં વધારાના ગોડાઉન્સ મેળવી લીધાં છે. કાર ઉત્પાદકો પણ ઓટો પાર્ટ્સનો સંગ્રહ કરી રહ્યા છે. સુકાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવો શક્ય છે પરંતુ, ફળો, શાકભાજી, તાજી માછલીઓ અને માંસને લાંબા સમય સુધી સંગ્રહી શકાતાં નથી. યુકેના ૧૦ એરપોર્ટ્સ પર કાર્યરત ૨૦ એરલાઈન્સને પુરવઠો આપતી ગેટ ગોર્મેટ જેવી કંપનીઓએ પ્રવાસીઓ ભૂખ્યા ન રહે તે માટે ફ્રોઝન એન્ટ્રેઝ, પિઝા, સુકા સ્નેક્સ અને સેન્ડવિચ્સનો પીટરબરા અને લંડનના વેરહાઉસીસમાં સંગ્રહ ચાલુ કરી દીધો છે. ઉત્પાદક ‘ઈમર્જન્સી ફૂડ સ્ટોરેજ’ દ્વારા તો ફ્રીઝમાં સુકવેલા ભોજન, વોટર ફિલ્ટર અને ફાયર સ્ટાર્ટર સાથે ૨૯૫ પાઉન્ડની કિંમતના કહેવાતા બ્રેક્ઝિટ બોક્સીસનું વેચાણ પણ ચાલુ કરી દેવાયું છે.

WHSmith કંપનીએ નોટબુક્સ, ડાયરીઓ અને પેન્સ સહિત એશિયાથી આયાત કરાતા માલસામાનને છ મહિનાનો પુરવઠો સંગ્રહ કરાશે તેમ જણાવ્યું છે. હાઈ-એન્ડ ફેશન રીટેઈલર જૂલ્સ દ્વારા પણ હાર્ડ બ્રેક્ઝિટ અંગે તાકીદનું આયોજન જાહેર કરાયું છે. તેઓ યુરોપીય જથ્થાબંધ ગ્રાહકોને સેવા આપવા યુરોપમાં જ થર્ડ-પાર્ટી ગોદામ સ્થાપી રહ્યા છે, જે એપ્રિલ સુધીમાં કાર્યરત થઈ જશે. લક્ઝરી ફેશન હાઉસ બરબેરી પણ મિલિયન્સ પાઉન્ડના વધારાના ખર્ચાઓથી ચિંતિત છે. સુપરમાર્કેટ્સ હોય, દવાઉત્પાદકો હોય કે કાર ઉત્પાદકો હોય, વડા પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીને કોમન્સે ફગાવી દીધાં પછી બ્રિટિશ ઈન્ડસ્ટ્રીનું એવું કોઈ સેક્ટર નથી, જે તાકીદના આયોજનની ભારે ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું ન હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter