લંડનઃ ઈયુ રેફરન્ડમના ૨૩ જૂનના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે યુગવ દ્વારા નવા સર્વેમાં બ્રેક્ઝિટ કેમ્પે સરસાઈ મેળવી જણાય છે. રીમેઈન કેમ્પના ૪૧ ટકાની સામે લીવ છાવણીએ ૪૫ ટકા સમર્થન મેળવ્યું હતું, જ્યારે ૧૧ ટકા મતદાર અનિર્ણાયક રહ્યા હતા. ડેવિડ કેમરન અને લંડનના પૂર્વ મેયર બોરિસ જ્હોન્સન વચ્ચે છેડાયેલાં શાબ્દિક યુદ્ધમાં બોરિસ ઈયુમાં બ્રિટનનો ફાળો વધી જવા વિશે ખોટાં દાવાઓ કરતા હોવાનું કેમરને જણાવ્યું છે. ઈયુમાં રહેવાના મુદ્દે વિપક્ષ લેબર અને ટોરી પાર્ટી એકમત ધરાવતી થઈ છે. લેબર પાર્ટીના હેરિયટ હરમાન, ગ્રીન પાર્ટીના નેતા નાતાલી બેનેટ અને લિબ ડેમના નેતા ટિમ ફેરોન પણ મતદારોને આર્થિક મુશ્કેલીઓ અંગે ગભરાવવાના મુદ્દે બ્રેક્ઝિટ છાવણી પરના હુમલામાં કેમરન સાથે જોડાયાં હતાં. બ્રેક્ઝિટ કેમ્પે પ્રચારમાં ઈયુમાંથી ભારે ઈમિગ્રેશનનો મુદ્દો ચગાવ્યો છે. યુકેમાં નેટ ઈમિગ્રેશન વાર્ષિક ૩૩૩,૦૦૦ જેટલું છે, જેમાં ઈયુમાંથી આવનારા લોકોની સંખ્યા ૧૮૪,૦૦૦ હોવાનું કહેવાય છે. ઈયુ છોડવાની તરફેણ વધી રહ્યાના અહેવાલો વચ્ચે સોમવારે બજારોમાં અફરાતફરી મચતાં ડોલર સામે સ્ટર્લિંગ પાઉન્ડ નબળો પડ્યો હતો. પાઉન્ડનું મૂલ્ય ત્રણ સપ્તાહના સૌથી તળિયે ગયું હતું. અને નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે મતદાનનો દિવસ નજીક આવતો જશે તેમ વધુ અસ્થિરતા જોવાં મળશે.
ઈયુ રેફરન્ડમ અંગે સૌથી મોટા ટેલિવાઈઝ્ડ ઈવેન્ટમાં વડા પ્રધાન ડેવિડ કેમરનને ઓડિયન્સના પ્રશ્નોમાં પરસેવો આવી ગયો હતો. ઓડિયન્સમાં વિદ્યાર્થિની સોરાયા બોઉઝાયુઈએ ઈમિગ્રેશન સહિતના મુદ્દે કેમરનની વાતોને ‘તદ્દન નિરર્થક’ ગણાવી હતી. બ્રેક્ઝિટની અસર વિશે મોટો હાઉ ઉભો કરવાનો આક્ષેપ પણ વડા પ્રધાન સામે કરાયો હતો. કેમરને કહ્યું હતું કે ઈમિગ્રેશન મોટો પડકાર છે પરંતુ, ઈયુ છોડવું તે તેનો ઉત્તર નથી. વાર્ષિક નેટ માઈગ્રેશન ૧૦૦,૦૦૦થી નીચે ક્યારે આવશે તેનો ઉત્તર આપવા કેમરને ઈનકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ૨૩ જૂનના રેફરન્ડમમાં પરાજય થશે તો તેઓ રાજીનામું આપવાના નથી.
વિદ્યાર્થિનીએ કેમરનને પરસેવો લાવી દીધો
સાઉધમ્પટન સોલેન્ટ યુનિવર્સિટીની ઈંગ્લિશ લિટરેચરની વિદ્યાર્થિની સોરાયા બોઉઝાયુઈએ સ્કાય ન્યૂઝની ચર્ચામાં કેમરનને રીતસરનો પરસેવો લાવી દીધો હતો. ઈયુમાં રહેવા સાથે સંકળાયેલા જોખમો અંગે પ્રજા સમક્ષ જૂઠું બોલવાનો આક્ષેપ કેમરન સામે કરી તેમનું અત્યાર સુધીનું અભિયાન તદ્દન ભાંગી પડ્યું હોવાનું જણાવ્યું હતું. તેણે તુર્કીને ઈયુમાં સ્થાન અપાશે કે કેમ તેની સ્પષ્ટતા કરવા સરકારને જણાવ્યું હતું. Isis માટે ભંડોળ એકત્ર કરવા અંગે સમગ્ર મિડલ ઈસ્ટના ભારે આક્ષેપો છતાં તુર્કી ઈયુ સાથે જોડાણ સાધવા તત્પર છે.
સોરાયાએ ઈયુમાં રહેવા બાબતે બચાવ કરવા જતા કેમરનને વચ્ચેથી અટકાવી પોતાની વાત સાંભળવા અને મુદ્દાનો જ જવાબ આપવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે હું અંગ્રેજી સાહિત્યની વિદ્યાર્થી છું અને નિરર્થક વાતો (waffling) શું કહેવાય તે જાણું છું. તુર્કી સાથે કામ કરવા તૈયાર હોઈએ ત્યારે દેશને ત્રાસવાદથી બચાવવાની ખાતરી કેવી રીતે આપશો?
કેમરને બચાવમાં કહ્યું હતું કે દાયકાઓ સુધી તુર્કી ઈયુમાં જોડાય તેવી કોઈ સંભાવના નથી. તેમણે છેક ૧૯૮૭માં અરજી કરી હતી. તેમણે ૩૫ ચેપ્ટર પૂર્ણ કરવાના હોય છે અને માત્ર એક ચેપ્ટર પૂર્ણ થયું છે. આ ઉપરાંત, દરેક દેશ વીટો ધરાવે છે. તુર્કીના ૮૮ મિલિયન લોકો યુકેમાં આવશે તેવા પ્રચારને તેમણે ફગાવી દીધો હતો.
સર્વેમાં બ્રેક્ઝિટને વધતું સમર્થન
ઈયુમાં રહીને જ ઈમિગ્રેશનની સમસ્યા હલ કરી શકાશે તેવા વડા પ્રધાનના બચાવાત્મક દાવાઓ છતાં ITV ના ગુડ મોર્નિંગ બ્રિટન કાર્યક્રમ માટે યુગવ દ્વારા સંશોધનમાં બ્રેક્ઝિટ કેમ્પે ચાર ટકાની સરસાઈ સાથે ૪૫ ટકા સમર્થન હાંસલ કરી લીધું છે. અગાઉના એક સંશોધનમાં આ છાવણીએ રીમેઈન કેમ્પની સરસાઈ ઘટાડી હતી. ICM માટેના ઓનલાઈન સર્વેમાં ગત સપ્તાહે લીવ છાવણીએ ૪૮ ટકા સાથે નોંધપાત્ર સરસાઈ મેળવી હતી, જ્યારે રીમેઈન કેમ્પને ૪૩ ટકા મત મળ્યાં હતાં. અન્ય ઓપિનિયમ પોલમાં લીવ છાવણીને ૪૩ ટકા અને રીમેઈન છાવણીને ૪૦ ટકા મત મળ્યાં હતાં. તેમાં એમ પણ જણાવાયું હતું કે ૧૪ ટકા અનિર્ણાયક મતનો ઝોક પણ બ્રેક્ઝીટ તરફ છે.
વધુ ૨.૪ બિલિયન પાઉન્ડના ફાળાનો દાવો
પૂર્વ મેયર બોરિસ જ્હોન્સને દાવો કર્યો હતો કે જો બ્રિટન ઈયુમાં રહેશે તો તેણે વધારાના ૨.૪ બિલિયન પાઉન્ડનો ફાળો બ્રસેલ્સને ચુકવવો પડશે. વડા પ્રધાન અને ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને દેશને ભારે જોખમની હાલતમાં મૂકી દીધાનો આરોપ પણ બોરિસે લગાવ્યો હતો. તાજેતરના વર્ષોમાં ઈયુના નહિ ચુકવાયેલા બિલ્સ આશરે ૨૦ બિલિયન પાઉન્ડ થઈ ગયા છે અને રહેવાની તરફેણમાં જનમત લેવાયા પછી યુકે પાસે તેના વધુ ફાળાની માગણી મૂકાશે. યુરોપની ઈમિગ્રેશન કટોકટી તેમજ સિંગલ કરન્સી નિષ્ફળ જાય તો યુરોઝોન દેશોને બચાવવાના પગલાંમાં મદદ તરીકે બ્રિટન પાસે વધુ નાણાની માગણી કરાશે તેમ પણ જ્હોન્સને દાવો કર્યો હતો.
જોકે, કેમરને આ દાવાઓને વાહિયાત અને પોકળ ગણાવવા સાથે પૂર્વ વડા પ્રધાન જ્હોન મેજરના શબ્દો ટાંકી બોરિસને ‘દરબારી વિદૂષક’ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે યુરોઝોન બેઈલઆઉટ યોજનાનો હિસ્સો નથી અને ઈયુ બજેટમાં કોઈ પણ વધારા સામે વીટો પણ ધરાવીએ છીએ.
અર્થતંત્રમાં મંદીના વિસ્ફોટનો ખતરોઃ
કેમરન વડા પ્રધાન કેમરને એક વિવાદાસ્પદ સંબોધનમાં જણાવ્યું હતું કે લીવ છાવણી અર્થતંત્ર નીચે બોમ્બ બિછાવી રહી છે. તમારે ઓછાં બિઝનેસીસ, ઓછી નોકરીઓ, નાનું અર્થતંત્ર તેમજ આપણી સાલાઓ અને હોસ્પિટલો માટે ઓછાં નાણા સહિતની વ્યાપક અસરો વિશે વિચારવું જોઈએ. આઘાત, અનિશ્ચિતતા, વેપારને અસર સહિત આ બધી બાબતો સંયુક્તપણે વિચારો અને તમે આપણા અર્થતંત્ર નીચે બોમ્બ ગોઠવી રહ્યા છો. સૌથી ખરાબ તો એ છે કે આપણે જ જામગીરી ચાંપીશું. ઈયુ છોડવાનો અર્થ પાઉન્ડનો મૂલ્યઘટાડો, વધતી કિંમતો, મકાનોની ઘટતી કિંમતો, મોર્ગેજ દરોમાં વધારો, બિઝનેસીસને ધક્કો અને બેરોજગારીમાં વધારો થશે અને બીજા શબ્દોમાં મંદી થશે.
ઈમિગ્રેશન પર કંટ્રોલ જરૂરીઃ બોરિસ
બોરિસ જ્હોન્સને ઈમિગ્રેશન મુદ્દે વોટ લીવના પ્રચારનો બચાવ કરતા કહ્યું હતું કે ઈમિગ્રેશન અંગે તેમનું મંતવ્ય પોઝિટિવ છે છતાં, તેના પર અંકુશ જરૂરી છે. જો દર વર્ષે ન્યુકેસલ શહેરના કદના આ દરે ઈમિગ્રેશન વધતું રહેશે તો વસ્તી વધીને ૭૦ અથવા કદાચ ૮૦ મિલિયન જેટલી પણ થઈ શકે છે. શાળાઓ, હોસ્પિટલો અને તમામ જાહેર સેવાઓની શું હાલત થશે? ગ્રીન બેલ્ટનું શું થશે? આ બધી બાબતો વિશે રીમેઈન છાવણી કશું જણાવતી નથી. કેમરને સ્વીકાર્યું હતું કે ઈયુની ખુલ્લી સરહદોના કારણે ઈમિગ્રન્ટ્સનો ધસારો મોટો પડકાર છે પરંતુ ઈયુ છોડવાથી અર્થતંત્ર ભાંગી પડશે તેવી ચેતવણી તેમણે મતદારોને આપી હતી.
કેમરન સામે ટોરી પાર્ટીમાં બળવાની તૈયારી
જો રેફરન્ડમમાં બ્રેક્ઝિટ છાવણીનો વિજય થાય તો કેમરનને વડા પ્રધાન તરીકે રાજીનામું આપવું પડે તેવું દબાણ સર્જવા ટોરી પાર્ટીના અસંતુષ્ટ સાંસદો તૈયાર છે અને તેમની સંખ્યા પણ વધી રહી છે. કેટલાક બેકબેન્ચર્સે જણાવ્યું હતું કે કેમરન દેશને ઈયુમાં રાખવા સફળ થાય તો પણ તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લવાશે. જોકે વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે રેફરન્ડમ મુદ્દે હાર થશે તો પણ રાજીનામાની માગણીને તેઓ ફગાવી દેશે. આ ૨૩ જૂનનો જનમત માત્ર આપણે ઈયુમાં રહેવું કે ના રહેવું તેના વિશે જ છે. રેફરન્ડમ મુદ્દે પક્ષમાં ભારે વિખવાદ હોવાનું સ્વીકારતા તેમણે કહ્યું હતું કે જૂન ૨૩ પછી બધુ સરખું થઈ જશે અને અમે ફરી એકસાથે રહીશું.


