બ્રેક્ઝિટ ટ્રેડ ડીલઃ રાહતના શ્વાસની પ્રતિક્રિયા

Wednesday 30th December 2020 03:49 EST
 
 

લંડનઃ બોરિસ જ્હોન્સને યુરોપિયન યુનિયન પાસેથી હાંસલ કરેલી બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ મુદ્દે મતમતાંતર છે. કેટલાક તેને મહાન સિદ્ધિ કે સફળતા ગણાવે છે તો ઘણાએ તેને વચનભંગ સમકક્ષ હોવાની દલીલ કરી છે. મોટા ભાગના રાજકારણીઓ ૨૦૦૦ પાનામાં સમાવિષ્ટ સમજૂતીની વિસ્તૃત વિગતોની રાહ જોઈ રહ્યા છે. આમ છતાં, યુકે અને ઈયુના કેટલાક મહત્ત્વપૂર્ણ નેતાઓએ તત્કાળ ટીપ્પણી આપી હતી.

 • યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લીયેને બ્રસેલ્સમાં જણાવ્યું હતું કે કરારની શરતો સંતુલિત છે. જોકે, બ્લોકે મજબૂત સ્થિતિમાં વાટાઘાટો કરી હતી કારણકે બ્રિટન માટે નો-ડીલ ખરાબ રહ્યું હોત. આપણે આખરે સમજૂતી કરી છે. તે લાંબો અને આડોઅવળો માર્ગ હતો પરંતુ, અંતે અમે સારો સોદો કરી શક્યા છીએ. ઇયુએ તેના સિંગલ માર્કેટનું રક્ષણ કર્યું છે અને આપણી ફિશિંગ કોમ્યુનિટી માટે આગાહી કરી શકાય તેવા સાડા પાંચ વર્ષના સમયગાળાને હાંસલ કર્યો છે. આ કરાર સાથે આનંદ કરતાં રાહત વધારે અનુભવાય છે. અલગ થવાનું મીઠું દુઃખ છે.’

• લેબરનેતા સર કેર સ્ટાર્મરે ટ્રેડ ડીલ વિશે કહ્યું હતું કે ‘આ સમજૂતી ખાતરી અપાયા મુજબની નથી. ડીલ ‘નબળું’ છે પરંતુ, નો-ડીલ કરતાં બહેતર છે. આવી રાષ્ટ્રીય મહત્ત્વની પળે લેબર માટે હાંસિયામાં રહેવું યોગ્ય કે ઉચિત નહિ ગણાય. આથી, હું આજે કહું છું કે જ્યારે આ ડીલ પાર્લામેન્ટ સમક્ષ આવશે ત્યારે લેબર તેનો સ્વીકાર કરશે અને તેની તરફે મતદાન કરશે. જોકે, હું સરકારને સ્પષ્ટપણે જણાવવા માગું છું કે નો-ડીલની જગ્યાએ અમે આ ડીલને સ્વીકારીએ છીએ પરંતુ, જે પરિણામો આવશે તે તમારા જ રહેશે.’

• લંડનના લેબર મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘ તમે ગમે તે દૃષ્ટિએ વિચારો પણ લંડન, આપણા અર્થતંત્ર માટે આ સમજૂતી શ્રેષ્ઠતામાંથી ઉણી જ ઉતરે છે તેમાં કોઈ શંકા નથી. ઈયુના સભ્ય તરીકે મળતાં લાભોની નજીક પણ તે આવતી નથી. વધુ સારા કરાર માટે વાટાઘાટો કરાઈ શકી હોત. જોકે, હવે ડીલ આપણી સમક્ષ છે અને વિસ્તૃત વિગતો જોવાની રહે છે ત્યારે આ સમજૂતી અથવા અરાજકતાપૂર્ણ નો-ડીલ બ્રેક્ઝિટમાંથી સીધી પસંદગી મળે છે.’

• ઈયુના મુખ્ય વાટાઘાટકાર માઈકલ બર્નીએરે જણાવ્યું હતું કે,‘હવે ઘડિયાળ ટિક ટિક કરતી નથી. આજના દિવસે રાહત હોવા સાથે ઉદાસી પણ છે. આ સમજૂતી સભ્ય હોવાના અધિકારો આપતી નથી અને ૧ જાન્યુઆરીથી વાસ્તવિક ફેરફારો સાથે પરિસ્થિતિ ઘણી અલગ હશે. જોકે, મને સામાજિક સહકારના મુદ્દે બે અફસોસ છે. સૌપ્રથમ તો બ્રિટિશ સરકારે એરામસ (યુનિવર્સિટી) એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ નહિ લેવા નિર્ણય કર્યો છે અને બીજો એ કે આપણા ઐતિહાસિક સંબંધોને ધ્યાનમાં લેતાં મોબિલિટી આસિસ્ટન્સના મુદ્દે મહત્ત્વાકાંક્ષાનું સ્તર સુસંગત રહ્યું નથી પરંતુ, આ પણ બ્રિટિશ સરકારની પસંદગી છે.’

ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ ‘એકતા અને નિર્ણાયકતા’ માટે ઈયુની પ્રશંસા કરી હતી જેના થકી વાટાઘાટોનું સફળ સમાપન તરફ જવાયું હતું. તેમણે ઉમેર્યું હતું કે,‘ યુનાઈટેડ કિંગ્ડમ સાથેની સમજૂતી આપણા નાગરિકો, આપણા માછીમારો, આપણા ઉત્પાદકોના રક્ષણ માટે આવશ્યક છે. આમ જ રહે તેની અમે ચોકસાઈ રાખીશું. યુરોપ પ્રગતિ કરી રહ્યું છે અને એકસંપ, સાર્વભૌમ અને મજબૂત બનીને ભવિષ્યને નિહાળી શકશે.’

• યુરોપિયન યુનિયનથી અલગ થવા મુદ્દે ૨૦૧૬માં રેફરન્ડમ યોજનારા પૂર્વ ટોરી વડા પ્રધાન ડેવિડ કેમરને ટ્વીટ કરી જણાવ્યું હતું કે,‘કોઈ સારા સમાચાર સાથે મુશ્કેલ વર્ષનો અંત આવે તે સારું છે. ટ્રેડ ડીલ આવકાર્ય બાબત અને ઈયુ સાથે મિત્રો, પડાશીઓ અને પાર્ટનર્સ તરીકે નવા સંબંધોના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ કદમ છે. યુકેની મંત્રણાકાર ટીમને ઘણા અભિનંદન.’

• જ્હોન્સનના પુરોગામી અને ઈયુ ડાઈવોર્સ બિલ મુદ્દે સત્તા છોડવી પડી હતી તેવા પૂર્વ ટોરી વડા પ્રધાન થેરેસા મેએ ગુરુવારે જ ટ્વીટ કરી જણાવ્યું હતું કે,‘યુકે અને ઈયુ ડીલની જોગવાઈઓ મુદ્દે સમજૂતી પર પહોંચ્યા તે ઘણા આવકારદાયક સમાચાર છે. આ સમાચાર બિઝનેસ માટે વિશ્વાસપ્રેરક બનશે અને વેપારને વધવામાં મદદરુપ બનશે. આગામી દિવસોમાં વધુ વિગતો જાણવાની રાહ જોઉં છું..

આઈરિશ વડા પ્રધાન માઈકલ માર્ટિને આ સમજૂતીને ‘ચાર લાંબા વર્ષોની મંત્રણાઓ’ પછી ‘ઘણી આવકાર્ય’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘આયર્લેન્ડ માટે ‘સારાં બ્રેક્ઝિટ’ જેવી કોઈ બાબત છે જ નહિ પરંતુ, નો-ડીલની સંભાવનાની સરખામણીએ નુકસાનને સૌથી ઓછું કરવા મંત્રણાકારોએ ભારે મહેનત કરી છે. આ સમજૂતી બ્રેક્ઝિટના નકારાત્મક પરિણામોને ઓછાં કરશે પરંતુ, ફિશિંગ કોમ્યુનિટીને નિરાશ કરશે.’

• નોર્ધર્ન આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર આર્લેન ફોસ્ટરે કહ્યું હતું કે ‘ સરકારના નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા યુકે અને ઈયુ વચ્ચેની યોગ્ય વેપાર સમજૂતી નોર્ધર્ન આયર્લેન્ડ માટે હંમેશાં સૌથી તરફેણદાયક પરિણામ રહ્યું હતું. અમે આગળ વધતા રહી ઈયુમાંથી યુકેના બહાર નીકળવાથી આવનારી તકો ઝડપી લઈશું અને પડકારોનું નિવારણ કરીશું. અમે ટ્રેડ ડીલ તેમજ સિક્યુરિટી સહિતના અન્ય મુદ્દાઓ પણ વિગતે તપાસીશું.’

• UKIPના પૂર્વ નેતા અને બ્રેક્ઝિટ પાર્ટીના નેતા નાઈજેલ ફરાજે કહ્યું હતું કે ‘મને ચિંતા છે કે આપણે ઈયુના નિયમો સાથે વધુ ગાઢપણે જોડાયેલા રહીશું કારણકે આપણા પર તત્કાળ ટેરિફ્સ લાદવાની તેમની ધમકીના લીધે યુકે લાઈનની બહાર જઈ શકે નહિ. આ ડીલ પરફેક્ટ નથી પરંતુ, બ્રેક્ઝિટ યુકેને વધુ બહેતર બનાવશે. શું આપણે અગાઉના પાંચ વર્ષ કરતાં વધુ બહેતર નથી? ચોક્કસ છીએ. યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે.’

• સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું હતું કે, ‘નો-ડીલ કરતાં ડીલ સારું જ છે પરંતુ, યુકે સરકારે માત્ર છેલ્લી ઘડીએ નો-ડીલ પરિણામના આઈડિયાને પડતો મૂક્યો તેનાથી એ હકીકત નજરઅંદાજ કરી ન શકાય કે તેમણે ઈયુ સભ્યપદના અનેક લાભને ફગાવતા મુશ્કેલ બ્રેક્ઝિટની પસંદગી કરી હતી. તે એ માન્યતાને સમર્થન આપે છે કે મહામારી અને આર્થિક મંદીની મધ્યે સ્કોટલેન્ડને ઈયુ સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયનમાંથી બહાર નીકળવાની ફરજ પડાઈ છે જેનાથી નોકરીઓને નુકસાન થવાનું છે.’ સ્ટર્જને પોતાના સ્વાતંત્ર્ય અભિયાનને આગળ ધપાવવા માટે આ સમજૂતીનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું હતું કે સ્કોટલેન્ડ ઈયુમાં જ રહેવા ઈચ્છે છે અને સ્વતંત્ર દેશ તરીકે અને ફરી ઈયુ સભ્યપદના વધુ લાભ હાંસલ કરવા યુકેથી અલગ થવા તેને બીજી તક અપાવી જ જોઈએ.’

• યુકેસ્થિત યુએસએના એમ્બેસેડર વૂડી જ્હોન્સને યુકે-ઈયુ વેપાર સમજૂતીને આવકારતા જણાવ્યું હતું કે, બ્રેક્ઝિટ ડીલ પર પહોંચવા માટે યુકે અને ઈયુને ઘણા અભિનંદનય યુએ અને યુકે માટે નવી તકો સર્જાઈ છે.’ યુએસના વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રેક્ઝિટની ભારે તરફેણ કરતા હતા જે જગજાહેર છે.

• બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેક્ટર જનરલ આડમ માર્શલે સમજૂતી વિશે આનંદ વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે,‘આપણે એ બાબતે સ્પષ્ટ થઈએ કે યુકે અને ઈયુ વચ્ચે વેપાર કરતા બિઝનેસીસે ૧લી જાન્યુઆરીથી વેપાર કરવા માટે નોન-ટેરિફ અવરોધોનો સામનો કરવો પડશે. ઝીરો ટેરિફ યુકે-ઈયુ સમજૂતી આવકાર્ય છે પરંતુ, તેનાથી ઘણા નોન-ટેરિફ અવરોધો અને ઘર્ષણો દૂર નહિ થાય. નોંધપાત્ર નવા અવરોધો ઉભા થશે.’

• નેશનલ ફેડરેશન ઓફ ફિશરમેન્સ ઓર્ગેનાઈઝેશન્સના ચીફ એક્ઝિક્યુટિવ બેરી ડીઆસે જણાવ્યું હતું કે,‘આખરમાં એ સ્પષ્ટ થયું છે કે બોરિસ જ્હોન્સન સમગ્રતયા વેપાર ડીલ ઈચ્છતા હતા અને તે માટે ફિશિંગનું બલિદાન આપવા તૈયાર હતા. મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીને ભારે નિરાશા થશે. આપણને ઈયુ પાસેથી ક્વોટામાં વધારો મળ્યો છે પરંતુ, આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આપણા અધિકારોની જરા પણ નજીક નથી. મને લાગે છે કે આ મુદ્દે ઈન્ડસ્ટ્રીઝમાં રોષ અને હતાશા જોવાં મળશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter