બ્રેક્ઝિટ ડીલની આશા હજુ જીવંતઃ ઈયુએ નરમાશ દર્શાવી

Wednesday 16th December 2020 01:07 EST
 
 

લંડનઃ યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા ટેરિફ્સ મુદ્દે જક્કી વલણમાં નરમાશ દર્સાવતા બ્રેક્ઝિટ ટ્રેડ ડીલની આશા જીવંત બની છે. બ્રિટન ૩૧ ડિસેમ્બરે ઈયુની બહાર નીકળે તે અગાઉ સંભવિત વેપાર ડીલનો માર્ગ ઓફર કરાયો છે. જો યુકે ઈયુના નિયમોથી આડુ ફંટાય તો તત્કાળ ઊંચા ટેરિફ્સ લાદવાની સત્તાની માગણી બ્રસેલ્સે પડતી મૂકી છે. ઈયુના મુખ્ય મંત્રણાકાર માઈકલ બાર્નીએરે જણાવ્યું હતું કે આ સપ્તાહે ટ્રેડ ડીલ કરવાનું શક્ય છે.

બ્રેક્ઝિટ ડીલમાં સફળતાની નિશાનીરુપે બંને પક્ષો કોઈ પણ પક્ષની ભાવિ ફરિયાદોના નિરાકરણ માટે સ્વતંત્ર લવાદ સિસ્ટમની વિગતો ઘડી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈયુના મુખ્ય મંત્રણાકાર બાર્નીએરે દાવો કર્યો હતો કે સ્વતંત્ર યુકે સિંગલ માર્કેટના સમાન અધિકારક્ષેત્રથી ઘણું દૂર ભટકી જાય તેવી સ્થિતિમાં બ્રસેલ્સને કાર્યવાહીનો અધિકાર હોવો જોઈએ તેમ યુકેએ સૌપ્રથમ વખત સ્વીકારી પ્રથમ પગલું ભર્યું હતું. તેમણે કહ્યું હતું કે ફીશિંગ રાઈટ્સ મુદ્દે લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવે તો આ સપ્તાહે પણ ડીલ થઈ શકે છે. ઈયુના સૂત્રો અનુસાર મંત્રણાકારો આગામી થોડા દિવસોમાં બાકીના અવરોધો પૂર્ણ કરી લેશે તો એગ્રીમેન્ટ માટે સાંકડો માર્ગ દેખાવા લાગશે.

બીજી તરફ, ડાઉનિંગ સ્ટ્રીટને સફળતા હાથવેંતમાં જણાતી નથી. સરકારી સૂત્રે બાર્નીએર માઈન્ડ ગેમ્સ ખેલી રહ્યા હોવાનો દાવો કરી જણાવ્યું હતું કે સૌથી શક્ય પરિણામ નો ડીલનું જ છે. તેમણે કહ્યું હતું કે વાટાઘાટો મુશ્કેલ છે અને તાજેતરના દિવસોમાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ નથી. બ્રિટનને પાછલા બારણેથી ઈયુના નિયમોના પાલન કરવાથી બાંધવામાં આવે તેવા કશા પર બોરિસ જ્હોન્સન હસ્તાક્ષર નહિ કરે. વડા પ્રધાને ફીશિંગ મુદ્દે બાંધછોડ કરવાની તૈયારી દર્સાવ્યાના બ્રસેલ્સના દાવાઓ પણ નકારી કાઢવામાં આવ્યા છે.

ફ્રેન્ચ વડા પ્રધાન એમાન્યુએલ મેક્રોંના દબાણ હેઠળ બાર્નિઅરે યુકે પર લાઈટનિંગ ટેરિફ્સ લાદવાના એકપક્ષી અધિકારની માગણી રજૂ કરવા સાથે આ મહિનાની શરુઆતમાં વાટાઘાટો ઘોંચમાં પડી હતી. બ્રિટિશ સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ બ્રસેલ્સને ‘જજ અને જ્યૂરી’ બનાવી દેતો હતો. હાલની ચર્ચા અનુસાર વેપારને અવરોધરુપ વર્કર્સના અધિકાર અને વાતાવરણ જેવા ક્ષેત્રોમાં કોઈ પક્ષ ધારાધોરણોનો ભંગ કરે તો અન્ય પક્ષને નિવારણ માગવાનો અધિકાર મળે તેવી રજૂઆતો હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન જ્હોન્સને નો ડીલ માટે તૈયાર રહેવાની ચેતવણી આપવા સાથે એમ પણ કહ્યું હતું કે ડીલ કરવા માટે તેઓ વધુ પ્રયાસ કરવા પણ તૈયાર છે. તેમણે યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે ટેલિફોન પર વાત કરી થોડા વધુ દિવસ મંત્રણાઓ થઈ શકે તેવો સમય માગ્યો હતો અને ઉર્સુલા વોન ડેર લેેન સંમત થતા મંત્રણાઓ આગળ વધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter