લંડનઃ બ્રિટનને ઈયુમાંથી બહાર નીકળવાના ઈયુ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ પર યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયીન અને કાઉન્સિલ પ્રેસિડેન્ટ ચાર્લ્સ માઈકલે સહીસિક્કા કર્યા તેના ગણતરીના કલાકોમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. બ્રિટિશ પાર્લામેન્ટે બુધવાર ૨૨ જાન્યુઆરીએ ઈયુ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલને પસાર કરવા સાથે ૩૧ જાન્યુઆરીએ બ્રેક્ઝિટનો માર્ગ મોકળો થયો છે. આ બિલને ક્વીનની મંજૂરી પણ પ્રાપ્ત થવા સાથે તેને કાયદાપોથીમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.
શુક્રવારે બ્રસેલ્સમાં સહી કરાયા પછી વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ દસ્તાવેજને ડિપ્લોમેટિક બેગમાં વેસ્ટમિન્સ્ટર- લંડન લવાયો હતો જેના પર વડા પ્રધાન જ્હોન્સને પણ હસ્તાક્ષર કર્યા હતા. જ્હોન્સનના હસ્તાક્ષર પછી મૂળ દસ્તાવેજને બ્રસેલ્સ પાછો લઈ જવાયો હતો જેને આર્કાઈવ્ઝમાં અન્ય સંધિઓ સાથે રખાશે. યુકેને આ દસ્તાવેજની ત્રણ પ્રમાણિત નકલો મળશે. હવે ૨૯ જાન્યુઆરીએ ઈયુ પાર્લામેન્ટમાં સંમતિસૂચક મતદાન થશે. પહેલી ફેબ્રુઆરીથી યુકે ૧૧ મહિનાના ટ્રાન્ઝીશન પીરિયડમાં પ્રવેશ કરશે જેમાં, તેને આર્થિક બ્લોકમાં પ્રતિનિધિત્વ વિના જ ઈયુના નિયમોનું પાલન કરવું પડશે. દરમિયાન નોંધપાત્ર ઘટનાક્રમમાં ઈયુ દ્વારા યુકેમાં તેના પ્રથમ એમ્બેસેડર તરીકે પોર્ટુગીઝ રાજદૂત જોઆઓ વાલ ડે અલ્મીડાનું નામ જાહેર કરાયું હતુ. તેઓ પહેલી ફેબ્રુઆરીથી કામગીરીનો આરંભ કરશે.
યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની વડા પ્રધાનની સમજૂતીને પાર્લામેન્ટમાં પસાર કરાયા પછીના દિવસે કોમન્સના ડેપ્યુટી સ્પીકર નાઈજેલ ઈવાન્સે જણાવ્યું હતું કે ઈયુ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલને શાહી મંજૂરી પ્રાપ્ત થઈ છે આનો અર્થ એ છે કે આગામી સપ્તાહે ઈયુમાંથી બહાર નીકળવા મુદ્દે મોટો અવરોધ રહ્યો નથી.
બોરિસ જ્હોન્સને બ્રેક્ઝિટ બિલ પસાર થયા પછી જણાવ્યું હતું કે ‘એક સમયે એવું લાગતું હતું કે આપણે કદી બ્રેક્ઝિટ ફિનિશ લાઈન પાર કરી શકીશું નહિ, પણ આપણે તે કર્યું છે. હવે આપણે ગત ત્રણ વર્ષની અંટસ અને વિભાજનને પાછળ મૂકી શકીશું તેમજ એક ઉજ્જવળ, ગતિશીલ ભવિષ્ય આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું જેમાં, સારી હોસ્પિટલો, શાળાઓ, સલામત માર્ગો અને દેશના દરેક ખુણે વિપુલ તકો હશે.’ તેમણે બ્રેક્ઝિટથી પ્રાપ્ત થનારી આઝાદીને ચોતરફ વિસ્તારવા ગતિશીલ થવાની પ્રતિજ્ઞા લીધી હતી.
અગાઉ કોમન્સે હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા બ્રેક્ઝિટ પછી બાળ નિર્વાસિતના રક્ષણની ખાતરી સહિતના સૂચવાયેલા સુધારા ફગાવી દીધા હતા. લોર્ડ્સ દ્વારા સુધારાને જાળવી રાખવાનું વલણ અપનાવાયું નહિ અને સંસદીય અવરોધો દૂર થયા હતા.


