બ્રેક્ઝિટ નિમિત્તે રોયલ મિન્ટ દ્વારા ૫૦ સેન્ટના ખાસ ચલણી સિક્કા!

Wednesday 16th October 2019 03:17 EDT
 
 

લંડનઃ યુકે ૩૧ ઓક્ટોબરે ઈયુને છોડી રહ્યું છે તે નિમિત્તે રોયલ મિન્ટ દ્વારા ૫૦ સેન્ટના ખાસ ચલણી સિક્કાનું ઉત્પાદન ચાલુ કરી દેવાયું છે. ચાન્સેલર સાજિદ જાવિદે ઓક્ટોબરમાં જથ્થાબંધ ઉત્પાદન માટે શાહી ટંકશાળને જણાવ્યા પછી ત્રણ મિલિયન સિક્કા બજારમાં મૂકાશે જ્યારે વધુ ૧૦ મિલિયન સિક્કાનું પણ ઉત્પાદન કરાનાર છે. આ સિક્કામાં ‘Peace, prosperity and friendship with all nations’ લખાણ લખાયું છે. ઉલ્લેખનીય છે કે રોયલ મેઈલ દ્વારા બ્રેક્ઝિટ નિમિત્તે કોઈ પોસ્ટલ સ્ટેમ્પ જારી કરવાનો ઈનકાર કરાયો છે.

વાસ્તવમાં આ સિક્કા બ્રિટન ૨૯ માર્ચે ઈયુ છોડવાનું હતું ત્યારે જારી કરાવાના હતા પરંતુ, બ્રેક્ઝિટમાં વિલંબ કરાયો હતો અને ૩૧ ઓક્ટોબરની તારીખ નિશ્ચિત કરાઈ હતી. જોકે, ૨૯ માર્ચ તારીખ સાથેના કેટલાંક સિક્કાઓનું ઉત્પાદન કરી પણ દેવાયું હતું. હવે વડા પ્રધાન જ્હોન્સને કોઈ પણ સંજોગોમાં ૩૧ ઓક્ટોબરે બ્રેક્ઝિટની જાહેરાત કરી છે. હવે ક્વીન્સ પ્રિવિ કાઉન્સલ ઓફ મિનિસ્ટર્સ દ્વારા ૩૧ ઓક્ટોબરની તારીખ સાથે નવા સંસ્કરણને બહાલી આપી દેવાઈ છે. બ્રેક્ઝિટ લંબાય તો પણ આ સિક્કા જારી કરાશે.

ત્રણ મિલિયન સિક્કા ૩૧ ઓક્ટોબરે જારી કરવામાં આવશે અને વધુ ૧૦ મિલિયન સિક્કાનું વર્ષ દરમિયાન ઉત્પાદન કરાશે. ચાંદી અને સોનાનાં વિશિષ્ટ સ્મારક સિક્કાઓનું ઉત્પાદન કરાયું છે જેને મેળવવા રોયલ મિન્ટની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રોયલ મિન્ટ મહત્ત્વના રાષ્ટ્રીય પ્રસંગોએ સિક્કા જારી કરે છે. યુકે ૧૯૭૩માં યુરોપિયન ઈકોનોમિક કોમ્યુનિટીમાં સામેલ થયું, ૧૯૯૨માં સિંગલ માર્કેટમાં જોડાયું અને ૧૯૯૮માં ઈયુનું પ્રમુખપદ મેળવ્યું ત્યારે પણ રોયલ મિન્ટ દ્વારા ૫૦ સેન્ટના ચલણી સિક્કા જારી કરાયા હતા. આ જ રીતે ૨૦૧૨ની ઓલિમ્પિક્સ પ્રસંગે પણ સિક્કા જારી કરાયા હતા, જેની સેંકડો પાઉન્ડની કિંમત ઉપજે છે. ક્યુ ગાર્ડન્સના ૨૫૦ વર્ષ નિમિત્તે તેમજ બીટ્રીક્સ પોટરના સિક્કાઓ પણ જારી કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter