બ્રેક્ઝિટ પછી ઈયુ પ્રવાસીઓ માટે યુએસ સ્ટાઈલના ઈલેક્ટ્રોનિક વિઝા

નવી સિસ્ટમ હેઠળ પાસપોર્ટ હોવો જરૂરી અને પ્રવાસ અગાઉ ઓનલાઈન ફોર્મ ભરવું પડશે

Wednesday 04th December 2019 02:40 EST
 
 

લંડનઃ બોરિસ સરકાર અને તેમના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ બ્રેક્ઝિટ મુદ્દે નવી ઈમિગ્રેશન રુપરેખા તૈયાર કરી રહ્યા છે. બ્રેક્ઝિટ પછી ઈયુમાંથી બ્રિટનમાં મુક્ત અવરજવરને અટકાવવા ઈયુના મુલાકાતીઓએ યુએસ પ્રકારના ઈલેક્ટ્રોનિક વિઝા મેળવવાની જરૂર રહેશે. યુરોપમાંથી આવનારા મુલાકાતી માટે અત્યાર સુધી પ્રવેશ મેળવવા માત્ર આઈડી કાર્ડ આવશ્યક ગણાય છે. નવી સિસ્ટમથી ઓફિસરોને મુસાફરોની ચકાસણી અને તેમને અટકાવવા વધુ સમય મળી રહેશે.

બ્રેક્ઝિટ પછી ઈયુ પ્રવાસીઓએ બ્રિટનની મુલાકાત લેવાં અગાઉ યુએસ સ્ટાઈલનું ઈલેક્ટ્રોનિક ક્લીઅઆરન્સ મેળવવું પડશે. તેવી જાહેરાત હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કરી છે. ઈમિગ્રેશન માટે ઓસ્ટ્રેલિયન પોઈન્ટ સિસ્ટમ પછી આ નવું કદમ છે. યુરોપના પ્રવાસીઓને પ્રવેશ મેળવવા અત્યારે આઈડી કાર્ડ આવશ્યક રહે છે પરંતુ, નવી સિસ્ટમ હેઠળ તેમની પાસે પાસપોર્ટ હોવો જરૂરી બનશે તેમજ પ્રવાસ કરવા અગાઉ તેમણે ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે. આના પરિણામે, જોખમી જણાય તેવા પ્રવાસીઓની ચકાસણી અને અટકાવ માટે વધુ સમય મળી રહેશે. દાણચોરીને અટકાવવાના અન્ય પગલાંના ભાગરુપે આયાતકારોએ આયાત કરાતા માલસામાન વિશે માહિતી પૂરી પાડવાની રહેશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘લોકોએ જ્યારે ૨૦૧૬માં લીવ માટે મત આપ્યો ત્યારે તેઓ આપણી સરહદોનો અંકુશ પાછો મેળવવાં માગતા હતા. બ્રેક્ઝિટ પછી અમે ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની પોઈન્ટ્સ આધારિત સિસ્ટમ દાખલ કરવા ઉપરાંત, યુકેની સુરક્ષા સુધારવાના પગલાં લઈશું. ઈયુ કાયદાઓના પરિણામે આપણી સરહદી નિયમન ક્ષમતા મર્યાદિત બની ગયેલી છે.’

વિઝા વિના આવતા કોઈ પણ માટે ઈલેક્ટ્રોનિક ટ્ર્વેલ ઓથોરાઈઝેશન (ETA) સિસ્ટમ લાગુ કરાશે. અમેરિકાના Esta પ્રોગ્રામની માફક મુસાફરોએ આપરાધિક ઈતિહાસ સહિત તેમની વિગતો આગોતરી ઓનલાઈન રજૂ કરવી પડશે. ભવિષ્યમાં ફિંગરપ્રિન્ટ્સ જેવી બાયોમેટ્રિક્સ ઓળખનો પણ ઉપયોગ કરાશે. કેટલાક યુરોપિયન દેશો દ્વારા અપાતાં પેપર આઈડી કાર્ડ્સ દેશમાં પ્રવેશ માટે સ્વીકારાશે નહિ. દર વર્ષે ૧૦૦૦થી વધુ બિનયુરોપીય લોકો બનાવટી ઈયુ દસ્તાવેજોના ઉપયોગથી યુકેમાં પ્રવેશનો પ્રયાસ કરતા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter