લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન બ્રેક્ઝિટ પછી ઈયુ સાથે કેનેડા સ્ટાઈલની વેપારસંધિ કરવા ઈચ્છે છે અને બ્રસેલ્સ દ્વારા ઓફર કરાયેલી ‘ઓફ-ધ-શેલ્ફ’ ઓફર પણ સ્વીકારી લે તેવા સંકેતો મળે છે. આનો અર્થ એ છે કે યુકે ઈયુ દેશો સાથે ટેરિફમુક્ત વેપાર કરી શકશે. જોકે, આવા સોદામાં યિકેના સર્વિસિસ સેક્ટરનો સમાવેશ નહિ કરાય. આના પરિણામે, ૧૫ વર્ષના ગાળામાં યુકેનું અર્થતંત્ર પાંચ ટકા જેટલું સંકોચાઈ જશે.
એક નવા રિપોર્ટ અનુસાર વડા પ્રધાન ઈયુ સાથે કેનેડા સ્ટાઈલની વેપારસંધિની તૈયારી કરી રહ્યા છે. જો આ શક્ય બને તો યુકે સર્વિસીસ સેક્ટરને બાકાત રાખી ઈયુ દેશો સાથે ટેરિફમુક્ત વેપાર કરી શકે છે. ઈયુના મુખ્ય મંત્રણાકાર માઈકલ બર્નીએરે કેનેડા સ્ટાઈલના ‘ઓફ-ધ-શેલ્ફ’ વેપારસોદાની ઓફર કરી હતી પરંતુ, થેરેસા મેની ટીમે ઓફર ફગાવી દીધી હતી.
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લીયેન સાથે તાજેતરની મુલાકાતમાં વડા પ્રધાને આવી સંધિ સ્વીકારવા ખુલ્લું મન દર્શાવ્યું હતું. બ્રિટન ઈયુમાંથી બહાર નીકળવા સાથે બને તેટલી ઝડપે વેપાર મંત્રણા શરૂ કરવા ઈચ્છે છે. જોકે, ઈયુ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીના માત્ર ૧૧ મહિનાના ટ્રાન્ઝીશન પીરિયડના અંતે સઘન સમજૂતી મેળવવી શક્ય નથી. ટ્રાન્ઝીશન પીરિયડ દરમિયાન યુકેએ ઈયુના નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ લોકોની મુક્ત અવરજવર પણ યથાવત રહેશે.


