લંડનઃ બ્રેક્ઝિટની આખરી તારીખ નજીક આવી રહી છે ત્યારે ૨૦ લાખથી વધુ યુરોપિયન નાગરિકોએ બ્રેક્ઝિટ પછી યુકેમાં રહેવા તૈયારી દર્શાવી છે, જેમાં પોલિશ, રોમાનિયન અને ઈટાલિયનોની સંખ્યા વધુ છે. પાંચ લાખથી વધુ ઈયુ નાગરિકોએ ગયા મહિને જ ઈયુ સેટલમેન્ટ સ્કીમમાં અરજી કરી છે. નો-ડીલ સાથે પણ ૩૧ ઓક્ટોબરે બ્રેક્ઝિટ થવાની સંભાવનાએ અરજદારોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ, હોમ ઓફિસ મિનિસ્ટર બ્રાન્ડોન લૂઈએ જણાવ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૦ના અંતની સમયમર્યાદા સુધી યુકેમાં રહેતા ઈયુના જે નાગરિકોએ સેટલ્ડ સ્ટેટસ અને રહેવાના અધિકાર માટે અરજી કે રજિસ્ટ્રેશન કર્યાં નહિ હોય તેમને દેશનિકાલ કરી શકાશે.
ઈયુ નાગરિકો પાસે યુકેમાં રહેવા માટે સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરવાની સમયમર્યાદા ૨૦૨૦ના અંત સુધીની છે. હોમ ઓફિસ મિનિસ્ટર બ્રાન્ડોન લૂઈએ જણાવ્યું હતું કે આ નાગરિકો રેસિડેન્સ પરમિટ માટે તમામ જરૂરિયાત પૂર્ણ કરતા હશે તો પણ તેમને બ્રિટનથી તેમના દેશ પરત મોકલી દેવાશે. જોકે તેમના નિવેદનનો ભારે વિરોધ પણ થયો છે. જોકે, હોમ ઓફિસે સ્પષ્ટતા કરી છે કે આખરી તારીખ સુધી અરજી ન થવા માટે તાર્કિક કારણ જણાવાશે તો તેમને અરજી કરવા માટે વધુ સમય અપાશે.
હોમ ઓફિસના આંકડા અનુસાર અત્યાર સુધી બે મિલિયન લોકોએ આ યોજનામાં અરજી કરી છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ૫૦૦,૦૦૦થી વધુ લોકોએ અરજી કરી હતી. આમ છતાં, હજુ યુકેમાં રહેતાં હજારો લોકોએ નિયત સમયમર્યાદા અગાઉ સેટલ્ડ દરજ્જા માટે અરજી કરવાની બાકી રહે છે. યુકેમાં વસતાં ઈયુ, યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA) અને સ્વિટ્ઝર્લેન્ડના લોકો માટે આ યોજના ખુલ્લી છે. અરજી કરનારાઓમાં પોલિશ, રોમાનિયન અને ઈટાલિયનોની સંખ્યા વધુ છે.
સપ્ટેમ્બરના અંત સુધીમાં કુલ ૧,૫૨૪,૫૦૦ અરજીનો નિકાલ લાવી દેવાયો છે, જેમાંથી ૬૧ ટકા અરજીને ફૂલ સેટલ્ડ સ્ટેટસ અને ૩૮ ટકા અરજીને પ્રી-સેટલ્ડ સ્ટેટસ આપી દેવાયું છે. યુકેમાં સતત પાંચ વર્ષ રહેવા પછી ઈયુ નાગરિકો તેને અપડેટ કરવાની અરજી કરી શકશે. સ્ટેટસ પ્રાપ્ત થયાં પછી લોકો યુકેમાં રહી અભ્યાસ અને નોકરી કરી શકશે. NHS નો ઉપયોગ કરી શકશે તેમજ જાહેર ભંડોળ અને બેનિફિટ્સની સુવિધા પ્રાપ્ત કરી શકશે અને દેશમાં અને દેશની બહાર પ્રવાસ પણ કરી શકશે.
સૌથી વધુ ૧,૭૦૪,૧૦૦ અરજી ઈંગ્લેન્ડમાં રહેતા નાગરિકો પાસેથી આવી છે જ્યારે સ્કોટલેન્ડથી ૯૨,૭૦૦, વેલ્સમાંથી ૨૯,૩૦૦ તેમજ નોર્ધર્ન આયર્લેન્ડમાંથી ૨૮,૭૦૦ અરજી આવી છે. અરજદારોમાં સૌથી વધુ પોલિશ (૩૪૭,૩૦૦) નાગરિકો છે અને તે પછી રોમાનિયન (૨૮૦,૬૦૦) અને ઈટાલિયન (૨૦૦,૭૦૦) આવે છે. EEA બહાર રહેતા અરજદાર નાગરિકોની સંખ્યા ૮૮૫૦૦ની છે.


