લંડનઃ યુકેના નાગરિકો માટે રાષ્ટ્રીય ઓળખ દસ્તાવેજનો વિચાર વર્ષોથી વિવાદમાં રહ્યો છે. હવે બ્રિટન ઈયુ છોડી રહ્યું છે ત્યારે બ્રેક્ઝિટ પછી તમામ નાગરિકોને ઓળખપત્ર આપવાની ભલામણ કરવામાં આવી છે, જેથી વધુ એક વિન્ડરશ કૌભાંડ નિવારી શકાય. લેબર સરકારે ૨૦૦૬માં ૫ બિલિયન પાઉન્ડની આઈડી કાર્ડ સિસ્ટમ દાખલ કરી હતી. જોકે, ૨૦૧૦માં હોમ સેક્રેટરી થેરેસા મેએ તેને રદ કરવાનો ખરડો રજૂ કર્યો હતો.
બ્રિટન ઈયુમાંથી બહાર નીકળી રહ્યું છે ત્યારે સરહદો પર અંકુશ અને ઈમિગ્રેશન નિયમોમાં ધરમૂળ સુધારાની તક કહ્યું છે. હોમ સેક્રેટરી સાજિદ જાવિદે જાહેર કરેલા સુધારા અનુસાર હાલ યુકેમાં રહેતા ૩.૬ મિલિયન ઈયુ નાગરિકો બ્રેક્ઝિટ પછી ડિસેમ્બર ૩૧, ૨૦૨૦ના ટ્રાન્ઝિશન ગાળા પછી પણ યુકેમાં રહેવા ઈચ્છતા હોય તેમણે ૬૫ પાઉન્ડની ફી સાથે રજિસ્ટ્રેશન સિસ્ટમમાં જોડાવાનું રહેશે.
પોલિસી એક્સચેન્જ થિન્ક ટેન્કના ડેમોગ્રાફી, ઈમિગ્રેશન એન્ડ ઈન્ટિગ્રેશનના વડા ડેવિડ ગૂડહાર્ટે તેમના રિપોર્ટ ‘ધ બોર્ડર ઓડિટઃ અ પોસ્ટ વિન્ડરશ રીવ્યૂ’માં આ યોજનાને તમામ બ્રિટિશ નાગરિકો માટે પણ લાગૂ કરવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત, તેમણે ૧૦ કે વધુ વર્ષથી યુકેમાં રહેતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ માટે માફી, દેશ છોડી જવા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને વધુ રોકડ તેમજ તેમના મૂળ દેશમાં બિઝનેસીસ સ્થાપવા ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટને સાંકળતી સંયુક્ત યોજના સહિતના સૂચનો પણ કર્યાં છે.


