બ્રેક્ઝિટ પછી પ્રથમ ઓટમ સ્ટેટમેન્ટઃ કરકસર, ખાધ, ફ્યુલ ડ્યુટી અને માર્ગોને મહત્ત્વ

Tuesday 22nd November 2016 13:19 EST
 
 

લંડનઃ ચાન્સેલર ફિલિપ હેમન્ડ બુધવારે બપોરે તેમનું અને બ્રેક્ઝિટ પછીનું પ્રથમ ઓટમ સ્ટેટમેન્ટ જાહેર કરશે. જોકે, તેમના પુરોગામી જ્યોર્જ ઓસ્બોર્નની કોથળામાંથી બિલાડું કાઢવાની લોકપ્રિય રમતોના બદલે હેમન્ડ અલગ જ અભિગમ અપનાવશે તેમ કહેવાય છે. આ મિનિ બજેટમાં હેમન્ડ દેશના માર્ગો પરની ભીડ ઓછી કરવા તેમજ સ્થાનિક માર્ગો અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક્સ સુધારવા પાછળ ૧.૩ બિલિયન પાઉન્ડ ફાળવશે. આ ઉપરાંત, ફ્યુલ ડ્યુટીમાં બે પેન્સના સૂચિત વધારાને રદ કરાશે. બીજી તરફ, ૨૦૨૦ સુધીમાં રાજકોષીય ખાધ સંપૂર્ણ નાબૂદ કરવાનો પ્રયાસ નહિ કરવા સાથે કરકસર પણ ચાલુ રખાશે. ઈન્કમ ટેક્સ અને VAT માં છૂટછાટો હમણા નહિ પરંતુ, માર્ચ-૨૦૧૭ના બજેટમાં જાહેર કરાવાની શક્યતા છે. આ ઉપરાંત, કર્મચારીઓને કંપની બોર્ડ્સમાં સ્થાન આપવાની ખાતરીમાંથી પણ સરકાર પીછેહઠ કરશે કારણકે બિગ બિઝનેસીસને પ્રાધાન્ય આપવામાં આવનાર છે.

બ્રિટનની નાણાવ્યવસ્થા સામે ભારે પડકાર

બ્રેક્ઝિટના કારણે બ્રિટને ૧૦૦ બિલિયન પાઉન્ડનો બોજો ઉઠાવવો પડશે તેવી નિષ્ણાતોની ચેતવણી છે ત્યારે વિકાસની આગાહીઓ ધીમી પડી છે. ચાન્સેલર હેમન્ડે ૧૦૦ બિલિયન પાઉન્ડ આંકડા વિશે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે,‘કેટલી બધી આગાહી થાય છે તે તમે જોયું જ છે. આમાંની ઘણી આગામી વર્ષે આર્થિક વૃદ્ધિ ધીમી પડવા અને જાહેર નાણાવ્યવસ્થા સામે ભારે પડકાર અંગે છે. આ માટેના ઘણા કારણો પણ છે.’

અગાઉ, ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝના રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે બ્રેક્ઝિટ પછી ૨૫ બિલિયન પાઉન્ડનો ખાડો પડશે અને ૨૦૧૯-૨૦ સુધી આગાહી કરતા ટેક્સ રેવન્યુ ૩૧ બિલિયન પાઉન્ડ ઘટશે. હેમન્ડે જણાવ્યું હતું કે,‘આપણું દેવું આંખમાં પાણી લાવી દે તેવું છે અને ખાધ પણ મોટી છે.’

માર્ગો માટે £૧.૩ બિલિયન અને ફ્યુલ ટેક્સ ફ્રીઝઃ ફ્યુલ ડ્યુટી સ્થગિત કરવા અને માર્ગો માટે ૧.૩ બિલિયન પાઉન્ડની ફાળવણી સાથે બ્રિટનમાં કાર ડ્રાઈવર્સ કેન્દ્રસ્થાને સહેશે. સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ ફ્યુલ ડ્યુટીમાં બે પેન્સના સૂચિત વધારાને પણ રદ કરવામાં આવશે. હેમન્ડના મિનિ બજેટમાં સ્થાનિક માર્ગો સુધારી ભીડ ઘટાડવા અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક્સને અપગ્રેડ કરવા પાછળ ૧.૩ બિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે. ઈંગ્લેન્ડના મોટરવેઝ અને મુખ્ય A રોડ્સ માટે ૨૨૦ મિલિયન પાઉન્ડ ફાળવાશે તેમજ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિશનની ભલામણ અનુસાર ઓક્સફર્ડ, મિલ્ટન કીનેસ અને કેમ્બ્રિજને સાંકળતા ૨૭ મિલિયન પાઉન્ડના એક્સપ્રેસ વેને પણ લીલી ઝંડી અપાશે.

જસ્ટ અબાઉટ મેનેજિંગ માટે મદદનો હાથઃ ચાન્સેલર હેમન્ડ ચાવીરુપ મતદારો ‘જસ્ટ અબાઉટ મેનેજિંગ (JAMs)’ એટલે કે માંડ માંડ ઘર ચલાવતાં અને વાર્ષિક ૧૨,૦૦૦થી ૩૪,૦૦૦ પાઉન્ડની નેટ આવક ધરાવતાં ૬૦ લાખ લોકોને રીઝવવા પોતાના પ્રથમ ઓટમ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકે છે.

મોટા બિઝનેસીસને પ્રાથમિકતાઃ પૂર્વ વેલ્ફેર મિનિસ્ટર ઈયાન ડંકન સ્મિથ સહિત ટોરી સાંસદો યુનિવર્સલ ક્રેડિટ ‘વર્ક એલાવન્સીસ’ને ૩.૪ બિલિયન પાઉન્ડના કાપને હળવો બનાવવા ચાન્સેલર પર દબાણ કરી રહ્યા છે. આ ઉપરાંત, એપ્રિલ ૨૦૧૭થી અમલી થનારા ડિસેબિલિટી બેનિફિટ એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાવન્સ (ESA)માં સાપ્તાહિક ૩૦ પાઉન્ડના કાપને પણ વિલંબમાં મૂકવાનું દબાણ થઈ રહ્યું છે. જોકે, હેમન્ડ આ માટે તૈયાર નથી. તેઓ ધનવાનો પર ટેક્સ વધારી આ પગલાં માટે ભંડોળ વધારશે તેમ કહે છે. ટોરી ચાન્સેલરે જણાવ્યું હતું કે,‘હું બ્રિટનને રોકાણકારોને ઈન્વેસ્ટ કરવા માટે લાભ ન દેખાય તેવું બનાવવા માગતો નથી. હું પૂર્વ બિઝનેસમેન હોવાથી કંપનીઓ સ્થિરતા અને નિશ્ચિતતાની વધુ આશા રાખે છે તેની મને જાણ છે.’

૨૦૨૦ સુધીમાં હિસાબો સરભર નહિ થાયઃ ચાન્સેલર હેમન્ડ ૨૦૨૦ સુધીમાં હિસાબો સરભર કરવાનો એટલે કે ખાધ સંપૂર્ણ નાબૂદ કરવાનો પ્રયાસ નહિ કરે. ઓસ્બોર્ન તો આ વર્ષ સુધીમાં જ રાજકોષીય ખાધ પૂર્ણ કરવા માગતા હતા, પરંતુ ખાધ ૨૦૦૮-૦૯ કરતા પણ વધુ એટલે કે ૫૭.૬ બિલિયન પાઉન્ડ રહેતા મુદત ૨૦૨૦ સુધી લંબાવી હતી.

આમ છતાં, કરકસરનો અંત નહિ આવેઃ ખાધ ભલે નાબૂદ ન થાય, કરકસરનો અંત નહિ આવે. ચાન્સેલરે કહ્યું છે કે, ‘રોજબરોજના જાહેર ખર્ચ પર અંકુશ રખાશે.’ આથી, જાહેર વેતનવૃદ્ધિમાં એક ટકાની મર્યાદા અદૃશ્ય થવાની આશા ન રાખશો.

ઈન્કમ ટેક્સ અને VAT માં છૂટછાટો હમણા નહિઃ ચાન્સેલર ૨૦ ટકાનો VAT ઘટાડી ૧૭.૫ ટકા કરવાનો સંકેત આપી શકે છે પરંતુ, વાસ્તવિક જાહેરાત માર્ચ ૨૦૧૭ના બજેટમાં જ થશે. આ પ્રમાણે બ્રિટનના ૧૫ ટકા ધનિકો માટે ઈન્કમ ટેક્સમાં કાપ મૂક્વાની કટિબદ્ધતા જાહેર કરશે. જોકે, ૨૦૨૦ સુધીમાં ૫૦,૦૦૦ પાઉન્ડ સુધી પહોંચનારી ૪૦ પેન્સ ટેક્સની મર્યાદામાં વધારાની જાહેરાત પણ માર્ચમાં જ કરાશે.

કંપની બોર્ડની યોજનામાં પીછેહઠઃ વર્કર્સને કંપની બોર્ડમાં સ્થાન આપવાની થેરેસા મેની ખાતરી અંગે ટોરી સરકાર પીછેહઠ કરશે. FTSE100 કંપનીઓના વડાઓ અને વડા પ્રધાન થેરેસા મે વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટમાં શ્રેણીબદ્ધ ડિનર બેઠકો યોજાયા પછી વડા પ્રધાન આ નીતિના ભાગને હળવો રાખવા તૈયાર થયાં છે. કર્મચારીઓને એક્ઝિક્યુટિવ ભૂમિકા આપી નિર્ણયપ્રક્રિયામાં તેમનો અવાજ રહે તે માટે મોટી કંપનીઓને ફરજ પાડવાની યોજના લગભગ પડી ભાંગી છે.

ગ્રામર સ્કૂલ્સ માટે નાણા અપાશેઃ સન્ડે ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ચાન્સેલર વર્તમાન ગ્રામર સ્કૂલ્સને વિસ્તરણ માટે લાખો પાઉન્ડ આપવાની ખાતરી ઉચ્ચારશે. નવી ગ્રામર સ્કૂલ્સ મુદ્દે પાર્ટીમાં ભારે વિરોધના પગલે થેરેસા મે પીછેહઠ કરી રહ્યાં હોવાનું જણાય છે.

મધ્યમ નોકરીઓમાં સુવિધા બંધ કરાશેઃ નવા નિયમો સખત બનાવવા સાથે હેલ્થ ચેક્સ, જીમના સભ્યપદ અને મોબાઈલ ફોન કોન્ટ્રાક્ટ્સને ભારે અસર થશે. કામદારો પોતાના પગારનો કેટલોક હિસ્સો જતો કરીને આ લાભ કે સુવિધા મેળવી શકે છે. જોકે, આના પરિણામે, ઈન્કમ ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સમાં દેશને નાણા ગુમાવવા પડશે.

એર ટ્રાવેલ ટેક્સમાં કાપઃ ટોરી પાર્ટીના પૂર્વ ચેરમેન ગ્રાન્ટ શાપ્સ અને ૫૦થી વધુ સાંસદોએ ચાન્સેલર સમક્ષ એર પેસેન્જર ડ્યુટીમાં કાપ મૂકવા અથવા તેને સદંતર રદ કરવાની જોરદાર માગણી કરી છે. આ પગલાથી પરિવારને ટુંકી મુસાફરીમાં ૫૨ (બાવન) પાઉન્ડની બચત થશે તેવો તેમનો દાવો છે.

પેન્શન સુધારા પડતા મૂકાયાઃ ઓસ્બોર્ન દ્વારા ઘડાયેલા પેન્શન સુધારા પડતા મૂકાયા છે. આ સુધારાથી લોકોને તેમની એન્યુઈટીઝ વેચવાની છૂટ મળી હોત. એન્યુઈટી એવી પેદાશ છે જેમાં લોકોને મૃત્યુ થવા સુધી દર મહિને નિશ્ચિત રકમ મળતી રહે છે. જોકે, લોકો એન્યુઈટી વેચી નાખશે અને તેમને ઓછું મૂલ્ય મળવાથી છેલ્લે તેમની હાલત ખરાબ થઈ જવાનો ભય સેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter