લંડનઃ બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટપણે કહ્યું હતું કે બ્રેક્ઝિટ પછી યુકેમાં માઈગ્રન્ટ વર્ક્સને યોગ્ય તકો પુરી પડાશે અને હવે પછી યુરોપિયન સંઘમાંથી આવતા કામદારોને ભારત જેવા દેશમાંથી આવતા કામદારો કરતાં પ્રાથમિક્તા નહિ અપાય.
લંડનમાં કન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સભાને સંબોધતાં મેએ કહ્યું હતું કે દેશની બ્રેક્ઝિટ પછીની ઈમિગ્રેશન પોલીસી કૌશલ્ય અને કાબેલિયત પર આધારિત હશે, વસાહતીઓ કયા દેશમાંથી આવતા હોય તેની પર નહિ.
એકવાર અમે યુરોપિયન સંઘમાંથી નીકળી જઈશું ત્યાર પણ કોણ અહીં ક્યાંથી આવે છે તે અંગે અમે જ નિર્ણય કરીશું. એવું નહિ બને કે કૌશલ્ય કે આવડત વિના જ યુરોપિયન સંઘમાંથી આવતા લોકોને પહેલાં ઓફર કરાશે. દિલ્હી અથવા તો સિડનીમાંથી આવતા સોફ્ટવેર ડેવલપર્સ એન્જિનિયર પહેલાં તેમને કોઈ જ પ્રાથમિકતા નહિ અપાય’ એમ તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું. વ્યક્તિ ક્યાંથી આવે છે તે સિસ્ટમને બદલે અમે જેની પાસે ટેલેન્ટ અને આવડત હશે તેમને વધુ પસંદ કરીશું, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે બ્રેક્ઝિટ પછી ઈમિગ્રેશન સિસ્ટમમાં મુખ્ય મુદ્દો કુશળતા હશે, ક્વોટા નહિ.