બ્રેક્ઝિટ પછી ભારતીયો સહિત બિન-ઈયુ વર્કર્સને ઈમિગ્રેશનમાં પ્રાથમિકતાઃ કમાણીની મર્યાદાનો વિવાદ

Friday 21st December 2018 04:02 EST
 
 

લંડનઃ યુકેમાં બ્રેક્ઝિટ પછી ઈમિગ્રેશન નીતિ કેવી હશે તેનું વ્હાઈટ પેપર સરકારે જારી કર્યું છે, જેમાં બિન-ઈયુ દેશના કામદારોને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કરાયો છે. આ દરખાસ્તથી ભારતીય આઈટી વ્યવસાયીઓને લાભ થવાની શક્યતા છે. જોકે, કુશળતા આધારિત સિસ્ટમમાં ઈયુ અને બિન ઈયુ દેશો વચ્ચે કોઈ ભેદભાવ નહિ રખાય તેમ પણ જણાવાયું છે. ઓછી કુશળતા ધરાવતા કામદારને યુકેમાં પ્રવેશ માટે ઓછામાં ઓછી કમાણીનો નિયમ ૨૧,૦૦૦ પાઉન્ડ રાખવો કે ૩૦,૦૦૦ પાઉન્ડ તેના વિશે વિવાદ સર્જાયો છે. થેરેસા સરકારને કમાણીના મુદ્દે ફેરફાર કરવો પડે તેવું ભારે દબાણ બિઝનેસીસ લોબી તરફથી છે. બિઝનેસીસ વિદેશમાંથી ઓછી કુશળતા સાથેના વર્કર્સને કામે રાખવાનો અધિકાર માગી રહ્યા છે. હોમ સેક્રેટરી સાજિદ જાવિદે જાહેર કરેલા શ્વેતપત્રમાં ઈમિગ્રેશનની સંખ્યા ઘટાડવા મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. વ્હાઈટ પેપરમાં દર્શાવાયું છે કે ૨૦૨૧ પછી ઈયુમાંથી લોકોની મુક્ત અવરજવરનો અંત આવશે. કુશળ કામદારો માટે નવા વિઝા અને વાર્ષિક ૨૦૭૦૦ વિઝા મર્યાદાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી. યુરોપિયન સંઘના આઈટી વ્યવસાયીઓ હવે ઓટોમેટિક વિઝાને પાત્ર નહિ રહે. બ્રેક્ઝિટ પછી ઓછી કુશળતા ધરાવતા યુરોપિયન સંઘના કામદારોને પણ વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે.

યુકેમાં પ્રવેશ માટે ૩૦,૦૦૦ કે વધુ પાઉન્ડની વેતનમર્યાદા રાખવા વડા પ્રધાન થેરેસા મેનો આગ્રહ છે પરંતુ, ચાન્સેલર હેમન્ડ અને બિઝનેસ સેક્રેટરી ગ્રેગ ક્લાર્ક ૨૧,૦૦૦ પાઉન્ડ આસપાસની વેતનમર્યાદાની તરફેણ કરે છે. સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર જોશ હાર્ડીએ કહ્યું છે કે હોસ્પિટલ્સ, હાઉસબિલ્ડર્સ અને રીટેઈલર્સ ૩૦,૦૦૦ પાઉન્ડથી ઓછી વેતનમર્યાદાની માગણી કરી રહ્યા છે. ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસના ચેરમેન માઈક ચેરી કહે છે કે જો ૩૦,૦૦૦ પાઉન્ડની મર્યાદા રખાય તો મધ્યમ અથવા ઓછી કુશળતાના કામદારો પર આધાર રાખતા ૧૦માંથી સાત નાના એમ્પ્લોયર્સ ગેરલાયક ઠરશે. બાંધકામ અને સોશિયલ કેર જેવાં સેક્ટર્સમાં ઓછાં વેતનનું પ્રભુત્વ છે.

હોમ સેક્રેટરી જાવિદે નેટ ઈમિગ્રેશનની સંખ્યા ૧૦૦,૦૦૦ સુધી લાવવાના ૨૦૧૭ના ઈલેક્શન મેનિફેસ્ટોનું પુનરાવર્તન કરવાનું નકાર્યું છે. કેમરન સરકારે ૨૦૧૦માં નિર્ધારિત કરેલો આ લક્ષ્યાંક કરી પાર કરી શકાયો નથી. હાલ વાર્ષિક નેટ ઈમિગ્રેશનની સંખ્યા ૨૭૩,૦૦૦ જેટલી છે. મુક્ત અવરજવર બંધ થવાથી ઈયુ વર્કર્સ બિલિયન્સ પાઉન્ડના બેનિફિટ્સ ક્લેઈમ કરી નહિ શકે. ઈયુ વર્કર્સને ૨૦૧૬ પહેલા ટેક્સ ક્રેડિટ્સ અને હાઉસિંગ બેનિફિટ્સમાં ૨.૨ બિલિયન પાઉન્ડથી વધુ, બેરોજગારીના લાભ ૧.૧ બિલિયન પાઉન્ડથી વધુ અને ચાઈલ્ડ બેનિફિટ તરીકે ૭૦૦ મિલિયન પાઉન્ડ મળતા હતા. NHSમાં નર્સીસ, પેરોમેડિક્સ અને મિડવાઈવ્સ માટે શરુઆતનો વાર્ષિક પગાર ૨૩,૦૦૦ પાઉન્ડ, જુનિયર ડોક્ટર્સ માટે ૨૭,૦૦૦ પાઉન્ડ, હેલ્થકેર આસિસ્ટન્ટ્સ માટ ૧૭,૦૦૦ પાઉન્ડ હોય છે, જે ૩૦,૦૦૦ પાઉન્ડની મર્યાદાથી ઓછો છે.

સરકાર ટેમ્પરરી લો-સ્કીલ્ડ સ્કીમ દાખલ કરવા ઈચ્છે છે. પાંચ વર્ષ માટેના ટ્રાન્ઝિશન પીરિયડમાં ઓછાં પગારની નોકરીઓ માટે લોકોને યુકેમાં મહત્તમ ૧૨ મહિના માટે પ્રવેશના વિઝા અપાશે. આ લોકોને યુકેમાં સ્થિર થતાં અટકાવવા વધુ ૧૨ મહિનાના કૂલિંગ-ઓફ પીરિયડની જોગવાઈ રખાશે. નવા ઈમિગ્રેશન નિયમો બ્રેક્ઝિટ પછીના ટ્રાન્ઝિશન ગાળાના અંતે એટલે કે ૨૦૨૧ના આરંભથી અમલી બનશે. ફળો ચૂંટનારા અને અન્ય સિઝનલ ખેતીકામના વર્કરો માટે વધારાની ‘સ્મોલ સ્કેલ’ યોજનાની ટ્રાયલ ૨૦૧૯થી કરાશે, જેનો લાભ અન્ય સેક્ટર્સને નહિ મળે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter