લંડનઃ બ્રેક્ઝિટ પછી યુકે આવવા ઈચ્છતા માઈગ્રન્ટ્સ માટે ૩૦,૦૦૦ પાઉન્ડના પગારની વિવાદિત સીમામર્યાદા પડતી મૂકવાનો મજબૂત સંકેત બોરિસ જ્હોન્સન સરકારે આપ્યો છે. સરકારનું કહેવું છે કે પોઈન્ટ્સ આધારિત નવી ઈમિગ્રેશન સિસ્ટમ જાન્યુઆરી ૨૦૨૧થી સંપૂર્ણપણે કાર્યરત કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે થેરેસા મે સરકાર બ્રેક્ઝિટ પછી માઈગ્રન્ટ્સની વેતન મર્યાદા લાદવા ઈચ્છતી હતી, જે અનુસાર બ્રિટનમાં કામ કરવા આવવા માટે ઓછામાં ઓછું ૩૦,૦૦૦ પાઉન્ડના વેતનની ઓફર આવશ્યક ગણાઈ હતી.
બોરિસ સરકાર બ્રેક્ઝિટ પછી ઈવનારા માઈગ્રન્ટ્સ માટે વેતનમર્યાદાની નીતિ પડતી મૂકવા માગે છે કે કારણકે આયુ છોડ્યા પછી યુકેમાં ઓસ્ટ્રેલિયન શૈલીની ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરવાની હોઈ તેની સાથે સુસંગત થતી નથી. આ સાથે ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જૂની સરકારની આગામી વર્ષથી બોર્ડર કંટ્રોલ ફેરફારને તબક્કાવાર દૂર કરવાની દરખાસ્ત પણ પડતી મૂકાશે.
બોરિસ જ્હોન્સને નવી ઈમિગ્રેશન સિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક સિદ્ધાંતો કેબિનેટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નવી સિસ્ટમ હેઠળ યુકે આવતા લોકોની સંખ્યામાં સમગ્રતયા કાપ મૂકવાની સાથોસાથ બિનકુશળ ઈમિગ્રેશનને પણ ઘટાડવામાં આવશે. પૂર્વ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ગત જૂનમાં પૂર્વ વડા પ્રધાન થેરેસા મેની સૂચિત આવકમર્યાદાને સમીક્ષાનો આદેશ આપતા જ તે પડતી મૂકાશે તેમ જણાયું હતું. આ નીતિ ચાલી શકે કે કેમ તે તપાસવા માઈગ્રેશન એડવાઈઝરી કમિટીને જણાવાયું હતું.
૩૦,૦૦૦ પાઉન્ડના વેતનની આવકમર્યાદાનો અર્થ એ થતો હતો કે તેના કારણે ચોક્કસ ક્ષેત્રોમાં ઓછું વેતન હોય છતાં, મહત્ત્વના અને કુશળ વર્કર્સ યુકે આવી શકશે નહિ. એડવાઈઝરી કમિટી ટુંક સમયમાં તેનો રિપોર્ટ આપવાની છે. બીજી તરફ, યુકેની સમગ્રતયા માઈગ્રેશન જરૂરિયાતો સંદર્ભે સમીક્ષાનો રિપોર્ટ પણ આવવાનો છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરવા ઈચ્છે છે જે અલગ છે. આ સિસ્ટમમાં લોકોને તેમની કમાણીની ક્ષમતાના બદલે તેમની કુશળતા અને ઈકોનોમીમાં શું યોગદાન આપી શકે છે તે મુજબ સ્કોર અપાશે. ઓછી કુશળતા ધરાવતા માઈગ્રન્ટ્સ આવતા બંધ થવાથી તેમની સંખ્યા સમગ્રતયા ઘટશે.


