બ્રેક્ઝિટ પછી યુકે સાથે વેપાર સમજૂતીની ટ્રમ્પની ખાતરી

Wednesday 05th June 2019 03:57 EDT
 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતિય સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસમાં મુલાકાત કરી હતી. ટ્રમ્પને ૪૧ તોપોની સલામતી અપાઈ હતી. રાણી એલિઝાબેથે તેમના નિવાસસ્થાનમાં સંગ્રહિત કરાયેલા ભવ્ય અને વિશાળ ‘રોયલ કલેકશન’ પણ ટ્રમ્પ દંપતીને બતાવ્યું હતું. ટ્રમ્પ દંપતીનું બકિંગહામ પેલેસમાં શાનદાર સ્વાગત કરાયું હતું.
 

લંડનઃ યુકેની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોથી જૂને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે સાથે બેઠક અને પત્રકાર પરિષદમાં બ્રેક્ઝિટ પછી યુકે સાથે અભૂતપૂર્વ ટ્રેડ ડીલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રમુખ ટ્રમ્પ મંત્રણા માટે ડાઉનિંગ સ્ટ્રીટ આવ્યા ત્યારે વડા પ્રધાન થેરેસાએ તેમને અમેરિકાના સ્વાતંત્ર્યની જાહેરાતની ૧૭૮૦ની નકલ પણ બતાવી હતી. ટ્રમ્પની મુલાકાતને નિષ્ફળ બનાવવા ૨૫૦,૦૦૦ વિરોધીઓ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ઉમટી પડવાના હતા પરંતુ, તેઓની હાજરી જણાઈ ન હતી.

પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે બ્રેક્ઝિટ તો થશે અને થવું જ જોઈએ. ઈયુથી બહાર નીકળવાનું આ દેશ માટે સારું રહેશે તેમ પણ તેમણે કહ્યું હતું. તેમણે બ્રિટનના 5G નેટવર્કમાં ચાઈનીઝ કંપનીને પ્રવેશ નહિ આપવાની ચેતવણી આપ્યા પછી જણાવ્યું હતું કે હુઆવેઈ બાબતે ચોક્કસ કરાર થશે. વડા પ્રધાન થેરેસા મેએ ફોરેન ઓફિસના કાર્યક્રમને ખુલ્લો મુકતાં ૧૯૪૪ના ડી-ડેમાં પોતાનો જાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી યુએસ અને બ્રિટનની એકતાની પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું કે તેમણે હંમેશાં ટ્રમ્પ સાથે તેઓ જે મુદ્દાઓ પર અસહમત થતાં હોય તેના વિશે નિખાલસ વાતો કરી છે અને પ્રમુખે પણ આમ જ કર્યું છે. બંને નેતાએ ઈરાન, ક્લાઈમેટ ચેન્જ અને ચીન સહિતના મુદ્દાઓ ચર્ચ્યા હતા. ચીનનું આર્થિક મહત્ત્વ માનવા સાથે આપણા સહભાગી હિતો અથવા મૂલ્યોને જોખમમાં મૂકતી પ્રવૃત્તિને નજરઅંદાજ કરી શકીએ નહિ તેમ પણ મેએ કહ્યું હતું.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુકેની રાજકીય મુલાકાતની લાંબા સમયથી રાહ જોવાતી હતી. યુકેની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પ્રમુખ ટ્રમ્પ અને વડા પ્રધાન થેરેસા મેએ બિઝનેસ અગ્રણીઓ સાથે સેન્ટ જેમ્સ પેલેસમાં રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. ટ્રમ્પે ખાતરી આપી છે કે બ્રેક્ઝિટ પછી તેઓ યુએસ-યુકે વેપાસ સમજૂતીમાં આગળ વધશે. તેમણે યુકેને ઈયુ સાંકળથી છૂટી જવા અપીલ પણ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હુઆવેઈને નવા નેટવર્કમાં સાથે રાખવાના થેરેસા મેના નિર્ણયને તેઓ પડકારશે. જોકે, પ્રમુખ ટ્રમ્પે તો ટ્રાન્સઆટલાન્ટિક વેપાર સમજૂતી થઈ શકે તે માટે ઈયુના બંધનમાંથી છૂટવાની સલાહ આપી જ દીધી છે. થેરેસા મે વિદાય લઈ રહ્યાં છે ત્યારે ટ્રમ્પ સાતે આમનેસામને મંત્રણાના બદલે ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ અને અધિકારીઓને સાથે રાખવામાં આવનાર છે.

ફર્સ્ટ લેડી મેલાનિયા સાથે આવી પહોંચેલા ટ્રમ્પનું વડા પ્રધાન થેરેસા અને તેમના પતિ ફિલિપે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં સ્વાગત કર્યું હતું. બિઝનેસ અગ્રણીઓ સાથે મુલાકાતમાં વડા પ્રધાનની સાથે હાજર ટ્રમ્પે વડા પ્રધાનની પ્રશંસા કરી જણાવ્યું હતું કે,‘ તમે ઘણી સારી કામગીરી બજાવી છે. તમારી સાથે કામ કર્યાનું મને ગૌરવ છે. તમારી વિદાયનો ચોક્કસ સમય હું જાણતો નથી પરંતુ, સાથે રહેજો.’

પ્રમુખ ટ્રમ્પ અને થેરેસા મેની પત્રકાર પરિષદ

યુએસ અને યુકેના નેતાની પત્રકાર પરિષદમાં બ્રેક્ઝિટ, જેરેમી કોર્બીનની વિનંતી, બોરિસ જ્હોન્સન અને જેરેમી હન્ટ, મેક્સિકો, સહિતના પ્રશ્નો આવરી લેવાયા હતા. થેરેસા મેએ જણાવ્યું હતું કે તેમણે વાટાઘાટો કરીને યુકે માટે સારી સમજૂતી મેળવી હતી. હવે તેને આગળ વધારવાનું કાર્ય તેમના અનુગામીનું છે. ટ્રમ્પની સલાહ માની તમે સત્તા પર રહેશો તેનો ઉત્તર વાળતાં મેએ કહ્યું હતું કે તેઓ પોતાના વચનને મહત્ત્વ આપે છે.

બોરિસ જ્હોન્સન સાથે શું વાત કરી તે પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ બોરિસને જાણે છે અને તે ગમે પણ છે. જેરેમી હન્ટ પણ તેમને ગમે છે. જોકે, તેઓ ગોવને જાણતા નથી. થેરેસા મેના સંભવિત અનુગામી તરીકે બોરિસ જ્હોન્સન અને જેરેમી મેની તરફેણ ટ્રમ્પે કરી હતી.

ટ્રમ્પને બ્રેક્ઝિટ વિશે પૂછાતા તેમણે કહ્યું હતું કે બ્રેક્ઝિ્ટ થવું જ જોઈએ. મેએ ઘણું સારું કાર્ય કર્યું છે. ટ્રમ્પે યુએસ-યુકે ટ્રેડ ડીલ મુદ્દે કહ્યું હતું કે બધું જ ટેબલ પર છે. જોકે, મેએ કહ્યું હતું કે બંને દેશ સંમત થાય તો જ સમજૂતી થઈ શકે.

હુઆવેઈ સાથે સંબંધના કારણે યુએસની ગુપ્તચર માહિતીનો ઈનકાર કરશો તે મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે આ વિશે કોઈ સમસ્યા નથી કારણકે યુકે અને યુએસ હુઆવેઈ અંગે સંયુક્ત વલણ વિશે સમજૂતી પર પહોંચશે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે જેરેમી કોર્બીને તેમને મળવાની વિનંતી કરી હતી પરંતુ, તેમણે તે નકારી કાઢી છે. તેઓ કોર્બીનને જાણતા નથી પરંતુ, કોર્બીન નેગેટિવ ફોર્સ છે. લેબર પાર્ટીએ આવી વિનંતી કરાયાને સમર્થન આપ્યું છે.

ટ્રમ્પ અને મેલાનિયા રાણી એલિઝાબેથને મળ્યાં

પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ત્રીજી જૂને બ્રિટનમાં પહોંચ્યા પછી મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળ્યા હતાં. પ્રિન્સ ચાર્લ્સે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાનું રાજભવનમાં સ્વાગત કર્યું હતું. રાણી એલિઝાબેથ સાથે ટ્રમ્પ અને મેલાનિયાએ ભોજન લીધું હતું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ બીજી બ્રિટનયાત્રા છે. ટ્રમ્પ પ્રમુખ તરીકે ૨૦૧૮માં પ્રથમ વખત બ્રિટનની મુલાકાતે આવ્યા હતા. લંડનમાં પહોંચેલા ટ્રમ્પને ૪૧ તોપથી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

બ્રેક્ઝિટ બાબતે બ્રિટનમાં રાજકીય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે એ દરમિયાન ટ્રમ્પની આ મુલાકાત ઘણી મહત્ત્વની સાબિત થશે. ટ્રમ્પે ઉષ્માપૂર્ણ સ્વાગતની પ્રશંસા કરતા ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ક્વીન અને રોયલ ફેમિલી ખરેખર અદ્ભૂત છે.’ ટ્રમ્પે લંડનમાં ઉતરતા પહેલાં ટ્વિટ કર્યું હતું કે હું અમેરિકાના બહુ જ ખાસ મિત્ર બ્રિટનની મુલાકાતે પહોંચ્યો છું. બ્રિટન સાથે વાર્તાલાપ કરવા હું ઉત્સુક છું. બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ પણ વેલકમ કરતા લખ્યું હતું કે સુરક્ષા અને સમૃદ્ધિ માટે આપણાં સંબંધો સદીઓ જૂના છે અને આગળ પણ પેઢીઓ સુધી આવા જ મજબૂત સંબંધો યથાવત રહેશે.

બોરિસ જ્હોન્સન સાથે ૨૦ મિનિટ વાતચીત

પ્રમુખ ટ્રમ્પને મળવા થેરેસા મેના સંભવિત અનુગામીઓમાં જાણે હોડ લાગી હતી. યુકેના ભાવિ વડા પ્રધાનને મળવા ટ્રમ્પે રસ દર્શાવ્યો છે. નેતાગીરીના મુખ્ય ઉમેદવાર અને પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન અને ટ્રમ્પ વચ્ચે ત્રીજી જૂનની રાત્રે ૨૦ મિનિટ લાંબી વાતચીત થઈ હતી. ટ્રમ્પે જ્હોન્સનને રુબરુ મળવા ઓફર કરી હતી પરંતુ, ટોરી સભ્યો સાથે તેમની યોજાયેલી બેઠકના કારણે બોરિસે ઓફર નકારી હતી. અગાઉ પણ ટ્રમ્પે યુકેના ભાવિ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન બનવા જોઈએ તેમ કહ્યું જ છે. નેતાગીરીના અન્ય ઉમેદવાર માઈકલ ગોવને મળવા પણ ટ્રમ્પે ઓફર કરી હતી અને ગોવે તેનો સ્વીકાર કર્યો હતો. અમેરિકી પ્રમુખની ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ સાથે મુલાકાત થઈ જ છે.

સાદિક ખાને ટ્રમ્પને વીસમી સદીના ફાસીવાદી ગણાવ્યા

મૂળ પાકિસ્તાની અને લંડનના વર્તમાન મેયર સાદિક ખાને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વિવાદાસ્પદ નિવેદનમાં તેમની સરખામણી ૨૦મી સદીના ફાસીવાદીઓ સાથે કરી છે. તેમણે અખબારમાં લખ્યું છે કે ટ્રમ્પ પણ ફાસીવાદીઓની વિભાજક નીતિઓનો જ ઉપયોગ કરી રહ્યા છે, માત્ર તેમની પદ્ધતિ અલગ છે. ટ્રમ્પ એ વધી રહેલા વૈશ્વિક ખતરાનું પ્રબળ ઉદાહરણ છે. ખાને તો ત્યાં સુધી લખ્યું છે કે અમેરિકા બ્રિટનનું મિત્ર છે અને આ સંબંધ મજબૂત પણ થવો જોઈએ, પરંતુ બ્રિટને ટ્રમ્પ માટે લાલ જાજમ પાથરવાની જરૂર નથી. મેયર ખાને ટ્રમ્પના વર્તનને વિભાજનકારી ગણાવ્યું તેના સંદર્ભમાં ઉત્તર આપતા ટ્રમ્પે કહ્યું હતું કે લંડનના મેયરે મારા તરફ ધ્યાન આપવાને બદલે લંડન શહેરમાં ગુનાખોરી ઓછી થાય તે માટે કામ કરવું જોઈએ. ટ્રમ્પે સાદિકને ‘stone cold loser’ ગણાવ્યા હતા.

જેરેમી કોર્બીનનો ટ્રમ્પ સામે વિરોધ

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન અમેરિકી પ્રમુખ સામેના વિરોધમાં સામેલ થયા છે. ટ્રફાલ્ગર સ્ક્વેરમાં યુએસ પ્રમુખ સામે સામૂહિક વિરોધમાં તેમણે પ્રવચન કર્યું હતું. અગાઉ, ક્વીન દ્વારા ટ્રમ્પના માનમાં આયોજિત સત્તાવાર ભોજન સમારંભમાં હાજરી આપવાના આમંત્રણને કોર્બીને નકારી કાઢ્યું હતું. જોકે, ૨૦૧૫માં ચીનના સામ્યવાદી વડા પ્રધાનના સન્માનમાં આયોજિત આવા જ ડિનરમાં કોર્બીને હાજરી આપી હતી. કોર્બીનના આવા વલણનો વિરોધ થઈ રહ્યો છે. જોકે, શેડો ફોરેન સેક્રેટરી એમિલી થોર્નબેરીએ પ્રમુખ ટ્રમ્પ સ્ટેટ વિઝિટના સન્માનને લાયક ન હોવાના લેબર પાર્ટીના વલણનો બચાવ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter