લંડનઃ હાઉસ ઓફ કોમન્સ દ્વારા આઠ ફેબ્રુઆરીએ આખરી મતદાનમાં ૪૯૪ વિરુદ્ધ ૧૨૨ મતથી ઐતિહાસિક બ્રેક્ઝિટ બિલ પસાર કરી દેવાયા પછી હવે ખરડો લોર્ડ્સમાં મોકલાયો છે, જ્યા ઈયુતરફી ઉમરાવોએ તેના વિરુદ્ધ મતદાનની ચિમકી આપી છે. જોકે, લિબ ડિમના ફ્રન્ટબેન્ચર લીન ફીધરસ્ટોને બ્રેક્ઝિટ અટકાવવાની ફરજ નહિ ચૂંટાયેલા ઉમરાવોની હોવાનું જણાવ્યા પછી ઈયુ (નોટિફિકેશન ઓફ વિડ્રોઅલ) બિલ પસાર નહિ થાય તો લોર્ડ્સ ગૃહ નાબૂદ કરી દેવાશે તેવી ચેતવણી પણ અપાઈ છે.
વડા પ્રધાન થેરેસા મેએ ઈયુતરફી સભ્યો દ્વારા મૂકાયેલા અનેક સુધારા થકી બ્રસેલ્સ સાથેની વાટાઘાટોમાં તેમના હાથ બાંધી દેવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. લિબ ડિમના સાંસદ લીન ફીધરસ્ટોનેદેશના શ્રેષ્ઠ હિતમાં બ્રેક્ઝિટ અટકાવવાની ઉમરાવોની ફરજ હોવાનું જણાવ્યું હતું. જોકે, સરકારી સૂત્રોએ ઉમરાવોને ચેતવણી બ્રેક્ઝિટ સ્વીકારી લેવા અથવા ગૃહની નાબૂદીનો સામનો કરવા તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ‘જો ઉમરાવો આ બિલને અટકાવવા પ્રયાસ કરશે તો લોર્ડ્સને નાબૂદ કરવા લોકોની અભૂતપૂર્વ હાકલનો સામનો કરવો પડશે. તેમણે બ્રિટિશ પ્રજાની ઈચ્છાનો આદર કરવો જ રહ્યો.’
શેડો બિઝનેસ સેક્રેટરી ક્લાઈવ લુઈએ બિલની વિરુદ્ધ મતદાન કરતા લેબર નેતા જેરેમી કોર્બીનની નેતાગીરી સામે નવો પડકાર સર્જાયો હતો. તેમણે મતદાનની થોડી ક્ષણો અગાઉ જ શેડો કેબિનેટમાંથી રાજીનામાની જાહેરાત કરી છે. અત્યાર સુધી બાવન લેબર સાંસદોએ કોર્બીનના વ્હીપની અવગણના કરી છે. જોકે, અગાઉ મત નહિ આપનારાં શેડો હોમ સેક્રેટરી ડાયેના એબોટ વ્હીપને અનુસર્યાં હતાં.


