બ્રેક્ઝિટ બિલને ક્વીનની બહાલીઃ માર્ચ અંત સુધીમાં આર્ટિકલ-૫૦ આરંભાશે

Monday 20th March 2017 10:30 EDT
 
 

લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ગુરુવાર, ૧૬ માર્ચે યુરોપિયન યુનિયન બિલ (નોટિફિકેશન ઓફ વિથ્ડ્રોઅલ)ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ક્વીનની બહાલીના પગલે વડા પ્રધાન થેરેસા મે માટે આર્ટિકલ-૫૦ને આરંભવાનો માર્ગ મોકળો બન્યો છે. જોકે, તેમણે એવો સંકેત આપ્યો છે કે આ મહિનાના અંત સુધી તેઓ સત્તાવાર પ્રક્રિયા આરંભશે નહિ.

બ્રેક્ઝિટ બિલને શાહી મંજૂરી મળ્યા પછી બ્રસેલ્સ ક્લબ છોડવા બે વર્ષની આર્ટિકલ-૫૦ પ્રક્રિયા આરંભવાની સત્તા વડા પ્રધાન થેરેસા મેને હાંસલ થઈ છે. આમ છતાં, તે માટે માર્ચ મહિનાના અંત સુધી રાહ જોવાનો સંકેત તેમણે આપ્યો હતો. વડા પ્રધાન મે અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે બ્રેક્ઝિટ બિલની ટેક્સ્ટમાં સુધારા કરવાના પ્રયાસોને સફળ બનવા દીધાં ન હતાં. લોર્ડ્સ દ્વારા બિલમાં યુકેમાં ઈયુ નાગરિકોના અધિકાર અંગે કરાયેલા સુધારાને કોમન્સમાં સાંસદોએ ફગાવી દીધા હતા અને લોર્ડ્સ ગૃહે પણ સંઘર્ષનો માર્ગ છોડી બિલને તેના મૂળ સ્વરુપે પસાર કર્યું હતું.

દરમિયાન, કોઈ કરાર વિના પણ વાટાઘાટોમાંથી બહાર નીકળવાની તૈયારી વડા પ્રધાને દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે ખરાબ સમજૂતી કરતા કોઈ સમજૂતી ના થાય તે વધુ સારું રહેશે. આ ઉપરાંત, થેરેસા મેએ ઈમિગ્રેશન ઘટાડવાના સરકારી લક્ષ્યાંકમાંથી વિદેશી વિદ્યાર્થીઓને બાકાત રાખવાના બ્રેક્ઝિટ મિનિસ્ટર લિઆમ ફોક્સના સૂચનને ફગાવી દીધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter