બ્રેક્ઝિટ બિલને ૯૯ની બહુમતીથી કોમન્સની બહાલી

Thursday 16th January 2020 01:42 EST
 
 

લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટિશ સાંસદોએ આખરે યુરોપિયન યુનિયનમાંથી અલગ થવા માટેના વીથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ (WAB)ને ૩૩૦ વિરુદ્ધ ૨૩૧ મતથી બહાલી આપી દીધી છે. ત્રણ વર્ષની કડવાશપૂર્ણ ચર્ચા અને મડાગાંઠના અંતે કોમન્સમાં ૯ જાન્યુઆરી, ગુરુવારે આ બિલ પર ત્રીજા વાચન પછી ૯૯ મતની સરસાઈથી બહાલી મળી છે. હવે આ બિલ આગામી સપ્તાહે હાઉસ ઓફ લોર્ડ્સમાં મૂકાશે. સરકારને આ બિલ ૨૨ જાન્યુઆરી સુધીમાં કાયદાનું સ્વરુપ લેશે અને યુકે ૩૧ જાન્યુઆરીએ ઈયુની બહાર નીકળશે તેવી આશા છે. સામાન્ય ચૂંટણીમાં બોરિસ જ્હોન્સનની આગેવાની હેઠળ કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમત મળ્યા પછી બિલ પસાર થવા વિશે જરા પણ શંકા રહી ન હતી. અગાઉની બે ટોરી સરકારોના શાસનને બ્રેક્ઝિટ પસાર કરાવવામાં નિષ્ફળતા સાંપડી હતી.

લેબર પાર્ટીના વિરોધ વચ્ચે સાંસદોએ કોમન્સમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની બ્રેક્ઝિટ સમજૂતીના વીથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલને ૩૩૦ વિરુદ્ધ ૨૩૧ મતથી, ૯૯ મતની સરસાઈ સાથે સત્તાવાર સમર્થન આપ્યું હતું. આ સાથે બ્રેક્ઝિટ સમજૂતી સામે મુખ્ય અવરોધ દૂર થયો છે. આગામી સપ્તાહે લોર્ડ્સ સમક્ષ મૂકાનારા બિલમાં રીમેઈનતરફી ઉમરાવો સંખ્યાબંધ સુધારા રજૂ કરે તેવી ધારણા છે પરંતુ, લોર્ડ્સ ચૂંટાયેલા સભ્યોની લાગણી સમક્ષ છૂકશે તેવી મિનિસ્ટર્સને ખાતરી છે. આ મહિનાના અંત સુધીમાં વ્યવસ્થિત બ્રેક્ઝિટ કરી શકાય તે માટે વીથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ ૨૨ જાન્યુઆરી સુધીમાં બ્રિટિશ કાયદાપોથીમાં સ્થાન મેળવે તે આવશ્યક છે.

આંતરિક બ્રેક્ઝિટ યુદ્ધની સમાપ્તિ પછી હવે ઈયુ સાથે યુકેના ભાવિ સંબંધો મુદ્દે સંઘર્ષ શરૂ થયો છે. યુરોપિયન કમિશનના નવા પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને ઈયુના મુખ્ય બ્રેક્ઝિટ મંત્રણાકાર માઈકલ બર્નિયેર વડા પ્રધાન જ્હોન્સન સાથે રુબરુ વાતચીત માટે લંડન આવ્યાં હતાં. જોકે, ઈયુ બ્લોક અને યુકેના દષ્ટિકોણ તદ્દન અલગ છે. જ્હોન્સન ટ્રાન્ઝિશન પીરિયડ ૨૦૨૦ના અંતથી આગળ નહિ વધારવા ઈગ્રહી છે. ટ્રાન્ઝિશન પીરિયડમાં બંને પક્ષ વેપાર સમજૂતીનો પ્રયાસ કરશે અને આ ગાળા દરમિયાન યુકે ઈયુના નિયમોથી બંધાયેલું રહેશે. યુકે ગુડ્સ એન્ડ સર્વિસીસને આવરી વ્યાપક મુક્ત વેપાર સમજૂતી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ કરવા તેમજ ભાવિ ભાગીદારીમાં યુરોપિયન કોર્ટના જ્યુરિડિક્શન સહિતના નિયમો લાગુ નહિ કરવા તત્પર છે. જોકે, ૨૦૨૦ના અંત સુધી યુકે અંશતઃ સમજૂતી સાધી શકશે તેમ ઈયુનું કહેવું છે. આટલા થોડા સમયમાં વ્યાપક સમજૂતી અશક્ય હોવાનું ઈયુ બ્લોક માને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter