લંડનઃ સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના પૂર્વ નેતા એલેકસ સાલમન્ડે જણાવ્યું છે કે બ્રેક્ઝિટ, સ્કોટિશ આઝાદી માટેના નવા રેફરન્ડમ તરફ દોરી જશે. જોકે, તેમની આ ટિપ્પણી સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનના વલણથી તદ્દન વિપરીત લાગે છે. સ્ટર્જને જણાવ્યું હતું કે તેઓ માત્ર રિમેન વોટ માટેના કેમ્પેનિંગમાં રસ ધરાવે છે અને બ્રેક્ઝિટના સંભવિત રાજકીય પરિણામો વિશે કોઈ અટકળ કરશે નહીં.
બ્રેક્ઝિટ સ્વતંત્રતા માટેના બીજા રેફરન્ડમ તરફ દોરી જશે તેવા પ્રશ્રના જવાબમાં સાલમન્ડે જણાવ્યું હતું કે સ્કોટલેન્ડ રિમેઈનની તરફેણમાં વોટિંગ કરશે તો ચોક્કસપણે તેવું થશે. તેમણે ગયા મહિને હોલિરુડ ઈલેક્શન માટે SNPના ચૂંટણીઢંઢેરાને ટાંકીને જણાવ્યું હતું કે યુકેના જનમતમાં સ્કોટલેન્ડને તેની મરજી વિરુદ્ધ ઈયુની બહાર કઢાશે તો સંસદને આઝાદીનું રેફરન્ડમ યોજવાનો અધિકાર હોવો જોઈએ.
તેમણે કહ્યુ હતું કે તમને રેફરન્ડના પરિણામની અગાઉથી ખબર ન હોય. SNPએ ગયા મહિનાના ચૂંટણીઢંઢેરા પર જ આધાર રાખ્યો હતો અને સ્કોટલેન્ડમાં ૪૭ ટકા મત મેળવ્યા હતા. ડેવિડ કેમરનને ૩૭ ટકા મતના આધારે આ જનમત યોજી રહ્યા છે. આથી તેને સ્કોટિશ પાર્લામેન્ટમાં પસાર કરવાનો રહેશે. અન્યત્ર બ્રેક્ઝિટ હોય અને સ્કોટલેન્ડમાં રિમેન વોટ જ હોય તો નવો આઝાદીનો જનમત શક્ય હશે.


