લંડનઃ બ્રેક્ઝિટ જનમત લેવાયા પછીના ૧૨ મહિનામાં નેટ માઈગ્રેશન ઘટીને ૨૪૬,૦૦૦ થયું છે, જે ત્રણ વર્ષમાં સૌથી ઓછું રહ્યું છે. ઈયુ દેશોમાંથી આવતા માઈગ્રન્ટ્સની સંખ્યામાં ૫૧,૦૦૦નો ઘટાડો થયો છે. જોકે, બ્રિટનમાં આવનારા લોકોની સંખ્યા ટોરી પાર્ટીના લક્ષ્યાંક કરતા ઘણી ઊંચી છે.
માર્ચ ૨૦૧૭ સુધીના વર્ષમાં બ્રિટનથી બહાર જનારા લોકોની સંખ્યા પણ વધી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ બ્રિટન આવનારા લોકોની સંખ્યા ૫૮૮,૦૦૦ હતી, જેની સામે ૩૪૨,૦૦૦ લોકો બ્રિટનની બહાર ગયાં હતાં. આમ, નેટ માઈગ્રેશન ૨૪૬,૦૦૦નું થયું છે, જે ૨૦૧૪ પછી સૌથી ઓછું છે. જૂન ૨૦૧૬ના ઈયુ રેફરન્ડમ પછી નેટ માઈગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૬ના અંતે નેટ માઈગ્રેશન ૨૪૯,૦૦૦નું હતું.
માર્ચ ૨૦૧૭ સુધીના વર્ષમાં બ્રિટન માઈગ્રેટ થનારામાં ઈયુ-૧૨૭,૦૦૦, એશિયન-૧૧૦,૦૦૦ અને બાકીના વિશ્વના ૫૭,૦૦૦ લોકોનો સમાવેશ થાય છે.
ONSના ઈન્ટરનેશનલ માઈગ્રેશન સ્ટેટેસ્ટિક્સના વડા નિકોલા વ્હાઈટે જણાવ્યું હતું કે,‘મુખ્યત્વે ઈયુ દેશો અને ખાસ કરીને ઈયુ-૮ દેશોમાં પાછાં જનારા નાગરિકોની સંખ્યામાં વધારો તેમજ તમામ જૂથોમાં ઈમિગ્રેશનના ઘટાડાથી નેટ માઈગ્રેશન ઘટ્યું છે.’


