બ્રેક્ઝિટ મતદાન પછી નેતાઓના પ્રતિભાવ

Thursday 17th January 2019 03:57 EST
 

થેરેસા મેઃ વડા પ્રધાન થેરેસા મેએ તેમની સમજૂતીની હારના પગલે જણાવ્યું હતું કે, ‘હાઉસ આ ડીલને સમર્થન નથી કરતું એ તો સ્પષ્ટ છે. પરંતુ, આજનો મત આપણને તે શેનું સમર્થન કરે છે તે પણ કહેતો નથી. પાર્લામેન્ટે જે જનમત લેવાનો નિર્ણય કર્યો હતો તેમાં બ્રિટિશ પ્રજાની ઈચ્છાને માન આપવા શું અને કેવી રીતે કરાશે તે કશું જ જણાવાયું નથી.’

જેરેમી કોર્બીનઃ યુકેમાં લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને થેરેસા સમજૂતીના પરાજય પછી અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા જણાવ્યું હતું કે થેરેસા મે હવે અંતિમ રેખાએ પહોંચી ગયાં છે અને સામાન્ય ચૂંટણી હવે અતિ આવશ્યક છે. આ સરકાર આપણા દેશ મા્ટે નિષ્ફળતાને વરી છે. આટલા મોટા પરાજય પછી અન્ય કોઈ પણ વડા પ્રધાને રાજીનામું આપી દીધું હોત. વડા પ્રધાને સળગતી સમસ્યાઓને વધુ વણસાવી છે.

બોરિસ જ્હોન્સનઃ પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આટલી મોટી હારથી તેઓ સ્તબ્ધ છે. તેમણે આવી ધારણા રાખી ન હતી. થેરેસા મેના પરાજયને તેઓ આઐનંદથી વધાવી શકે તેમ નથી. તેમણે આર્ટિકલ ૫૦ને લંબાવ્યા વિના જ બ્રેક્ઝિટ પેકેજ પર પુનઃ વાટાઘાટ કરી શકાય તેટલો સમય હોવાનું કહ્યું હતું. તેમણે નો-કોન્ફિડન્સ વોટમાં થેરેસા મેને સમર્થનની ખાતરી ઉચ્ચારી હતી.

લીઓ વરાડકરઃ આઈરિશ સરકારના વડા લીઓ વરાડકરે જણાવ્યું હતું કે અવ્યવસ્થિત બ્રેક્ઝિટ માત્ર નોર્ધર્ન આયર્લેન્ડ જ નહિ સંકળાયેલા તમામ માટે ખરાબ પરિણામ બની રહેશે. હજુ પણ મોડું થયું નથી. અમે યુકેને તાકીદના ધોરણે આ પરિસ્થિતિ હલ કરવા તેઓ શું કરશે તે જણાવવા હાકલ કરીએ છીએ.

સાંસદ વિરેન્દ્ર શર્માઃ ઈલિંગ સાઉથોલના લેબર પાર્ટીના સાંસદ વિરેન્દ્ર શર્માએ બ્રેક્ઝિટ ડીલના પરાજય અંગે જણાવ્યું હતું કે,‘આ સાંજે પુરવાર થયું છે કે પાર્લામેન્ટમાં વડા પ્રધાનના બ્રેક્ઝિટ ડીલ માટે કોઈ બહુમતી નથી તેમજ નો-ડીલ માટે પણ બહુમતી નથી. વડા પ્રધાનને તેમની સમજૂતી માટે સમર્થન પ્રાપ્ત થયું નથી આથી લેબર પાર્ટીએ આપણા છ ટેસ્ટ પર આધારિત સમજૂતી માટે ફરીથી વાટાઘાટ આદરવી જોઈએ. જો તેઓ (વડા પ્રધાન) બાજુએ ન હટે તો તેમણે લોકોને મિર્ણય લેવા દેવો જોઈએ અને ઈયુમાં રહેવાના વિકલ્પ સાથે સેકન્ડ રેફરન્ડમ યોજવો જોઈએ

ડોનાલ્ડ ટસ્કઃ ઈયુ કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે ટ્વીટમાં જણાવ્યું હતું કે જો સાંસદો સંમતદ સમજૂતી ન કરી શકે અને સમજૂતી વિના બહાર નીકળવા ન ઈચ્છતા હોય તો તેમણે ઐતિહાસિક મતને રીવર્સ કરી બ્રેક્ઝિટ રદ કરવા વિચારવું જોઈએ.

જીન- ક્લૌડ જુન્કરઃ ઈયુ કમિશનના પ્રમુખ જીન- ક્લૌડ જુન્કરે સ્પષ્ટ કર્યું હતું કે બ્રેક્ઝિટ પરાજયના પગલે નો-ડીલની શક્યતા વધી ગઈ છે. અમે આમ થવા દેતા માગતા નથી અને ઈયુ સંપૂર્ણ તૈયાર રહે તેવું આયોજન કરવાનું ચાલુ રખાશે. સમય રહ્યો નથી. યુનાઈટેડ કિંગ્ડમે વેળાસર તેના ઈરાદા સ્પષ્ટ કરવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter