લંડનઃ બ્રિટિશ સરકાર અને પ્રજા માટે બ્રેક્ઝિટ માથાનો દુઃખાવો બની રહ્યું છે. વડા પ્રધાન થેરેસા મે દ્વારા બ્રસેલ્સ સાથે કરાયેલી સમજૂતીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાર્લામેન્ટમાં આ મુદ્દે ૧૧ ડિસેમ્બરે યોજાનારાં કટોકટીપૂર્ણ મતદાનમાં તેમનો પરાજય થવો નિશ્ચિત જણાય છે. આના કારણે કેબિનેટ મિનિસ્ટરોએ સરકારનું પતન થાય તેવાં મતદાનને પાછું ઠેલવા અને બ્રસેલ્સ સાથે નવેસરથી વાટાઘાટો કરવા થેરેસા મેને સલાહ આપી છે. જોકે, વડા પ્રધાન મેએ આ બાબતે પોતાનું મન કળાવાં દીધું નથી.
વડા પ્રધાન મેને મતદાન મુલતવી રાખવાની સલાહ ગાવિન વિલિયમસન, એમ્બર રડ, સાજિદ જાવિદ, એલન કેઈન્ર્સ સહિતના મિનિસ્ટર્સ તેમજ બેકબેન્ચ ૧૯૨૨ કમિટીના ચેરમેન ગ્રેહામ બ્રેડી દ્વારા આપવામાં આવી છે. સર ગ્રેહામે જણાવ્યું છે કે વડા પ્રધાનની સમજૂતી પર મતદાન કરતાં પણ વિવાદાસ્પદ નોર્ધર્ન આયર્લેન્ડ બેકસ્ટોપ મુદ્દે સ્પષ્ટતા વધુ જરુરી છે. જો મતદાનમાં હાર થશે તો થેરેસાની સત્તાને વધુ નુકસાન પહોંચશે.
બીજી તરફ, ટોરી સરકારને ટેકો આપનારા ડીયુપી તરફથી પણ મિસિસ મેને ચેતવણી આપી દેવાઈ છે કે જો તેઓ પોતાની દરખાસ્તો સાથે આગળ વધશે તેમનું વડા પ્રધાનપદ જોખમમાં આવી પડશે. જો મતદાનમાં તેમની સમજૂતીને વાંધો ન આવે તો પણ વિશ્વાસના મતમાં સરકારને સમર્થન નહિ આપવાની વાત પણ આ પાર્ટીએ સ્પષ્ટ કરી દીધી છે. લેબર પાર્ટીએ પણ જણાવ્યું છે કે બ્રિટન માટે અતિ મહત્ત્વના મુદ્દે સરકારનો પરાજય થશે તો તેઓ વડા પ્રધાન મે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે.


