લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૩૧ ઓક્ટોબરની મર્યાદા સુધીમાં સમજૂતી વિના પણ બ્રેક્ઝિટ થવાની ખાતરી આપી છે ત્યારે નવા કોમરેસ (ComRes) પોલ અનુસાર યુકેમાં ૫૪ ટકા લોકો કોઈ પણ પ્રકારે બ્રેક્ઝિટની તરફેણ કરી રહ્યા છે. આ માટે પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવાની જરૂર પડે તો બહુમતી બ્રિટિશરો તે માટે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને ટેકો આપી રહ્યા છે. જોકે, ૫૧ ટકા એમ માને છે કે સરહદી મુદ્દાઓ યુનિયન સામે જોખમ સર્જે તો બ્રેક્ઝિટ અટકાવી દેવું જોઈએ. ૮૮ ટકા લોકો એમ પણ માને છે કે સાંસદો લોકો સાથે બરાબર સંપર્કમાં નથી. બીજી તરફ, ક્વીને રાજકારણથી પર રહેવું જોઈએ અને બ્રેક્ઝિટના મામલામાં સંડોવાવું ન જોઈએ તેમ માનનારાની સંખ્યા ૭૭ ટકા છે.
કોમરેસ પોલ અનુસાર બહુમતી બ્રિટિશ પ્રજા એમ માને છે કે બોરિસ જ્હોન્સને બ્રેક્ઝિટને આગળ વધારવા પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવાની જરૂર પડે તો તેમ પણ કરવું જોઈએ, જેથી સાંસદો તેને અટકાવી ન શકે. કોઈ પણ પ્રકારે બ્રેક્ઝિટ પૂર્ણ કરવાની ૫૪ ટકા બ્રિટિશરોએ તરફેણ કરી છે. આ પોલમાં રાજકીય પ્રક્રિયા અંગે લોકોનો ભ્રમ ભાંગી રહ્યો હોવાનું દર્શાવાયું છે. ૮૯ ટકાએ એવો મત દર્શાવ્યો હતો કે સાંસદો મતદારોની ઈચ્છાની અવગણના કરે છે અને બ્રેક્ઝિટ મુદ્દે પોતાનો જ એજન્ડા આગળ વધારે છે. જ્હોન્સનની સરખામણીએ પાર્લામેન્ટ લોકોના મત સાથે વધુ સુસંગત હોવા સાથે ૬૨ ટકાએ અસહમતિ દર્શાવી હતી.
કોમરેસ પોલમાં ૨૦૧૧ પુખ્ત બ્રિટિશરોનો સમાવેશ કરાયો હતો. જનતાએ ક્વીનને બ્રેક્ઝિટ મામલામાં ઘસડી લાવવાનો વિરોધ કર્યો છે. ક્વીને રાજકારણથી બહાર રહેવું જોઈએ તેમ ૭૭ ટકાએ જણાવ્યું હતું જ્યારે ૨૩ ટકાએ ક્વીને બ્રેક્ઝિટમાં સંકળાવું જોઈએ તેવો મત દર્શાવ્યો હતો.


