લંડનઃ બ્રેક્ઝિટ પ્રક્રિયા આગળ ધપાવવાના થેરેસા સરકારના પ્રયાસને બ્રિટિશ નાગરિકો બિઝનેસવુમન જિના મિલર અને હેર ડ્રેસર ડેર ડોસ સાન્તોસ દ્વારા લવાયેલા કેસમાં હાઈ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. ચીફ જસ્ટિસ લોર્ડ થોમસ, સર ટેરેસ એથરટન અને લોર્ડ જસ્ટિસ સેલેસની બેન્ચે ત્રીજી નવેમ્બરે બંધારણીય કટોકટી સર્જી શકતા ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઈયુમાંથી બહાર નીકળવા યુકે આર્ટિકલ-૫૦ હેઠળની પ્રક્રિયા આરંભી શકે કે નહિ તે માટે પાર્લામેન્ટમાં પહેલા મતદાન કરાવવું ફરજિયાત છે. જજોએ સરકારનો પક્ષ ફગાવતા કહ્યું હતું કે વડા પ્રધાનની વિશેષ સત્તાઓ વિશે સરકારની દલીલોને ટેકો મળે એવું કશું જ ૧૯૭૨ના એક્ટમાં નથી.
આ ચુકાદાના પરિણામે ખુદ સરકાર પોતાની મેળે સત્તાવાર બ્રેક્ઝિટ પ્રક્રિયાનો આરંભ કરી શકશે નહિ. વડા પ્રધાન થેરેસા મેએ વારંવાર કહ્યું છે કે રેફરન્ડમનું પરિણામ જ બંધનકારી છે અને સાંસદોએ અલગથી મત આપવાની જરુર રહેતી નથી, જે મતને મિલર સહિતના કેમ્પેઈનરોએ ગેરબંધારણીય ગણાવ્યો હતો. સરકારે હાઈ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે. આ કેસ ડિસેમ્બરના આરંભમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી શકે છે.
વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર આ ચુકાદાને બ્રેક્ઝિટ પ્રક્રિયાના સમયપત્રક કે આર્ટિકલ-૫૦ મંત્રણામાં અવરોધરુપ બનવા દેશે નહિ. સરકાર યોજનામાં આગળ વધવા મક્કમ છે. બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે જણાવ્યું હતું કે,‘ તેમના માનવા અનુસાર કોર્ટના ચુકાદાનો અર્થ આર્ટિકલ-૫૦ને આગળ વધારવા પાર્લામેન્ટની કાર્યવાહી થવી જરૂરી છે એટલે કે આ વિષય સાંસદો અને ઉમરાવોના મતદાનને આધીન રહેશે.’ તેમણે બીબીસીને જણાવ્યું હતું કે,
‘જોકે, સરકાર અપીલમાં આ મતનો વિરોધ કરી જણાવશે કે હાઉસ ઓફ કોમન્સમાં છ વિરુદ્ધ એક મતથી આ નિર્ણય બ્રિટિશ પ્રજાને સુપરત કરવાના મતદાનના પગલે જ રેફરન્ડમ યોજવામાં આવ્યો હતો. પાર્લામેન્ટ લોકોનું જ પ્રતિનિધિત્વ કરે છે અને ઈતિહાસમાં સૌથી મોટા આદેશમાં ૧૭.૪ મિલિયન લોકોએ આપણે ઈયુ છોડીએ તેવો મત આપ્યો હતો.’
લેબર નેતા જેરેમી કોર્બીને કોઈ પણ વિલંબ વિના વાટાઘાટોની શરતો પાર્લામેન્ટ સમક્ષ મૂકવા સરકારને અનુરોધ કરી જણાવ્યું હતું કે બ્રેક્ઝિટની શરતો મુદ્દે પાર્લામેન્ટ સમક્ષ પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ હોવાં જોઈએ. જોકે, UKIP ના નેતા નાઈજેલ ફરાજે જૂન રેફરન્ડમમાં ઈયુ છોડવાને સમર્થન આપનારા ૫૧.૯ ટકા મતદારો સાથે ‘દ્રોહ’ થવાની આશંકા વ્યક્ત કરી હતી. લિબરલ નેતા ટિમ ફેરોને કહ્યું હતું કે, ‘બ્રિટિશ પ્રજાએ દૂર થવાનો મત આપ્યો હતો, પરંતુ આખરી સોદો કેવો રહેશે તેના પર મતદાનની છૂટ તેમને મળવી જોઈએ. આપણા અર્થતંત્ર અને આપણી નોકરીઓને જોખમી બને તેવા બેજવાબદાર હાર્ડ બ્રેક્ઝિટને ના કહેવાની તક તેમને આપવી જોઈએ.’
જો સુપ્રીમ કોર્ટમાં બીજો પરાજય થશે તો થેરેસા મેને પાર્લામેન્ટ મારફત કાયદો લાવવો પડશે, જેના પરિણામે, ઈયુતરફી સાંસદો અને ઉમરાવોને બ્રેક્ઝિટને વિલંબમાં પાડવાનો કે તેને તોડી પાડવાનો મોકો મળી શકે છે. કોમન્સમાં બે તૃતીઆંશ સાંસદોએ ઈયુમાં રહેવાને સમર્થન આપ્યું હતું, જ્યારે લોર્ડ્સમાં પણ રીમેઈન બહુમતી હોવાનું મનાય છે. સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું છે કે કોમન્સમાં મતદાન યોજાશે તો તેમના ૫૪ SNP સાંસદો આર્ટિકલ-૫૦ લાગુ કરવાનો વિરોધ કરી શકે છે. આ બધા સંજોગોમાં વડા પ્રધાન મે તત્કાળ ચૂંટણી યોજી શકે તેવી અટકલો પણ વેગીલી બની છે.
હાઈ કોર્ટની બહાર ચુકાદાને આવકારતા જિના મિલરે કહ્યું હતું કે, ‘આ ચુકાદો આપણા બધા માટે, આપણા યુનાઈટેડ કિંગ્ડમ અને આપણા ભવિષ્ય વિશે છે. આ કેસ પ્રક્રિયા અંગેનો છે, રાજકારણનો નથી. પાર્લામેન્ટ દ્વારા ૪૪ વર્ષ અગાઉ યુકેના નાગરિકોને અપાયેલા અધિકારો સરકારના બ્રેક્ઝિટ અંગેના ઈરાદાઓ વિશે યોગ્ય પરામર્શ કે પાર્લામેન્ટ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બાજુએ રાખી કારોબારી આગળ વધી શકે કે કેમ તેની ચર્ચામાં ભૂમિકાનો અમને આનંદ છે.’


