બ્રેક્ઝિટ મુદ્દે ગંભીર કટોકટીઃ સાંસદોએ બ્રેક્ઝિટ પ્રક્રિયા પર કાબુ જમાવ્યો

લેટવિન સુધારા પર સરકારની હારઃ સાંસદો વિવિધ વિકલ્પો પર શ્રેણીબદ્ધ માર્ગસૂચક મતદાનો યોજશેઃ બ્રેક્ઝિટની નવી તારીખ ૧૨ એપ્રિલઃ ડીલ પસાર થાય તો ૨૨ મે સુધી વિલંબ શક્ય

Wednesday 27th March 2019 01:40 EDT
 
 

લંડનઃ યુકે બ્રેક્ઝિટ ડીલના મામલે ગંભીર કટોકટીમાં ઘેરાવા સાથે જનરલ ઈલેક્શનની દિશામાં ઘસડાઈ રહ્યું છે. વડા પ્રધાન થેરેસા મે તેમનો ત્રીજો નિર્ણાયક મત મેળવે તે અગાઉ જ પાર્લામેન્ટના સાંસદોએ ૨૭ મતની બહુમતીથી બ્રેક્ઝિટ પ્રક્રિયા પર પોતાનો કાબુ મેળવી લીધો છે. થેરેસાની સમજૂતી સામે નો-ડીલ, વધુ સોફ્ટ બ્રેક્ઝિટ, સેકન્ડ રેફરન્ડમ અથવા આર્ટિકલ-૫૦ રદ કરવા સહિત વિવિધ વિકલ્પો પર હવે બેકબેન્ચર સાંસદો શ્રેણીબદ્ધ માર્ગસૂચક મતદાનો યોજશે. નવા અભિગમ માટે સરકારની નિષ્ફળતા પછી સોમવારે રાત્રે પૂર્વ ટોરી મિનિસ્ટર સર ઓલિવર લેટવિન દ્વારા મૂકાયેલા સુધારા પરના મતદાનમાં તરફેણમાં ૩૨૯ અને વિરુદ્ધમાં ૩૦૨ મત પડ્યા હતા. લેટવિન સુધારામાં મત આપવા ત્રણ મિનિસ્ટર્સ- ફોરેન મિનિસ્ટર એલિસ્ટર બર્ટ, હેલ્થ મિનિસ્ટર સ્ટીવ બ્રિન અને બિઝનેસ મિનિસ્ટર રિચાર્ડ હેરિંગ્ટને થેરેસા મે સરકારમાંથી રાજીનામાં આપ્યા હતા. કુલ ૨૯ ટોરી સાંસદે બળવો પોકારી લેટવિન સુધારાને મત આપ્યો હતો. વડા પ્રધાન થેરેસા મેએ સ્વીકારી લીધું છે કે અગાઉના બે મોટા પરાજયો પછી તેમની પાસે બ્રેક્ઝિટ ડીલ પસાર કરાવવા જેટલી સંખ્યા નથી. આમ છતાં, તેઓ સમજૂતીને ત્રીજા મતદાન માટે પાર્લામેન્ટ સમક્ષ મૂકે તેવી શક્યતા ઉભી જ છે. પોતાની સમજૂતીનો કોઈ વિકલ્પ આપવામાં નિષ્ફળતા છતાં થેરેસા મેએ સાંસદોના માર્ગસૂચક મતદાનોનું પરિણામ સ્વીકારવા મુદ્દે કશું જણાવ્યું નથી. બીજી તરફ, થેરેસા મે પદત્યાગનું સમયપત્રક જાહેર કરે તો જ તેમની સમજૂતીને સમર્થન આપવાનું પણ કેટલાક ટોરી સાંસદોએ જાહેરમાં કહ્યું છે. હવે બ્રેક્ઝિટ મિનિસ્ટર સ્ટિવ બાર્કલે સહિતના મિનિસ્ટર્સ જનરલ ઈલેક્શનની શક્યતાને ધ્યાનમાં રાખી તૈયારી કરી રહ્યાં હોવાનું જણાય છે.

૧૨ એપ્રિલ સુધીના વિલંબની શરતી સમજૂતી

વડા પ્રધાન થેરેસા મેએ ઈયુના નેતાઓ સાથે લંબાણ ચર્ચાના અંતે માત્ર બે સપ્તાહના એટલે કે ૧૨ એપ્રિલ સુધીના વિલંબની શરતી સમજૂતી સાધી છે. વધુ ત્રણ મહિનાના વિલંબની થેરેસા મેની માગણીને ઈયુના નેતાઓએ ફગાવી દીધી હતી. હવે કોમન્સમાં થેરેસા મેનાં વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટને બહાલી મળે કે ના મળે, યુકે ૨૯ માર્ચની આખરી તારીખના બદલે ૧૨ એપ્રિલ સુધી ઈયુ બ્લોકમાં રહી શકશે. જો સાંસદો આગામી સપ્તાહે થેરેસા મેની સમજૂતીને બહાલી આપશે તો આવશ્યક કાયદાઓ પસાર કરાવવા માટે યુકે ૨૨ મે સુધી ઈયુમાં રહી શકશે. મેએ વિલંબ માટે ઈયુની શરતો માની લીધી છે અને હવે તેઓ કોમન્સમાં સમર્થન ઉભુ કરવાનું કાર્ય આગળ વધારશે, જે લગભગ અશક્ય જણાય છે. દરમિયાન, બે મિલિયન લોકોએ બ્રેક્ઝિટ કેન્સલ કરવાની પિટિશન પર સહી કરી છે, જેમાં સેલેબ્રિટી રીમેઈનર્સ હ્યૂજ ગ્રાન્ટ, પ્રોફેસર બ્રાયન કોક્સ, જેનિફર સૌન્ડર્સ અને એની લેનોક્સનો પણ સમાવેશ થાય છે.

થેરેસા મેની સમજૂતીને બહાલી ના મળે તો યુકેએ ૧૨ એપ્રિલ સુધીમાં તે ઈયુ ઈલેક્શન્સમાં ભાગ લેવા ઈચ્છે કે નહિ તેની સ્પષ્ટતા કરવાની રહેશે. જો યુકેમાં ઈયુ સંસદની ચૂંટણી યોજાય તો લાંબા વિલંબનીં સંમતિ સાધી શકાશે પરંતુ, જો ચૂંટણી નહિ યોજાય તો બ્રિટનનું ઈયુમાં રહેવું અશક્ય બની જશે અને નો-ડીલ સાથે તે ઈયુમાંથી બહાર ફેંકાશે. જોકે, પ્રાઈમ મિનિસ્ટર થેરેસા એ બાબતે સ્પષ્ટ હતા કે સમગ્ર યુરોપમાં ૨૨-૨૩ મેએ યોજાનારી મેમ્બર ઓફ યુરોપ પાર્લામેન્ટનીચૂંટણીમાં યુકેએ ભાગ લેવો ન જોઈએ.

ડિસેમ્બર મહિનામાં યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે એવો ચુકાદો આપ્યો હતો કે યુકે યુરોપિયન યુનિયનની સંધિના આર્ટિકલ ૫૦ને એકપક્ષી રીતે ફોક કે રદબાતલ કરી શકે છે. આનો અર્થ એ છે કે ઈયુના અન્ય ૨૭ સભ્ય રાષ્ટ્રોની સંમતિ વિના પણ યુકે ઈયુમાં રહેવાનો નિર્ણય લઈ શકે છે.

થેરેસા મે પર રાજીનામું આપવાનું દબાણ

કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ વડા પ્રધાન થેરેસા મે પર રાજીનામું આપવાનું દબાણ વધારી દીધું છે. વડા પ્રધાને તેમના ચેકર્સ હોમ ખાતે ટોરી નેતાઓને વાતચીત માટે આમંત્ર્યા હતા. બ્રેક્ઝિટતરફી ઈયાન ડન્કન અને જેકબ રીસ-મોગ સહિતના નેતાઓએ થેરેસા મે સાથે ત્રણ કલાક જેટલી લાંબી ચર્ચા કરી હતી અને તેમની સમજૂતી પસાર કરાવવાના બદલામાં તેઓ પદત્યાગનું ટાઈમટેબલ જાહેર કરે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી. બીજી તરફ, થેરેસા મેએ પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન અને ડેવિડ ડેવિસ સહિતના યુરોસ્કેપ્ટિક્સને વળતી ચેતવણી આપતાં કહ્યું છે કે, જો ટોરી સાંસદો તેમની યોજનાનું સમર્થન નહિ કરે તો પાર્લામેન્ટ સોફ્ટ બ્રેક્ઝિટ માટે ફરજ પાડશે. આ બેઠકમાં પૂર્વ બ્રેક્ટિઝ મિનિસ્ટર્સ થેરેસાના સ્ટીવ બેકર અને ડોમિનિક રાબ, ચીફ વ્હીપ જૂલિયન સ્મિથ, ટોરી ચેરમેન બ્રાન્ડન લૂઈ, બ્રેક્ઝિટ સેક્રેટરી સ્ટીવ બાર્કલે, ફોરેન ઓફિસ મિનિસ્ટપ એલિસ્ટર બર્ટ તેમજ પૂર્વ ડેપ્યુટી ડેમિયન ગ્રીન સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. ડેપ્યુટી ડેવિડ લિડિંગ્ટન અને એન્વિરોન્મેન્ટ સેક્રેટરી માઈકલ ગોવને તેઓ થેરેસા મેનાં પદની સ્પર્ધામાં ન હોવાનું જણાવવાની ફરજ પડી હતી. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રોએ કહ્યું છે કે થેરેસા મે વળતી લડત આપવા મક્કમ છે અને નજીકના સમયગાળામાં રાજીનામું પડશે તેવા કોઈ સંકેત નથી. આમ છતાં, પાર્લામેન્ટમાં થેરેસા મેની સમજૂતીનો બે વાર પરાજ્ય થવાથી તેમની સ્થિતિ નબળી પડી છે ત્યારે ત્રીજી વખત તેના પર મત લેવાય તે મુદ્દે અવઢવ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter