લંડનઃ ઈયુ છોડવાની તરફેણ કરનારા લંડનના પૂર્વ મેયર અને અક્સબ્રિજના સાંસદ બોરિસ જહોનસન સાથે ચર્ચાના ઈનકાર પછી વડા પ્રધાન ડેવિડ કેમરન ઈયુ રેફરન્ડમ મુદ્દે ટીવી પર ચર્ચાથી ગભરાતા હોવાનો આક્ષેપ મૂકાયો છે. કેમરન UKIPના વડા નાઈજેલ ફરાજ સાથે ઈયુ ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવાની સંમત થયા છે.
બ્રેક્ઝિટને પ્રોત્સાહન આપવા દેશનો પ્રવાસ ખેડી રહેલા જહોનસને આ મુદ્દે ‘કોઈ પણ વ્યક્તિ’ સાથે ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. જોકે, રેફરન્ડમમાં હાર થાય તો કેમરને રાજીનામું આપવું જોઈશેની માગણી તેમણે ફગાવી હતી. બીજી તરફ, કેમરને પોતાના જ પક્ષના કન્ઝર્વેટિવ્સ પર પ્રહારો કરવા માગતા ન હોવાનું જણાવીને જહોનસન અથવા જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવ સાથે ટીવી પર ચર્ચાનો ઈનકાર કર્યો હતો.
ફરાજ કરતા તો જહોનસન પ્રજામાં વધુ લોકપ્રિય છે. ચર્ચામાં કોણ સામે આવશે તે કરતા તો વડા પ્રધાનને ૨૦૧૦ના જનરલ ઈલેક્શન વખતે થયેલા કપરા અનુભવને લીધે ટીવી પર ચર્ચાની કોઈ ઈચ્છા જ નથી. તત્કાલીન લિબ ડેમ નેતા નિક ક્લેગના જોરદાર દેખાવને લીધે જ ટોરીઝની બહુમતી છીનવાઈ હોવાનું મનાય છે.
ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને પહેલા જ જણાવ્યું હતું કે તે ઈયુ મુદ્દે સાથી ટોરી સભ્યો સાથે કોઈ પણ ચર્ચા કરવા માગતા નથી.


