લંડનઃ બ્રેક્ઝિટના પગલે સર્જાયેલી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પરેશાન હજારો લોકોએ બ્રેક્ઝિટ મુદ્દે ફરી એકવાર જનમત લેવાની માગ કરી છે. ધ મિરર દ્વારા કરાયેલા એક સરવેમાં 6777 લોકોએ યુરોપિયન યુનિયનમાં પરત જોડાવાની તરફેણ કરી હતી. ફક્ત 1130 લોકોએ નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બ્રેક્ઝિટની વ્યવસ્થા ખાડે ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રેક્ઝિટ નિષ્ફળ સરકારનું નિષ્ફળ સર્જન છે. જોકે કેટલાક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, હવે ઘણું મોડું થઇ ગયું છે અને હવે બ્રેક્ઝિટમાં દખલ કરવી જોઇએ નહીં. દેશે લોકતાંત્રિક રીતે મતદાન કર્યું હતું અને તેનું સન્માન થવું જોઇએ.
2016માં લેવાયેલા જનમતમાં બ્રિટિશ નાગરિકોએ યુરોપિયન સંઘ સાથે છેડો ફાડવા મુદ્દે મહોર માર્યા બાદ દેશની કથળેલી આર્થિક સ્થિતિના કારણે બ્રેક્ઝિટ આજે પણ ચર્ચાનો વિષય છે. ફુગાવાનો ઊંચો દર, કામદારોની અછત, નબળી આર્થિક વૃદ્ધિ અને વેપારમાં ઘટાડાને કારણે બ્રિટન સતત પીછેહઠ કરી રહ્યો છે.
યુગવના તાજેતરના એક સરવેમાં જાણવા મળ્યું હતું કે, મોટાભાગના બ્રિટિશ નાગરિકો ફરી યુરોપિયન સંઘમાં સામેલ થવા જનમત લેવાય તેમ ઇચ્છે છે. 26 ટકા લોકો ઇચ્છે છે કે 2023ના અંત પહેલાં બ્રેક્ઝિટ પર ફરીવાર જનમત લેવાવો જોઇએ.

