બ્રેક્ઝિટ મુદ્દે બીજા રેફરન્ડમની હિમાયતઃ મે સામે બળવાની તૈયારી

કસ્ટમ્સ બિલ બળવાખોર સાંસદોના સુધારાઓ સાથે ૩૦૫ વિરુદ્ધ ૩૦૨ મતથી પસાર

Monday 16th July 2018 06:22 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટ મુદ્દે સંસદીય મડાગાંઠનું નિરાકરણ લાવવા બીજો રેફરન્ડમ લેવાની આવશ્યકતા હોવાનું પૂર્વ એજ્યુકેશન સેક્રેટરી અને ટોરી સાંસદ જસ્ટિન ગ્રીનિંગે જણાવ્યું છે. ઈયુમાં રહેવાના હિમાયતી ગ્રીનિંગે કહ્યું હતું કે થેરેસા મેનાં ચેકર્સ પ્લાનને હું ટેકો આપી શકું તેમ નથી કારણકે તેનાથી કોઈ સમાધાન મળી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે બેલેટ પેપરમાં વડા પ્રધાનના આખરી બ્રેક્ઝિટ ડીલ, ઈયુમાં રહેવું તેમજ સ્પષ્ટ બ્રેક્ઝિટ અને કોઈ સોદા વિના જ બહાર નીકળવાના ત્રણ વિકલ્પ રાખવા જોઈએ. આ ઉપરાંત, આખરી મતદાનમાં પસંદગીયુક્ત મોડેલને ૫૦ ટકાથી વધુ મતની ચોકસાઈ અર્થે ફર્સ્ટ અને સેકન્ડ પ્રેફરન્સ વોટની જોગવાઈ પણ હોવી જોઈએ.

થેરેસા મેએ બળવાખોરો સામે નમતું જોખ્યાં પછી કસ્ટમ્સ બિલમાં પરાજયને સહેજમાં ટાળ્યો હતો. ઈયુ છોડવા માટે ચેકર્સ પ્લાનના શબ્દોમાં ફેરફાર કરવાના ટોરી બ્રેક્ઝિટિયર્સના દબાણ પછી સાંસદોએ સોમવારે ૩૦૫ વિરુદ્ધ ૩૦૨ મતથી સુધારાઓ માન્ય રાખ્યા હતા. જોકે, મિસિસ મેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સુધારાઓથી તેમની બ્લુપ્રિન્ટમાં ફેરફાર નહિ થાય.

દરમિયાન, કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ જેકોબ રીસ-મોગની આગેવાની હેઠળ હાર્ડ બ્રેક્ઝિટના સમર્થક સાંસદો તરફથી થેરેસા મેએ બળવાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ વધી ગઈ છે. પાર્ટીના યુરોપિયન રિસર્ચ ગ્રૂપના સભ્યો કસ્મ્સ બિલમાં સુધારાઓ મૂકી વોટિંગ થકી શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી હતી. જોકે, કોમન્સમાં કેટલા સભ્યો બળવામાં સામેલ થશે તેનો આંકડો ચોક્કસ નથી. જો બળવાખોર સભ્યો ૪૮થી વધુ રહેશે તો પાર્ટીમાં થેરેસા મેની નેતાગીરી સામે નો-કોન્ફિડન્સ પ્રસ્તાવ લાવવામાં તેમને કોઈ વાંધો આવશે નહિ. વડા પ્રધાનનાં ચેકર્સ પ્લાન સાથે અસંમતિ દર્શાવી બોરિસ જ્હોન્સન અને ડેવિડ ડેવિસ સહિતના મિનિસ્ટર્સે રાજીનામાં આપી દીધાં હતાં.

પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે પણ કોમન્સમાં થેરેસા મેના બ્રેક્ઝિટ પ્લાનને બહુમતી મળવી અશક્ય હોવાનું જણાવી ત્રણ વિકલ્પ સાથેના વધુ એક રેફરન્ડમની હિમાયત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter