બેલફાસ્ટઃ યુરોપિયન સંઘમાંથી નીકળી જવાના યુકેના નિર્ણયને કોર્ટમાં પડકારાયો છે, પરંતુ નોર્ધર્ન આયર્લેન્ડની કોર્ટે એક અરજીને ફગાવતા કહ્યું હતું કે સાંસદોની મંજૂરી વગર પણ બ્રેક્ઝિટ શક્ય બની શકે છે. આમ બ્રેક્ઝિટના વિરોધીઓને મોટી લપડાક પડી છે.
આ કેસના વાદીઓ દ્વારા દલીલ કરાઈ હતી કે વડા પ્રધાન થેરેસા મે એકલા પાસે જ લિસ્બન સંધિની કલમ ૫૦નો ઉપયોગ કરવાનો અધિકાર નથી, જેમાં જૂનમાં લોકમત પછી બે વર્ષમાં બ્રિટનને યુરોપિયન સંઘમાંથી નીકળવાનો સમય અપાયો હતો. જોકે, માનવ અધિકાર કર્મશીલો અને રાજકારણીઓના જૂથ દ્વારા બેલફાસ્ટની કોર્ટમાં કરાયેલો કેસ સુનાવણી પછી કોર્ટે ફગાવી દીધો હતો.
જસ્ટિસ પૌલ મેગ્યુરીએ કહ્યું હતું કે તમામ મુદ્દાઓ જોતા કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. ઉત્તર આયર્લેન્ડ માટે આની અસરો હજુ અચોક્કસ છે. પરિવર્તનનો પવન ભલે ફૂંકાવાની તૈયારીમાં હોય, પરંતુ પવન ચોક્કસ કઈ દિશામાં ફૂંકાશે એ અત્યારથી નક્કી કરી શકાય નહિ.

