લંડનઃ સરકારની બ્રેક્ઝિટ નીતિ અંગે પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર બ્રેક્ઝિટ વાટાઘાટોની તૈયારીઓની દ્રષ્ટિએ પૂરતી સજ્જ નથી. તેમના માનવા મુજબ હાલની સ્થિતિ વાટાઘાટો માટે સહેજપણ આદર્શ નથી.
લંડનમાં ‘સ્પેક્ટેક્યુલર’ મેગેઝિન દ્વારા આયોજીત કાર્યક્રમમાં યુકે પાસેથી ઈયુની આર્થિક અપેક્ષાઓ વિશે તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું, ‘નાણાની બાબતે મારો અભિપ્રાય એકદમ સ્પષ્ટ છે. મને નાણા ખર્ચવા ગમતા નથી. તેથી મેં ઈયુને ખાસ કરીને તેમની વધારે પડતી નાણાકિય માગણીઓ પડતી મૂકવા માટે કહ્યું હોત. બ્રેક્ઝિટ પછીનું બ્રિટન કેવું હશે તેનું વિઝન આપણે નક્કી કર્યું નથી એ આપણી એક નિષ્ફળતા છે. લંડન શહેર માટે કેવી આર્થિક તકો છે અને અન્ય ઘણા બિઝનેસ તથા સેક્ટરોની બાબતે વિશ્વમાં મોખરે પહોંચવા માટે અને જે દેશો સાથે વર્ષો નહીં પરંતુ દાયકાઓથી આપણે વેપાર કર્યો નથી તેમની સાથે વેપારની કેવી તકો છે તે જોવાની જરૂર છે.’


