લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ બ્રસેલ્સ સાથે ચાલી રહેલી વાટાઘાટોના પગલે ફેબ્રુઆરીમાં બ્રેક્ઝિટ ડીલ મતદાન માટે રાખવાનું નકારી કાઢવા સાથે ૧૨ માર્ચ સુધી મતદાન કરાવાશે તેમ કહ્યું છે. તેમણે બ્રેક્ઝિટ પછી તેઓ રાજીનામું આપી દેશે તેવી અટકળોને ફગાવતાં સ્પષ્ટ કર્યું હતું કે ઈયુ બ્લોકમાંથી બહાર નીકળવા સાથે દેશ પ્રત્યે તેમની જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રેક્ઝિટ લંબાવવા આર્ટિકલ ૫૦ના ઉપયોગથી બ્રેક્ઝિટ સાથે સંકળાયેલી બાબતોનું નિરાકરણ આવી નહિ જાય. સાંસદોએ બ્રેક્ઝિટ સમજૂતી અંગે નિર્ણાયક મતદાન વિલંબમાં મૂકવાના વડા પ્રધાનના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
ઈયુ અને લીગ ઓફ આરબ સ્ટેટ્સની શિખર પરિષદમાં હાજરી આપવાં જતાં વડા પ્રધાન મેએ જણાવ્યું હતું કે તેઓ અને તેમના મિનિસ્ટર્સ બ્રસેલ્સમાં હતા અને ફરી બ્રસેલ્સ જવાના છીએ. આના પરિણામે પાર્લામેન્ટમાં નિર્ણાયક મતદાન કરાવવાનું શક્ય નહિ રહે. જોકે, ૧૨ માર્ચ સુધીમાં મતદાન કરાવવા ચોકસાઈ કરાશે, જે ૨૯ માર્ચે સમજૂતી સાથે આપણને ઈયુ છોડવાનું શક્ય બનાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈયુમાંથી બહાર નીકળ્યાં પછી પણ તેની સાથેના ભાવિ સંબંધોની સમજૂતી પણ ઘડવી પડશે અને ઘરઆંગણાના અન્ય પ્રશ્નો પણ ઉકેલવાના છે. આમ કહેવાં સાથે તેમણે બ્રેક્ઝિટ પછી તેઓ રાજીનામું આપશે તેવી અટકળો ફગાવી છે.
આર્ટિકલ ૫૦ લંબાવવાથી મુદ્દો નહિ ઉકેલાય
વડા પ્રધાને કહ્યું હતું કે લોકો આર્ટિકલ ૫૦ લંબાવવાથી મુદ્દો ખરેખર ઉકેલાઈ જશે તેમ માને છે પરંતુ, તેનાથી મુદ્દાનું નિરાકરણ નહિ આવે. સમજૂતીની જે વાટાઘાટો થઈ છે તેને સ્વીકારવી કે નહિ તે પ્રશ્ન તો ઉભો જ રહેશે. કોમન્સના દરેક સભ્ય માટે તેનો નિર્ણય લેવાનો થશે. બીજી તરફ, થેરેસા કેબિનેટના મિનિસ્ટર્સ અંબર રડ, ગ્રેગ ક્લાર્ક અને ડેવિડ ગોકેએ માર્ચ મહિનામાં કોઈ સમજૂતી જાહેર ન થાય તો આર્ટિકલ ૫૦ની મુદત લંબાવવાના પ્રયાસોને ટેકો આપવાની ધમકીપૂર્ણ જાહેરાત પણ કરી છે.
વડા પ્રધાન મે સામે પક્ષમાંથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. થેરેસા કેબિનેટના જ સાથીઓએ મેએ ત્રણ મહિનામાં જ પદત્યાગ કરી દેવાની ચેતવણી આપી છે. બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટીના જ ૨૫ જેટલા જુનિયર મિનિસ્ટર્સ સહિત મધ્યમમાર્ગી ૧૦૦ સાંસદ નો ડીલ સાથે સંમત થવા કરતાં બ્રેક્ઝિટને વિલંબમાં મૂકવાની દરખાસ્ત પર મતદાન કરી શકે છે. બે પૂર્વ મિનિસ્ટર્સ જસ્ટિન ગ્રીનિંગ અને ડોમિનિક ગ્રીવે જો વડા પ્રધાન મે નો ડીલના માર્ગે આગળ વધે તો પક્ષ છોડી દેવાની ખુલ્લી ચેતવણી આપી છે.
કોર્બીન સેકન્ડ રેફરન્ડમને ટેકો આપી શકે
જેરેમી કોર્બીન ધીમે ધીમે સેકન્ડ રેફરન્ડમને ટેકો આપવા તરફ આગળ વધી રહ્યા છે. લેબર સાંસદો પીટર ક્યાલી અને ફિલ વિલ્સન સુધારો રજૂ કરશે, જેમાં વડા પ્રધાનની સમજૂતીને જનમત માટે મૂકાય તો તેને ટેકો આપવાની વાત છે. કોર્બીને પણ કહ્યું છે કે થેરેસા મે ઈયુ સા’થે ગાઢ આર્થિક સંબંધોની ભાગીદારીને ટેકો આપવામાં નિષ્ફળ જાય તો સેકન્ડ રેફરન્ડમ યોજવાનો વિકલ્પ ખુલ્લો જ રહે છે. જો કોર્બીન બીજા જનમત માટે સમર્થન ન આપે તો લેબર પાર્ટીમાંથી મોટી સંખ્યામાં સાંસદો પક્ષ છોડી દેશે તેવી ચેતવણી પણ અપાઈ છે. લેબર પાર્ટીમાંથી નવમા સાંસદ ઈઆન ઓસ્ટિન પાર્ટી નેતા કોર્બીનની નેતાગીરીના વિરોધમાં રાજીનામું આપી ઈન્ડિપેન્ડન્ટ ગ્રૂપમાં સામેલ થયા છે. આ સાથે નવા ગ્રૂપની સંખ્યા ૧૨ થઈ છે.
કોર્બીને જણાવ્યું હતું કે થેરેસા મે તેમના ખરાબ ડીલ અને વિનાશક નો ડીલ વચ્ચે પસંદગીની ફરજ પાડવા સમય બગાડી દેશને જોખમમાં ધકેલી રહ્યાં છે. લેબર પાર્ટીના ઈવેટ કૂપરે ૨૯ માર્ચે ઈયુમાંથી બહાર નીકળવાનું છે છતાં હજુ નક્કર પ્રગતિ થઈ નથી અને દેશ અરાજકતાપૂર્ણ ‘નો ડીલ’ તરફ આગળ વધી રહ્યો છે તેવો આક્ષેપ લગાવતાં કહ્યું છે કે તેઓ ‘નો ડીલ’ સંજોગો સામે રક્ષણ મેળવવા આર્ટિકલ ૫૦ હેઠળ બ્રેક્ઝિટની મુદત લંબાવવાનો સુધારો ફરીથી રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉના મતદાનમાં તેમના આ સુધારાની હાર થઈ હતી.


