બ્રેક્ઝિટકાળ પછી પણ બ્રિટનમાં યુરોપીય કોર્ટની સીમિત ભૂમિકા

Wednesday 06th December 2017 06:03 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટ પછી પણ બ્રિટિશ જસ્ટિસ સિસ્ટમમાં યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસની મર્યાદિત ભૂમિકા રહે તેમ વિચારી રહ્યાં છે. બ્રિટનમાં રહેતા યુરોપિયન નાગરિકોને સંબંધિત કેસીસ ECJને સુપરત કરી શકાય તેવો વિચાર કેબિનેટમાં વહેતો કરાયો છે. જોકે, વડા પ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે બ્રિટિશ બાબતોમાં ECJનું કોઈ અધિકારક્ષેત્ર નહિ રહે. ઈયુ - બ્રિટન વચ્ચે વેપારધંધા વિશે ડિસેમ્બરની ઈયુ નેતાઓની પરિષદમાં વાતચીત થઈ શકે તેવો સંકેત ઈયુ કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે આપ્યો છે.

વડા પ્રધાન થેરેસા મેએ યુકેમાં રહી ગયેલા યુરોપિયન નાગરિકો સંબંધિત રેફરલ સિસ્ટમ ECJને સુપરત કરી શકાય તે વિશે ચર્ચા આરંભી છે. યુકેના જજીસ ઈયુમાં બ્રિટનના સભ્યપદ દરમિયાન ઉભાં થયેલાં પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું હોય તેવા કેસ લક્ઝમબર્ગ કોર્ટને રીફર કરી શકે છે. વરિષ્ઠ સરકારી સૂત્રે જણાવ્યું હતું કે આ સારું સમાધાન છે અને બ્રેક્ઝિટ વાટાઘાટોને સફળતા તરફ દોરી જશે. આવાં રેફરલ્સ બ્રિટિશ કોર્ટના જ નિર્ણયથી કરાશે અને સંખ્યા ઓછી રહેવાથી બ્રેક્ઝિટ સમર્થકોને પણ સ્વીકાર્ય રહેશે.

અગાઉ, થેરેસા મેએ ભારપૂર્ક જણાવ્યું હતું કે બ્રિટિશ બાબતોમાં ECJનું કોઈ અધિકારક્ષેત્ર નહિ રહે. જોકે, બ્રેક્ઝિટ પછી પણ બ્રિટનમાં રહેનારા આશરે ૩ મિલિયન યુરોપિયન નાગરિકોના અધિકારોને નજરઅંદાજ નહિ કરવા ઈયુ મક્કમ છે. ઈમિગ્રેશન મિનિસ્ટર બ્રેન્ડન લૂઈએ હોમ એફેર્સ સીલેક્ટ સમિતિ સમક્ષ કહ્યું હતું કે આ મુદ્દો વાટાઘાટોનો હિસ્સો છે અને હજુ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ, વડા પ્રધાન થેરેસા સાથે મંત્રણાના પગલે યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે ડિસેમ્બરમાં બ્રસેલ્સ ખાતે ઈયુ નેતાઓની બેઠકમાં વેપારધંધા સંબંધિત વાતચીત શરુ થઈ શકે તેવો સંકેત આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter