લંડનઃ હિન્દુ કોમ્યુનિટીના અગ્રણીઓના આમંત્રણથી વડા પ્રધાન ડેવિડ કેમરનના યુકે ઈન્ડિયા ડાયસ્પોરા ચેમ્પિયન, રોજગાર પ્રધાન અને સાંસદ પ્રીતિ પટેલે ગુરુવાર, ૯ જૂને વેમ્બલીમાં શ્રી સનાતન હિન્દુ મંદિર- શ્રી વલ્લભ નિધિ મંદિરની મુલાકાત લીધી હતી. પ્રીતિ પટેલ સાથે સાંસદો બોબ બ્લેકમાન, સુએલા ફર્નાન્ડીઝ, નુસરત ઘની, ડેવિડ બરોસ અને પોલ સ્કલી પણ જોડાયા હતા.
આ મુલાકાતમાં પ્રીતિ પટેલે ઈયુ રેફરન્ડમ મુદ્દે જણાવ્યું હતું કે, ‘બ્રિટિશ એશિયન કોમ્યુનિટી બ્રિટિશ સંસ્કૃતિ અને અર્થતંત્રમાં ભારે પ્રદાન આપી રહી છે. એક વખત આપણે વોટ લીવ કરીશું તે પછી આપણને ન્યાયી ઈમિગ્રેશન પોલિસી મળશે, જેના થકી ભારત, બાંગલાદેશ, ન્યુ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાંથી શ્રેષ્ઠ હાંસલ થશે. એક વખત આપણે બંધિયાર રહેલા ઈયુમાંથી પોતાને છોડાવીશું તે પછી બ્રિટિશ અર્થતંત્રને આગળ વધારવા ભારત જેવાં સુપર અર્થતંત્રો સાથે વેપાર કરવા મુક્ત થઈશું. આ સાથે સ્ટ્રેટેજિક મિત્રો સાથે આપણા સંબંધો પણ મજબૂત બનાવી શકીશું.’
મંદિરના એક્ઝિક્યુટિવ ચેરમેન નરેન્દ્ર ઠકરારે જણાવ્યું હતું કે,‘પ્રીતિ પટેલ અને આ મુલાકાતમાં તેમની સાથે સાથે આવેલા પ્રતિષ્ઠિત સાંસદોને આવકારતા અમને ઘણો જ આનંદ થયો છે. આગામી ઈયુ રેફરન્ડમમાં દરેક મતદાન કરે તે અતિ મહત્ત્વનું છે. વોટ લીવના સભ્યો સાથે કેમ્પેઈનની ચર્ચા કરવાનું સારું રહ્યું છે.’


