લંડનઃ બેન્ક ઓફ ફ્રાન્સના ગવર્નર ફ્રાન્કોઈસ વિલરોય દ ગાલ્હાઉએ દાવો કર્યો છે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળવાના કારણે ૫૦ બ્રિટિશ બિઝનેસીસ અને ૨,૫૦૦ ફાઈનાન્સ નોકરીઓ ફ્રાન્સમાં ખસેડાઈ છે અને પરિણામે ફ્રાન્સની સંપત્તિમાં ઓછામાં ઓછાં ૧૭૦ બિલિયન યુરો (૧૫૦ બિલિયન પાઉન્ડ)નો વધારો થયો છે. આ ઉપરાંત, ડબ્લિન, એમ્સ્ટર્ડેમ અને ફ્રેન્કફર્ટને પણ ફાયદો થયો છે.
બેન્ક ઓફ ફ્રાન્સના વડા ગાલ્હાઉના જણાવ્યા અનુસાર લંડન યુરોપ ખંડનું અગ્રણી ફાઈનાન્સિયલ સેન્ટર તો રહ્યું છે પરંતુ, એમ્સ્ટર્ડેમ, ડબ્લિન, ફ્રેન્કફર્ટ અને પેરિસ પણ ૧૯ દેશોના યુરોઝોનમાં એક્ટિવ રહેવા ઈચ્છતા બિઝનેસીસને આકર્ષવામાં સફળ રહ્યા છે. કોરોના વાઈરસ મહામારીની તીવ્ર આર્થિક અસરોને જોતાં બ્રિઝનેસ પ્રવૃત્તિઓને ઉત્તેજન મળતું રહે તે ખૂબ આવશ્યક છે.
બેન્ક ઓફ ફ્રાન્સના ગવર્નરે જણાવ્યું છે કે મહામારી છતાં, ૨૦૨૦ના વર્ષમાં આશરે ૨૫૦૦ નોકરીઓ ટ્રાન્સફર કરાઈ છે અને આશરે ૫૦ બ્રિટિશ બિઝનેસ એકમોએ તેમની ઓછામાં ઓછી ૧૭૦ બિલિયન યુરોની સંપત્તિનું ફ્રાન્સમાં સ્થળાંતર કરવાની ઓથોરિટી આપી છે અને આ વર્ષમાં વધુ બિઝનેસીસ ફ્રાન્સ આવે તેવી ધારણા છે.
બ્રેક્ઝિટના કારણે યુરોપને તેની નાણાકીય સ્વાયત્તતા વિકસાવવાની ફરજ પડી છે. ઈયુ પાસે આગવી સક્ષમ સંસ્થાઓ ન હોવાથી લંડનના ક્લિયરિંગ હાઉસીસને ૧૮ મહિના સુધી યુરોપમાં ઓપરેટ કરવાની છૂટ આપવામાં આવનાર છે. આ મુદત પૂર્ણ થયાં પછી સૈદ્ધાંતિક રીતે યુરોમાં નાણાકીય વ્યવહારો ઈયુની અંદર જ પરિપૂર્ણ કરવામાં આવશે. ગાલ્હાઉએ બ્રેક્ઝિટના કારણે સર્જાયેલી તકનો ઉપયોગ ઈયુમાં જ કાર્યરત કેપિટલ માર્કેટ્સના યુનિયનની રચનામાં કરવાનો અનુરોધ કર્યો હતો.