બ્રેક્ઝિટથી યુકેના વૈશ્વિક દરજ્જાને નુકસાન નહિઃ યુવા વસ્તીથી લાભ

Wednesday 08th January 2020 01:27 EST
 
 

લંડનઃ બ્રેક્ઝિટ પછી પણ યુકે વિશ્વમાં છઠ્ઠા ક્રમનું વગશાળી અર્થતંત્ર બની રહેશે તેમ ૨૦૩૪ સુધીની આગાહી કરતા નવા અભ્યાસમાં જણાવાયું છે. યુકેમાં કુશળ ઈમિગ્રેશનની સહાયથી યુવા વસ્તીનો લાભ મળતો રહેશે. ફ્રાન્સથી એક સ્થાન આગળ અને જર્મનીથી એક ક્રમ પાછળ રહેવા સાથે પણ યુકેનું અર્થતંત્ર વધુ મજબૂત રહેશે. જોકે, ભારત ૨૦૧૯માં આગળ નીકળી જવાથી યુકેએ તેનો પાંચમો ક્રમ ગુમાવ્યો હતો. ભારત ૨૦૩૪ સુધીમાં વૈશ્વિક અર્થતંત્રોમાં ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે પહોંચી જવાની આગાહી કરાઈ છે.

ધ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના લાંબા ગાળાના અભ્યાસમાં જણાવાયું છે કે ઈયુ રેફરન્ડમના ત્રણ વર્ષ પછી પણ યુકેથી આગળ જવામાં ફ્રાન્સ નિષ્ફળ રહ્યું છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખતા ૨૦૩૪ સુધીના ગાળા દરમિયાન બ્રિટિશ અર્થતંત્ર ફ્રાન્સના અર્થતંત્ર કરતાં ૨૫ ટકા જેટલું મોટું રહેશે. યુકેને ઈમિગ્રેશનના લીધે યુવા વસ્તીનો લાભ મળતો રહેશે તેમજ ટેકનોલોજિકલ, ફાર્માસ્યુટિક્લ અને ક્રીએટિવ ઈન્ડસ્ટ્રીઝમાં તેનો દેખાવ મજબૂત રહેશે. જોકે, ઝડપથી વિકાસ કરી રહેલું ભારત આગળ નીકળી જવાથી યુકેએ વિશ્વની પાંચમા ક્રમનાં સૌથી મોટા અર્થતંત્ર તરીકેનું સ્થાન ગુમાવ્યું છે. ભારત હવે છ વર્ષમાં જર્મની અને ૨૦૩૪ સુધીમાં જાપાનને પછાડી આગળ વધી જશે તેવી ધારણા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ યુએસનું આર્થિક વર્ચસ્વ પ્રથમ ક્રમે જળવાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વના અર્થતંત્રોને અસર કરનારા ચીન સાથેના વપારયુદ્ધ છતાં યુએસનું અર્થતંત્ર આગળ છે. યુએસની કુલ ઘરેલુ પેદાશ ૨૦૧૯માં વિશ્વના કુલ પેદાશના ૨૫ ટકાથી થોડી જ ઓછી છે, જે ૨૦૦૭ની સરખામણીએ સર્વોચ્ચ છે. ટેકનોલોજી અને ઈમિગ્રેશનના કારણે અમેરિકાનો વિકાસ તેને ૨૦૨૦ના દાયકામાં સૌથી મજબૂત આર્થિક તાકાત બનાવી રાખશે પરંતુ, ૨૦૩૩માં ચીન તેનાથી આગળ નીકળી જવાની આગાહી છે. વેપારયુદ્ધ અને વપરાશ આધારિત અર્થતંત્ર હોવાથી ચીનનો વિકાસ ધીરો રહેવાથી આટલો સમય લાગવાની પણ આગાહી છે.

યુકેને આગામી વર્ષોમાં યુએસ સાથેના ગાઢ સંબંધનો લાભ મળશે. યુકેના મજબૂત એંગ્લોસ્ફીઅરમાં કેનેડા ૨૦૩૪ સુધીમાં વિશ્વની આઠમા ક્રમની સૌથી મોટી ઈકોનોમી બનશે જ્યારે ઓસ્ટ્રેલિયા એક સ્થાન આગળ વધી ૧૩મા અને ઈટાલી આઠમા ક્રમથી નીચે ઉતરી છેક ૧૪મા ક્રમે પહોંચી જશે.

કેનેડા અને ઓસ્ટ્રેલિયા સમગ્ર વિશ્વમાંથી કુશળ માઈગ્રન્ટ્સને આકર્ષવાની ક્ષમતાથી ઊંચા સ્થાને આવી રહ્યાં છે. પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન નિયમોના ઉપયોગની સફળતાથી પ્રેરિત બોરિસ જ્હોન્સન પણ આ પદ્ધતિને અપનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. જો યુકેની વિશ્વસ્તરીય સંશોધન યુનિવર્સિટીઓ અને ફાર્માસ્યુટુકલ સેક્ટરોએ સ્પર્ધાત્મક સરસાઈ જાળવવી હશે તો આવું પરિવર્તન મહત્ત્વપૂર્ણ બની રહેશે. જ્હોન્સન યુએસ અને ઈયુ સાથે ઝડપથી વેપારસોદાઓ હાંસલ કરવા આશાવાદી છે.

ગ્લોબલ રેન્કિંગની આગાહી

દેશ        ૨૦૧૯       ૨૦૩૪

યુએસ       ૧              ૨

ચીન         ૨             ૧

જાપાન      ૩             ૪

જર્મની      ૪             ૫

ભારત       ૫             ૩

યુકે          ૬             ૬

ફ્રાન્સ        ૭            ૭

ઈટાલી      ૮            ૧૪

બ્રાઝિલ      ૯           ૯

કેનેડા       ૧૦           ૮


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter