લંડનઃ ઈયુમાં રહેવા કે ન રહેવા વિશે ૨૩ જૂનનો રેફરન્ડમ દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ટોરી પાર્ટીમાં ચેતવણી અને આક્ષેપોનું ભારે યુદ્ધ મંડાયું છે. વડા પ્રધાન ડેવિડ કેમરને ચેતવણી આપી છે કે જો બ્રિટન યુરોપિયન યુનિયન છોડવાનો નિર્ણય લેશે તો યુરોપમાં યુદ્ધ છેડાશે. જોકે, લંડનના પૂર્વ મેયર બોરિસ જ્હોન્સને ચેતવણીને વાહિયાત ગણાવતા કહ્યું હતું કે કેમરનને પોતાના જ શબ્દોમાં વિશ્વાસ નથી. કેમરન લોકોને ભયભીત કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે મૂક્યો હતો. બીજી તરફ, રેફરન્ડમ અગાઉ બોરિસ અને માઈકલ ગોવની સામે ટેલિવિઝન ચર્ચામાં વડા પ્રધાનને જોડવાના પ્રયાસોને ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટે ફગાવી દીધાં છે.
વડા પ્રધાને ઈયુ રેફરન્ડમને મોટો મુદ્દો ગણાવતા કહ્યું હતું કે બ્રિટન ઈયુ છોડશે તો સમગ્ર યુરોપની સ્થિરતા અને સલામતી જોખમમાં આવી પડશે અને યુદ્ધનું જોખમ વધી જશે. Isis આતંકી નેટવર્કનો સામનો કરવા માટે ઈયુનું સભ્યપદ જરૂરી હોવાનું કેમરને જણાવ્યું હતું. તેમણે વિન્સ્ટન ચર્ચિલ અને દ્વિતીય વિશ્વ યુદ્ધના બ્રિટિશ સૈનિકોના બલિદાનની પણ વાત કરી હતી. કેમરને જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે હજારો લોકોના નિર્વાહ સાથે રમત કરી રહેલા લોકો પાછળથી શું પરિણામો આવશે તેનો વિચાર કર્યા વિના જ ઈયુમાંથી બહાર નીકળી જવાની માગણી કરે છે.
બોરિસ જ્હોન્સને વડા પ્રધાન પર હજારોની સંખ્યામાં નેટ ઈમિગ્રેશનમાં કાપ મૂકવાના વાંરવારના વચનો આપીને લોકશાહીમાં વિશ્વાસ ઘટાડવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે કેમરન ઈમિગ્રેશનમાં કાપ લાવી શકે તેમ જ નથી. જ્યાં સુધી બ્રિટન ઈયુમાં રહેશે ત્યાં સુધી આ શક્ય જ નથી. કેમરન બ્રસેલ્સ પાસેથી નોંધપાત્ર સુધારા કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. આથી, તેમણે બ્રેક્ઝિટની હિમાયત કરવી જોઈએ.


