બ્રેક્ઝિટના કારણે ભોજન ખર્ચમાં 5.8 બિલિયન પાઉન્ડનો વધારો નોંધાયો

બે વર્ષમાં સરેરાશ બ્રિટિશના ભોજન ખર્ચમાં 210 પાઉન્ડનો વધારો થઇ ગયો

Wednesday 07th December 2022 05:40 EST
 
 

લંડન

બ્રેક્ઝિટના કારણે યુકેના પરિવારોના ભોજન ખર્ચમાં 5.8 બિલિયન પાઉન્ડનો વધારો થયો છે. બ્રેક્ઝિટના કારણે 2021માં પૂરા થયેલા છેલ્લા બે વર્ષમાં સરેરાશ બ્રિટિશના ભોજન ખર્ચમાં 210 પાઉન્ડનો વધારો થઇ ચૂક્યો છે. સેન્ટર ફોર ઇકોનોમિક પર્ફોર્મન્સના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, યુરોપિયન સંઘ સાથે છેડો ફાડવાના કારણે બ્રિટનમાં ફુગાવાનો દર વધ્યો છે.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકક્સના નિષ્ણાતોએ જણાવ્યું છે કે ફક્ત બ્રેક્ઝિટના કારણે બ્રિટનમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં 6 ટકાનો વધારો થયો છે. ફુગાવાના દરને છેલ્લા 40 વર્ષની સૌથી ઊંચી સપાટી પર લઇ દવા માટે બ્રેક્ઝિટના નોન ટેરિફ ટ્રેડ અવરોધો જવાબદાર છે. બ્રેક્ઝિટ બાદ કંપનીઓને ઊંચી કિંમતો ચૂકવીને સામાનની આયાત કરવી પડે છે અને તેઓ આ વધારાના ખર્ચનો બોજો ગ્રાહકો પર નાખી રહી છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અમીરોની સરખામણીમાં ઓછી આવક ધરાવતા લોકોને તેમની આવકનો મોટો હિસ્સો ભોજન પાછળ ખર્ચી નાખવો પડે છે. તેથી બ્રેક્ઝિટ પછી થયેલા ભાવવધારાની સૌથી વધુ અસર ગરીબો પર થઇ છે.

બ્રેક્ઝિટના કારણે જીવનજરૂરી તમામ ખર્ચમાં ગરીબો માટે 1.1 ટકાનો વધારો થયો છે જ્યારે અમીરો 0.7 ટકા વધુ ચૂકવી રહ્યાં છે. બોર્ડર પર વધુ પડતા કસ્ટમ ચેકિંગ અને અન્ય નિયમોના કારણે બ્રિટનની ફૂડ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. બ્રેક્ઝિટના કારણે લાગુ કરાયેલા નવા નિયમો બ્રિટનના આયાતકાર અને યુરોપિયન સંઘના નિકાસકાર એમ બંનેને કનડી રહ્યાં છે. તેઓ તેમના પર પડી રહેલા વધારાના બોજાના 50થી 88 ટકા બોજો ગ્રાહકો પર નાખી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter