બ્રેક્ઝિટના ડરે હજારો બ્રિટિશ વસાહતી સ્પેન છોડી રહ્યા છે

Wednesday 05th September 2018 03:12 EDT
 

લંડનઃ બ્રેક્ઝિટ અને યુરો સામે પાઉન્ડના ઘટતાં મૂલ્યના કારણે હજારો બ્રિટિશ વસાહતીઓ સ્પેન છોડી રહ્યા છે. સ્પેનમાં બ્રિટિશ નાગરિકોની સંખ્યા ૩૯૭,૮૯૨થી ઘટીને ૨૪૦, ૭૮૫ થઈ છે. ૨૦૦૭ની મંદી પહેલા આશરે ૫,૦૦૦ બ્રિટિશરો સ્પેનના બેનિડોર્મમાં રહેતા હતા પરંતુ, ગત વર્ષના ઉત્તરાર્ધ સુધીમાં આ સંખ્યા ઘટીને ૨,૮૨૫ થઈ હતી. આજ ગાળામાં ૫,૦૦૦ બ્રિટિશરો ઈબિઝા, માજોર્કા અને મેનોર્કાના બેલેરિક આઈલેન્ડ્સ છોડી ગયા હતા. ૨૦૦૭માં ૧૯,૮૦૩ બ્રિટિશર આ ટાપુઓ પર હતા તે સંખ્યા ૨૦૧૭માં ઘટીને ૧૪,૯૮૧ થઈ હતી.

કેટલાક બ્રિટિશરો માને છે કે બ્રેક્ઝિટના કારણે વિદેશમાં તેમના જીવન પર વિપરીત અસરો પડશે, જ્યારે ઘણા માને છે કે યુરોપમાં તેમનું જીવન ભારે ખર્ચાળ બની ગયું છે. જો બ્રિટન તેના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર ઈયુથી એકલું પડી જશે તો તેના ચલણ પર ખરાબ અસર પડી શકે તેમ માની રોકાણકારો જોખમ ઉઠાવવા તૈયાર નથી.

સ્પેનની નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઈન્સ્ટિટ્યૂટના આંકડા અનુસાર સ્પેનમાં ૧૫ ઈયુ દેશોના નાગરિકોની સંખ્યામાં કુલ ૨૫ ટકાનો ઘટાડો થયો છે પરંતુ, બ્રિટિશ નાગરિકોની સંખ્યા ૪૦ ટકા ઘટી છે. ૨૦૧૨ અને ૨૦૧૭ વચ્ચે સ્પેન જનારા બ્રિટિશ નાગરિકોની સરખામણીએ દેશ છોડી જનારાની સંખ્યા વધુ હતી. તેની અગાઉના ચાર વર્ષમાં સ્પેન છોડનારા બ્રિટિશરો કરતા ૪૦,૪૫૪ બ્રિટિશર સ્પેન પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter