લંડનઃ બ્રેક્ઝિટ મુદ્દે લગભગ ચાર વર્ષના આંતરિક સંઘર્ષ પછી બ્રિટને નવા યુગમાં પ્રવેશ કર્યો છે. ૨૦૧૬ના આરંભથી જ રાજકારણીઓ દેશને યુરોપિયનમાંથી બહાર લાવવું જોઈએ કે નહિ તેની કડવાશપૂર્ણ લડાઈમાં પરોવાયેલા રહ્યા. યુકેના ઈતિહાસમાં આ સમયગાળો ભારે નાટ્યાત્મક બની રહ્યો, જેમાં ત્રણ વડા પ્રધાન, રેફરન્ડમ અને બે ચૂંટણી જોવા મળી હતી. આ મડાગાંઠ આખરે ૧૨ ડિસેમ્બરની ચૂંટણીના પરિણામોએ તોડી હતી જેમાં બોરિસ જ્હોન્સને તેમના ‘ગેટ બ્રેક્ઝિટ ડન’ના સરળ સંદેશા સાથે ટોરી પાર્ટી માટે અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો હતો.
ચાર વર્ષના નાટ્યાત્મક કાલખંડની કેટલીક મહત્ત્વની ક્ષણો આ મુજબ રહીઃ
• ફેબ્રુઆરી ૨૦, ૨૦૧૬— વડા પ્રધાન ડેવિડ કેમરને ઈયુ છોડવું કે નહિ તેના પર રેફરન્ડમ લેવાની તારીખની જાહેરાત કરી
• જૂન ૨૩, ૨૦૧૬— રેફરન્ડમમાં યુકેએ ઈયુ છોડવાનો મત દર્શાવ્યો.
• જુલાઈ ૧૩, ૨૦૧૬— બોરિસ જ્હોન્સન અને માઈકલ ગોવના પડકારો છતાં થેરેસા મે વડા પ્રધાન બન્યાં.
• માર્ચ ૨૯, ૨૦૧૭— થેરેસા મેએ ઈયુ છોડવા યુકેએ આર્ટિકલ ૫૦ની પ્રક્રિયા આરંભી હોવાની બ્લોકને સત્તાવાર જાણ કરી.
• જૂન ૮, ૨૦૧૭— થેરેસા મેએ બ્રેક્ઝિટ મુદ્દે પોતાનું સ્થાન મજબૂત કરવા તત્કાળ ચૂંટણી યોજી પરંતુ, ટોરી પાર્ટીએ બહુમતી ગુમાવી. DUP ના સહકારથી થેરેસા મેએ સત્તા જાળવી રાખી.
• જુલાઈ ૧૨, ૨૦૧૮— થેરેસા મે ઈયુ સાથે ભાવિ સંબંધો વિશે પોતાની બ્લુ પ્રિન્ટ કેબિનેટમાં મહામહેનતે પસાર કરાવી શક્યાં પરંતુ, ડેવિડ ડેવિસ અને બોરિસ જ્હોન્સને વિરોધમાં રાજીનામાં આપ્યા.
• નવેમ્બર, ૨૦૧૮— થેરેસા મેએ આખરે ઈયુ સાથે વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ સાધવામાં અને કેબિનેટમાં પસાર કરાવવાની સફળતા મેળવી.
• ડિસેમ્બર, ૨૦૧૮— બ્રેક્ઝિટ બિલ મુદ્દે રોષિત ટોરી સાંસદો દ્વારા નેતાગીરીમાં અવિશ્વાસના મતમાંથી થેરેસા મે બચી શક્યાં.
• જાન્યુઆરી ૧૫-૧૬, ૨૦૧૯— વડા પ્રધાન થેરેસા મેનો બ્રેક્ઝિટ બિલ પર કોમન્સના પ્રથમ મતદાનમાં ૨૩૦ મતથી ઘોર પરાજય. જોકે, સરકારમાં અવિશ્વાસની લેબરની દરખાસ્ત ફગાવાઈ.
• માર્ચ ૧૨, ૨૦૧૯—ઈયુ સાથે મંત્રણામાં આશા છતાં કોમન્સના બીજાં મતદાનમાં થેરેસા મેનો ૧૪૯ મતથી પરાજય.
• માર્ચ ૨૯, ૨૦૧૯— કોમન્સના ત્રીજાં મતદાનમાં થેરેસા મેનો ૫૮ મતથી પરાજય.
• મે ૨૪, ૨૦૧૯— વડા પ્રધાન થેરેસા મેએ સાત જૂને રાજીનામું આપવાં જાહેરાત કરવા સાથે ટોરી નેતાગીરી સ્પર્ધા શરૂ.
• જુલાઈ ૨૩-૨૪, ૨૦૧૯— ટોરી નેતાગીરી સ્પર્ધામાં બોરિસ જ્હોન્સનનો વિજય. બ્રેક્ઝિટ ૩૧ ઓક્ટોબરથી આગળ નહિ લંબાવવાની જાહેરાત પછી વડા પ્રધાનપદ સંભાળ્યું.
• ઓગસ્ટ ૨૮, ૨૦૧૯— વડા પ્રધાન જ્હોન્સને ૧૦ સપ્ટેમ્બરથી પાર્લામેન્ટને મૂર્છિત રાખવાની ઈચ્છા જાહેર કરી.
• સપ્ટેમ્બર ૩-૪, ૨૦૧૯— સાંસદોએ કોમન્સની કાર્યવાહી પર નિયંત્રણ મેળવી નો-ડીલને ટાળવાની જરૂરિયાત સાથેનો કાયદો પસાર કર્યો. જ્હોન્સને તત્કાળ સામાન્ય ચૂંટણી જાહેર કરવા પ્રયાસ કર્યો પરંતુ, બે તૃતીઆંશ બહુમતી ન મળી. સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૯— સુપ્રીમ કોર્ટે પાર્લામેન્ટના સસ્પેન્સનને ગેરકાયદે જાહેર કર્યું.
• ઓક્ટોબર ૨૧, ૨૦૧૯— જ્હોન્સને ઈયુ સાથે નવી બ્રેક્ઝિટ સમજૂતી સાધવામા સફળતા મેળવી. નોર્ધર્ન આઈરિશ બેકસ્ટોપ નાબૂદ કરી થેરેસા મેનાં બિલની ઘણી જોગવાઈ સામેલ.
• ઓક્ટોબર ૨૨, ૨૦૧૯— સાંસદોએ બીજા વાંચન સ્ટેજમાં જ્હોન્સન સમજૂતી પસાર કરી પરંતુ, સમયપત્રક ફગાવ્યું. વડા પ્રધાને ફરી ચૂંટણીની ઈચ્છા જાહેર કરી.
• ઓક્ટોબર ૨૯, ૨૦૧૯— આખરે SNP અને લિબ ડેમ્સ સાંસદોની તરફેણ સાથે કોમન્સે ચૂંટણી માટે મતદાન કર્યું, લેબર પાર્ટીને પણ સાથ આપવાની ફરજ પડી.
• ડિસેમ્બર ૧૨, ૨૦૧૯— ચૂંટણી પ્રચારમાં ‘ગેટ બ્રેક્ઝિટ ડન’ના નારાઓ સાથે ટોરી પાર્ટીએ ૮૦ મતની બહુમતી સાતે વિજય હાંસલ કર્યો. બ્રેકઝિટ મુદ્દે જેરેમી કોર્બીનના અસ્પષ્ટ વલણ અને સેકન્ડ રેફરન્ડમની તરફેણના પરિણામે લેબર પાર્ટીનો ૧૯૩૫ પછી સૌથી ખરાબ દેખાવ રહ્યો.
• ડિસેમ્બર ૨૦, ૨૦૧૯— નવા હાઉસ ઓફ કોમન્સે ૧૨૪ મતની બહુમતી સાથે જ્હોન્સનના ઈયુ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલને બહાલી આપી.
• જાન્યુઆરી ૯, ૨૦૨૦— ઈયુ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ કોમન્સના તબક્કાઓમાંથી પસાર, હાઉસ ઓફ લોર્ડ્સમાં મોકલાયું.
• જાન્યુઆરી ૨૨, ૨૦૨૦— કોમન્સમાં હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા સૂચવાયેલા સુધારા ફગાવી દેવાયા અને લોર્ડ્સ દ્વારા સંમતિ અપાયા પછી પાર્લામેન્ટમાં ઈયુ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલની પ્રક્રિયા પૂર્ણ થઈ. મહારાણી દ્વારા મંજૂરીની મહોર.
• જાન્યુઆરી ૨૪, ૨૦૨૦— વડા પ્રધાન જ્હોન્સને પસાર કરાયેલા વિથ્ડ્રોઅલ બિલ પર હસ્તાક્ષર કર્યા.
• જાન્યુઆરી ૨૯, ૨૦૨૦—બ્રસેલ્સમાં યુરોપીય પાર્લામેન્ટે ૬૨૧ વિરુદ્ધ ૪૯ મતથી ઈયુ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલને પસાર કર્યું અને Auld Lang Syne ના આખરી કોરસ સાથે લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા.
• રાત્રિના ૧૧.૦૦, જાન્યુઆરી ૩૧, ૨૦૨૦— યુકેએ સત્તાવારપણે ઈયુમાંથી વિદાય લીધી. આમ છતાં, તે ઓછામાં ઓછાં ૧૧ મહિનાના ટ્રાન્ઝીશન પીરિયડમાં ઈયુ બ્લોકના નિયમોથી બંધાયેલું રહેશે.


