બ્રેક્ઝિટની અસરઃ પ્રોપર્ટી માર્કેટમાં ભારતીયોનું ‘બાર્ગેનિંગ’

Wednesday 13th February 2019 03:35 EST
 
 

લંડન,મુંબઈઃ બ્રેક્ઝિટથી બ્રિટનના રાજકારણમાં અંધાધૂંધી ફેલાઈ છે. જોકે, સમૃદ્ધ ભારતીયો પ્રોપર્ટી માર્કેટમાં તેનો ફાયદો મેળવી રહ્યા છે. માર્ચ મહિનામાં યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળવા અંગે અનિશ્ચિતતાથી લંડન અને અન્ય શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં અંશતઃ ઘટાડો નોંધાયો છે. લંડનનાં મોકાનાં સ્થળોએ પ્રોપર્ટીના ભાવ ૫-૭ ટકા ઘટ્યા છે. આવો ઘટાડો ખાસ કરીને મેફેર અને વેસ્ટ એન્ડના મોંઘા વિસ્તારોમાં નોંધાયો છે. બ્રિટિશ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સના અનુસાર આગામી વર્ષે ભાવમાં ૧૦ ટકા ઘટાડો નોંધાશે. પ્રોપર્ટી માર્કેટમાં આકર્ષક ભાવની રાહ જોઈને બેઠેલા ભારતીયો આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે.

કેટલાક બ્રિટિશ ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ એજન્ટ્સે જણાવ્યા મુજબ ઇંગ્લેન્ડમાં પ્રોપર્ટીની ખરીદી કરતા ભારતીયોની સંખ્યા ૧૫-૨૦ ટકા વધી છે. લંડનના પોશ વિસ્તારો લિવરપૂલ સ્ટ્રીટ, ઓક્સફર્ડ સ્ટ્રીટ, બોન્ડ સ્ટ્રીટ અને બેકર સ્ટ્રીટમાં મધ્યમ કદનાં એપાર્ટમેન્ટ્સ રૂ. ૯-૧૪ કરોડમાં વેચાઈ રહ્યા છે. આ ભાવ દિલ્હીના લ્યુટ્ન્સ કે સાઉથ મુંબઈમાં સમાન કદની પ્રોપર્ટી કરતાં લગભગ અડધો છે.

JLL, સેવિલ્સ, રાઇટમૂવ અને CBRE જેવી કન્સલ્ટિંગ ફર્મ્સ સમગ્ર બ્રિટનમાં પ્રોપર્ટીના ભાવ સ્થિર કે ઘટાડા તરફી રહેવાનો અંદાજ મૂકી રહ્યા છે. રોયલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ચાર્ટર્ડ સર્વેયર્સના જણાવ્યા અનુસાર બ્રેક્ઝિટની અનિશ્ચિતતા સાથે ઘરેલું બજેટ પર દબાણ આગામી કેટલાક મહિનામાં રિયલ એસ્ટેટની માંગને અસર કરશે. ડી ફ્રેન્ડે જણાવ્યું હતું કે, ‘યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનની એક્ઝિટની અસર ટોપ-એન્ડ પ્રોપર્ટી માર્કેટ પર થશે. છેલ્લાં પાંચ વર્ષમાં અમારા લંડન ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિ થઈ છે.’

એક્વિસ્ટ રિયલ્ટીના સંજય ગુહાના જણાવ્યા અનુસાર સમૃદ્ધ ભારતીયો સેન્ટ્રલ લંડનમાં પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરે છે. જેનો ઉપયોગ બિઝનેસ ટ્રિપમાં ટ્રાન્ઝિટ રેસિડેન્સ, કે હોલિડે હોમ તરીકે કરાય છે. ગુહાની બ્રિટનસ્થિત સબસિડિયરી લંડન રિયલ્ટી કનેક્ટને છેલ્લા કેટલાક મહિનામાં ૩૫૦ ઇન્ક્વાયરી મળી છે. રીડિંગ, મેઇનહેડ, સ્લાઉ, ટેપલો અને કેનારી વ્હાર્ફ જેવા લંડનના નવા વિસ્તારોમાં બની રહેલાં એપાર્ટમેન્ટ્સનો વેચાણભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂ.૪૫,૦૦૦ (૫૫૦ પાઉન્ડ) છે. મુંબઈના સારા પરા વિસ્તારોમાં પણ લગભગ આટલો જ ભાવ છે. બર્મિંગહામ અને માન્ચેસ્ટર જેવાં શહેરોમાં એપાર્ટમેન્ટ્સનો ભાવ પૂણે કે નાસિકથી વધારે નથી.

બ્રિટનમાં અન્ય દેશના લોકો પણ પ્રોપર્ટી ખરીદી શકે છે. નોન-રેસિડેન્ટ્સને બ્રિટિશ બેન્કો પાસેથી ૩-૪ ટકાના દરે ધીરાણ મળે છે. સમૃદ્ધ ભારતીયો બ્રિટનમાં પ્રોપર્ટી ખરીદવા લિબરલાઇઝ્ડ રેમિટન્સ રૂટ (LRS)નો ઉપયોગ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કનાં નિયમ અનુસાર રેસિડેન્ટ ભારતીય મંજૂરી પ્રાપ્ત કરન્ટ કે કેપિટલ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન અથવા બંનેના કોમ્બિનેશનની મદદથી નાણાકીય વર્ષમાં ૨.૫ લાખ ડોલર સુધી રેમિટન્સ કરી શકે છે. એપ્રિલથી નવેમ્બર ૨૦૧૮ના ગાળામાં ભારતીયોએ વિદેશની જંગમ મિલકતમાં રૂ. ૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter