બ્રેક્ઝિટની અસરઃ યુકે છોડતા ઈયુ નાગરિકો, ભારતીયોને વિઝામાં વૃદ્ધિ

Monday 03rd December 2018 06:34 EST
 
 

લંડનઃ યુરોપિયન યુનિયનના નાગરિકો યુનાઈટેડ કિંગ્ડમને છોડવાની શરુઆત કરી રહ્યા છે ત્યારે બ્રેક્ઝિટની વાસ્તવિકતાનું દર્શન કરાવતા નવા આંકડા પ્રસિદ્ધ કરાયા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડાઓ અનુસાર ભારતીય પ્રોફેશનલ્સ, મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારજનોને અપાયેલાં વિઝાની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૮ના પૂરા થતાં વર્ષ દરમિયાન ભારતીયોને સૌથી વધુ વિઝિટર વિઝા અપાયા છે જેનો કુલ આંકડો વધીને ૪,૬૮,૯૨૩ થયો છે. તમામ મંજૂર વિઝિટર વિઝામાં માત્ર ચાઈનીઝ અને ભારતીય નાગરિકોને અપાયેલા વિઝા અડધાથી થોડાં જ ઓછાં છે.

આ વર્ષમાં પણ ભારતીય પ્રોફેશનલ્સની માગ જળવાઈ રહી છે, જેમને ટીયર-ટુ (સ્કીલ્ડ) વિઝાના ૫૫ ટકા અપાયા છે. યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસાર્થે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૩ ટકા વધારા સાથે ૧૮,૭૩૫ થઈ હતી. તમામ મંજૂર સ્ટુડન્ટ વિઝામાં ચાઈનીઝ અને ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો લગભગ અડધો રહ્યો છે. ભારતીયોને મંજૂર પરિવાર સંબંધિત વિઝા ૮૮૧ના વધારા સાથે ૩,૫૭૪ થયા હતા.

આંકડા કહે છે કે બ્રેક્ઝિટની અસરથી ચિંતિત ઈયુ નાગરિકોમાં યુકે આવવાના બદલે દેશ છોડી જવાનું પ્રમાણ વધ્યું છે. રેફરન્ડમ પછી ઈયુ માઈગ્રન્ટ્સ મોટી સંખ્યામાં યુકે છોડી રહ્યા છે. ઈયુથી નેટ માઈગ્રેશન છ વર્ષના તળિયે ગયું છે જ્યારે, બીન- ઈયુ માઈગ્રેશન આ દસકામાં સૌથધી ઊંચુ રહ્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter