લંડનઃ બ્રેક્ઝિટ વિશે ચાલતા વાદવિવાદ પછી ૨૦૧૬ના રેફરન્ડમની સરખામણીએ વધુ લોકો યુરોપિયન યુનિયન છોડવા ઈચ્છા ધરાવતા હોવાનું યુગવના નવા પોલમાં જણાયું છે. હવે ૫૭ ટકા લોકો કોઈ પણ રીતે બ્રેક્ઝિટની અને ૪૩ ટકા લોકો ઈયુમાં જ રહેવાની તરફદારી કરી રહ્યા છે. ૨૦૧૬ના રેફરન્ડમમાં બાવન ટકાએ ઈયુમાંથી બહાર જવાની અને ૪૮ ટકાએ ઈયુમાં રહેવાની તરફેણ કરી હતી. સર્વેક્ષણમાં બ્રેક્ઝિટના પ્રકાર મુદ્દે લોકોમાં વિભાજન છે પરંતુ, ૨૮ ટકા મતદારે ઈયુ સાથે કોઇ કરાર કે સંધિ વિના (નો-ડીલ) જ છુટા થવાની તરફેણ કરી છે. આશરે ૧૬૦૦ મતદારો પર થયેલા સર્વેક્ષણના તારણમાં જણાવ્યા મુજબ ૧૬ ટકા લોકોએ સોફ્ટર બ્રેક્ઝિટની તરફદારી કરી હતી જ્યારે, ૧૩ ટકા લોકો થેરેસા મે દ્વારા નક્કી થયેલી શરતોમાં પણ સુધારા ઇચ્છે છે.
યુગવના નવા પોલમાં સામાન્ય ચૂંટણીમાં કોને મત આપશો તે પ્રશ્નના ઉત્તરમાં બ્રેક્ઝિટની મુખ્ય તરફદાર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને નાઈજેલ ફરાજની નવી બ્રેક્ઝિટ પાર્ટીને એકસમાન ૨૨-૨૨ ટકા લોકસમર્થન જોવા મળ્યું હતું. જોકે, ૨૦ ટકાએ લેબર પાર્ટી પર પસંદગી ઉતારી હતી અને તેનાથી થોડી જ પાછળ લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીને ૧૯ ટકા સમર્થન પ્રાપ્ત થયું હતું.
સામાન્ય ચૂંટણી વહેલી યોજાઈ શકે
મોટા ભાગના લોકો માને છે કે વડા પ્રધાન થેરેસા મેના અનુગામી યુરોપીય સંઘ સાથે સંધિ માટે સારી સોદાબાજી કરવામાં નિષ્ફળ જાય અથવા પાર્લામેન્ટ ફરી એક વખત નો-ડીલ સમજૂતીને અટકાવશે તો સામાન્ય ચૂંટણીઓ વહેલી યોજાવાની સંભાવના છે. ટોરી પાર્ટી બ્રેક્ઝિટનું વચન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે અને લેબર પાર્ટી હજુ ઈયુમાં રહેવું કે બહાર નીકળવું તે મુદ્દે સ્પષ્ટ નથી તે સંજોગોમાં સામાન્ય ચુંટણી થાય તો બંને પક્ષને ભારે નુકસાન થવાની શક્યતા છે. ટોરી પાર્ટી માને છે કે જો તેઓ ૩૧ ઓક્ટોબરની સમયમર્યાદામાં બ્રેક્ઝિટ પૂર્ણ કરી દેશે તો શંકાશીલ મતદારો ટોરી પાર્ટી છોડી ફરાજની બ્રેક્ઝિટ પાર્ટીને ટેકો આપે છે તેમને ફરી ટોરીની તરફેણમાં મનાવી શકશે. બીજી તરફ, લેબર પાર્ટીમાં એવી માન્યતા છે કે તેઓ ઈયુમાં રહેવાનું સ્પષ્ટ વલણ અપનાવશે તો ‘સ્ટોપ બ્રેક્ઝિટ’નું સૂત્ર અપનાવનારા લિબરલ ડેમોક્રેટ્સનું સમર્થન કરતા યુરોપતરફી મતદારોને પુનઃ જીતી શકશે.
ટોરી પાર્ટીના સભ્યોની ઇચ્છા
અન્ય સર્વેક્ષણના તારણ અનુસાર ૫૯ ટકા ટોરી સાંસદ માને છે કે નવા વડા પ્રધાને વર્તમાન સમજૂતી મુદ્દે પુનઃ વાટાઘાટો હાથ ધરવી જોઇએ પરંતુ, જો સમજૂતી શક્ય ના બને તો ૩૧ ઓક્ટોબરની સમયમર્યાદામાં કોઇ જ સમજૂતી વિના ઈયુથી અલગ થવાનો નિર્ણય લેવો જોઇએ. ટોરી પાર્ટીના ૨૪ ટકા સભ્યો કહે છે કે નવા નેતા વધુ મંત્રણાઓ અટકાવી નો-ડીલની દિશામાં આગળ વધે તેને પસંદ કરશે. ટોરી પાર્ટીના છ ટકા સભ્યો જ નવા વડા પ્રધાન નવેસરથી મંત્રણાઓ કરે અને હેલોવિન સુધી સમજૂતી ન થાય તો બ્રેક્ઝિટમાં વિલંબ કરે તેની તરફેણ કરે છે. થેરેસા મેના અનુગામી બનવાની વધુ સંભાવના ધરાવતા પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જહોન્સને બ્રેક્ઝિટમાં વધુ વિલંબ થવાની શક્યતા નકારી ૩૧ ઓક્ટોબરની સમયમર્યાદા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જોકે, તેમના પ્રતિસ્પર્ધી અને વર્તમાન ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ નક્કર સમજૂતી માટે વધુ સમયની આવશ્યકતા રહે તો બ્રેક્ઝિટમાં થોડો વિલંબ કરવા પણ તૈયાર છે.


