બ્રેક્ઝિટની નવી મુદત ૩૧ ઓક્ટોબરઃ કોર્બીન સાથે સમાધાનની થેરેસાને આશા

૩૦ જૂન સુધી મુદતની થેરેસા મેની આશા પર પાણી ફરી વળ્યુંઃ ડોનાલ્ડ ટસ્કની સમય ન ગુમાવવા બ્રિટિશ સાંસદોને સલાહઃ ઈયુ સંસદની ચૂંટણીઓ યોજવી પડે તો ઓછામાં ઓછાં ૧૦૯ મિલિયન પાઉન્ડનો બોજ

Wednesday 17th April 2019 02:28 EDT
 
 

લંડનઃ ઈયુ નેતાઓએ બ્રિટન ૩૧ ઓક્ટોબર સુધી બ્લોકમાંથી બહાર નીકળી શકે તે માટે આર્ટિકલ-૫૦ની મુદત વધારવા સંમત થયા છે. જોકે, આના કારણે ૩૦ જૂન સુધી વિલંબની વડા પ્રધાન થેરેસા મેની માગણીની આશા પર પાણી ફરી વળ્યું છે. જો, થેરેસા મે આ મુદત પહેલા પોતાની વિથ્ડ્રોઅલ સમજૂતી પાર્લામેન્ટમાં પસાર કરાવી શકે તો હેલોવીનની મુદત પહેલા પણ ઈયુમાંથી બહાર નીકળી શકે તેવી જોગવાઈ રખાઈ છે. ઈયુના નેતાઓ આ વર્ષના અંત સુધીની મુદત આપવા માગતા હતા અને થેરેસા મેએ ૩૦ જૂનની મુદત માગી હતી તેમાં સમાધાનરુપે ઈયુના આગામી પ્રમુખ અને ફ્રાન્સના વડા પ્રધાન ઈમાન્યુઅલ મેક્રોંએ હેલોવીન સુધીની મુદત અપાવી હતી. જોકે, ઈયુ વિથ્ડ્રોઅલ સમજૂતી પર ફરી કોઈ વાટાઘાટ કરશે નહિ. વડા પ્રધાન મેએ જણાવ્યું હતું કે આ સમજૂતીનો અર્થ એ પણ થાય છે કે આપણે ૩૦ જૂન પહેલા પણ ઈયુમાંથી બહાર નીકળી શકીએ છીએ. મે માને છે કે જો લેબર નેતા જેરેમી કોર્બીન સાથે કોઈ સમાધાન થઈ શકે તો મે ૨૩ પહેલા પણ ઈયુમાંથી બહાર નીકળી શકાય અને યુકેએ ઈયુ સંસદની ચૂંટણીઓ યોજવી ન પડે. બીજી તરફ, યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે બ્રિટિશ સાંસદોને સલાહ આપી છે કે સમય ન ગુમાવશો, હજુ પણ શ્રેષ્ઠ શક્ય ઉપાય શોધવાનો પૂરતો સમય છે.

થેરેસા મે માટે બ્રેક્ઝિટ માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે. ઈયુના નેતાઓએ યુકેની વિદાય માટે ૩૧ ઓક્ટોબર સુધીની મુદત આપી છે. જોકે, વડા પ્રધાનને એક લાઈફલાઈન મળી છે કે તેઓ સાંસદોને બ્રેક્ઝિટ ડીલ પાસ કરવા મનાવી શકે તો યુકે આ નવી મુદત પહેલા પણ બ્લોકમાંથી બહાર નીકળી શકશે. આ છ મહિનાના ‘ફ્લેક્સ્ટેન્શન’ અંતર્ગત જૂન મહિનામાં ટેક્નિકલ રીવ્યૂ પણ કરાશે. જોકે, થેરેસા મેની મુશ્કેલીઓ દૂર કરવા ઈયુ દ્વારા વિથ્ડ્રોઅલ સમજૂતી પર ફરી કોઈ વાટાઘાટ કરાશે નહિ. વડા પ્રધાને આશાવાદ દર્શાવતાં જણાવ્યું હતું કે ઈયુની સંસદીય ચૂંટણીમાં ભાગ લેવાનું ટાળવા માટે ૨૩ મે પહેલા પણ ઈયુમાંથી બહાર નીકળવું શક્ય બનશે. ૩૧ ઓક્ટોબરની નવી મર્યાદાનો અર્થ એ પણ થાય છે કે ઈયુના નિયમો હેઠળ યુકેએ મે મહિનામાં યુરોપિયન સંસદની ચૂંટણી યોજવી પડશે અથવા પહેલી જૂને કોઈ ડીલ કે સમજૂતી વિના ઈયુ છોડવાનો સમય આવશે. જો ચૂંટણી યોજાશે તો કરદાતાઓના શિરે ઓછામાં ઓછાં ૧૦૯ મિલિયન પાઉન્ડનો બોજ આવી પડશે.

બ્રેક્ઝિટની નવી મુદતનો બચાવ

વડા પ્રધાન થેરેસા મેએ ઈયુમાંથી યુકેના બહાર નીકળવામાં વિલંબના નિર્ણયને બચાવ કરતા સાંસદોને જણાવ્યું હતું કે મારાં માટે બ્રેક્ઝિટ ડિલિવરી પ્રાથમિકતા છે. પોતાની સમજૂતીને સાંસદોએ ફગાવી દેવા અંગે નિરાશા દર્શાવતાં તેમણે કહ્યું હતું કે જો ઈયુ સાથે કરાયેલી સમજૂતી પસાર થઈ જાય તો યુકે વહેલી તકે ઈયુમાંથી બહાર નીકળી શકશે. થેરેસા સરકારે બ્રેક્ઝિટ માટે પ્રથમ તારીખ ૨૯ મેની નિશ્ચિત કરી હતી પરંતુ, સાંસદોએ વારંવાર થેરેસા મે ડીલને ફગાવી દેવાથી સમયમર્યાદા ૧૨ એપ્રિલની આવી હતી. હવે ૩૧ ઓક્ટોબરની નવી મર્યાદાના કારણે યુકેને સમજૂતી વિના (નો-ડીલ) ઈયુમાંથી બહાર નીકળવાનો વારો આવશે નહિ. વડા પ્રધાન મેએ સત્તા છોડવાનો કોઈ સંકેત આપ્યો નથી. તેમણે કહ્યું હતું કે તેઓ જેરેમી કોર્બીન અને અન્ય નેતાઓ સાથે વાતચીત દ્વારા મડાગાંઠ ઉકેલવા પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે આગામી થોડાં સપ્તાહો સરળ રહેશે અથવા પાર્લામેન્ટમાં મડાગાંઠ તોડવાનો ઉપાય મળી રહેશે તેમ તેઓ જરા પણ માનતાં નથી.

લેબર પાર્ટી સંમત થાય તો નવું મતદાન

સરકારે પાર્લામેન્ટમાં મડાગાંઠ ઉકેલવા સર્વસંમતિ હાંસલ કરવાના ભાગરુપે લેબર પાર્ટી સાથે મંત્રણા ચાલુ રાખી છે. કોર્બીન અને થેરેસા વચ્ચે ગુરુવારે ટુંકી મુલાકાત યોજાઈ હતી. કોર્બીને જણાવ્યું હતું કે રાજકીય પક્ષોની મંત્રણા ગંભીર અને વિસ્તૃતપણે ચાલી રહી છે પરંતુ, સરકારે સમાધાન કરવું પડશે. જો કોઈ સમજૂતી નહિ થાય તો પબ્લિક વોટ સહિતના તમામ વિકલ્પો સામે જ છે. લેબર નેતા જેરેમી કોર્બીને નવી સમયમર્યાદાને રાજદ્વારી નિષ્ફળતા ગણાવી છે. આમ છતાં, જો સરકાર લેબર પાર્ટી સાથે સમજૂતી સાધી શકે તો ગણતરીના દિવસોમાં બ્રેક્ઝિટ લેજિસ્લેશન કોમન્સ સમક્ષ રજૂ કરાશે. જો આ સોદો થવાનું જણાશે તો ઈસ્ટરની રજાઓ ટુંકાવી કોમન્સની બેઠક યોજાશે. એક પ્રસ્તાવ હેઠળ સરકાર લેબર પાર્ટીની કસ્ટમ્સ યુનિયન અને સેકન્ડ રેફરન્ડમ જેવી મુખ્ય માગણીઓ પરત્વે મુક્ત મતદાન થવા દેવા સંમત થશે. જો આ માગણી મંજૂર થાય તો થેરેસા મેની સમજૂતીમાં તેને સામેલ કરી દેવાશે. જોકે, લેબર પાર્ટી આ વિશે ખરેખર હકારાત્મક હોવાની ચોકસાઈ પછી જ થેરેસા ડીલ મતદાન માટે મૂકાશે કારણકે જો ડીલ પસાર ન થાય તો આ સત્ર નકામું જાય. આ સિવાય તમારે ફરી તે રજૂ કરવું હોય તો. પાર્લામેન્ટ બેઠક વહેલી બોલાવવી પડે તેનું જોખમ પણ છે.

બ્રેક્ઝિટ અરાજકતાઃ ટોરી લોકપ્રિયતા ઘટી

બ્રેક્ઝિટની અરાજકતા થેરેસા મેની ટોરી પાર્ટીનો આધાર તોડી રહી છે. કાન્ટારના નવા સર્વે અનુસાર ટોરી પાર્ટીની લોકપ્રિયતામાં નવ પોઈન્ટનો ઘટાડો થયો છે. સર્વે અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૨ ટકા મતદારનું સમર્થન મળ્યું છે, જે માર્ચ મહિનામાં ૪૧ ટકા હતું. બીજી તરફ, લેબર પાર્ટીની સરસાઈ ૩૧ ટકાથી ચાર પોઈન્ટના વધારા સાથે ૩૫ ટકા થઈ છે. લિબરલ ડેમોક્રેટ્સ પણ ત્રણ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧ ટકા પર પહોંચી ગયા છે.

કાન્ટારના નવા સર્વેમાં તમામ મતદારોના ૫૧ ટકાએ બ્રેક્ઝિટ ડીલના બદલે સેકન્ડ રેફરન્ડમની તરફેણ કરી હતી જ્યારે ૩૨ ટકાએ જ જાહેર મતનો વિરોધ કર્યો હતો. ઈયુ છોડવાની તરફેણ કરનારા ૫૩ ટકામાં પણ વિભાજન થયું હતું અને ૩૫ ટકાએ તેનો વિરોધ કર્યો હતો. બીજી તરફ, ઈયુમાં રહેવાની તરફેણ કરનારા ૬૨ ટકામાં પણ ભારે વિભાજન થયું હતું અને ૨૨ ટકાએ જ તેના તરફેણ કરી હતી. પોલમાં જણાયું હતું કે બીજું રેફરન્ડમ યોજાય તો ૪૧ ટકા મતદાર ઈયુમાં રહેવા તેમજ ૩૫ ટકા ઈયુ છોડવાની તરફેણ કરશે. માત્ર નવ ટકાએ તેઓ કશું જાણતા નહિ હોવાનું જણાવ્યું હતું અને બાકીના લોકોએ ભાગ નહિ લે તેમ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter