બ્રેક્ઝિટની મધ્ય રાત્રિએ બિગ બેન ટાવરમાં ડંકા નહિ વગાડાય!

Wednesday 22nd January 2020 01:58 EST
 
 

લંડનઃ યુકે ૩૧ જાન્યુઆરીની મધ્યરાત્રિએ ઈયુમાંથી બહાર નીકળવાનું છે ત્યારે હાલ સમારકામ હેઠળના બિગ બેન ટાવરમાં બ્રેક્ઝિટ ડંકા વગાડવાનો વિચાર લગભગ પડતો મૂકી દેવાયો છે. હાઉસ ઓફ કોમન્સના સત્તાવાળાઓએ ૫૦૦,૦૦૦ પાઉન્ડના જંગી ખર્ચના કારણને આગળ ધર્યું છે. જોકે, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ખર્ચ માટે ભંડોળ એકત્ર કરવાના વિચારને સમર્થન આપ્યું તેના એક જ દિવસમાં ૧૨૦,૦૦૦ પાઉન્ડ એકત્ર થઈ ગયા હતા.

૩૧ જાન્યુઆરીની મધ્યરાત્રિએ બિગ બેન ટાવરથી બ્રેક્ઝિટની સફળતાના ડંકા વગાડવાની યોજના આખરે પડતી મૂકાઈ છે. દેશની શાન સમાન ટાવર હાલ સમારકામ હેઠળ છે. ડેકા વગાડવા માટે ખાસ હંગામી ફ્લોર તૈયાર કરવો પડે તેમ છે. તેની પાછળ જંગી ખર્ચ થવાં ઉપરાત, તેનું સમારકામ સમયપત્રક ચાર સપ્તાહ પાછું ઠેલાઈ જવાનું કારણ પણ કોમન્સના સત્તાવાળાએ દર્શાવ્યું છે.

વડા પ્રધાન જ્હોન્સને પણ ૩૧ જાન્યુઆરીની રાત્રે ૧૧ વાગે બિગ બેન ટાવરમાં ડંકા વગાડાય તેના વિચારને સમર્થન આપ્યું હતું પરંતુ, એક રાત માટે જાહેર નાણાનો વ્યય કરી શકાય નહિ તેમ જણાવી ખર્ચ માટે જાહેર દાનની અપીલ કરી હતી. આની પાછળ ૫૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થવાનો હતો. અપીલના એક જ દિવસમાં ૧૨૦,૦૦૦ પાઉન્ડ એકત્ર થયા હતા, જે આંકડો વધીને ૧૪૦,૦૦૦ પાઉન્ડ થયો હતો.

હાઉસ ઓફ કોમન્સ કમિશનના ચેરમેન અને સ્પીકર લિન્ડ્સે હોયલે વિચારને ફગાવતા કહ્યું હતું કે એક ડંકાનો ખર્ચ ૫૦,૦૦૦ પાઉન્ડ થશે અને માત્ર વેસ્ટમિન્સ્ટરમાં રહેતાં લોકો જ તેને સાંભળી શકશે. ડંકા વગાડવાના મિકેનિઝમને હંગામી લગાવવા અને ચાલુ કરવા પાછળ ૧૨૦,૦૦૦ પાઉન્ડ તેમજ સમારકામ ચાર સપ્તાહ પાછું ઠેલાય તેના પ્રતિ સપ્તાહ વધુ ૧૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત, જાહેર દાન સ્વીકારવાથી કાનૂની અને નૈતિક સમસ્યાઓ સર્જાશે તેવી ચેતવણી પણ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter