બ્રેક્ઝિટની રચનાત્મક અસરો માટે ભારત અને યુકેએ સહકાર સાધવો આવશ્યક

Wednesday 26th October 2016 07:05 EDT
 
 

લંડનઃ ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે ‘Going Global: Doing Business in India’ વિષયે સંબોધન કરતા જણાવ્યું હતું કે,‘ભારત-યુકેના આર્થિક સંબંધો મજબૂત અને વાઈબ્રન્ટ છે પરંતુ હજુ કેટલીક ગર્ભિત સંભાવનાનો પણ ઉપયોગ કરવાનો બાકી છે. બ્રેક્ઝિટની રચનાત્મક અસરો વધે અને નકારાત્મક અસરો ઘટે તે માટે ભારત યુકે સાથે કામ કરવા આતુર છે. ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સફળ મુલાકાતના પગલે વડા પ્રધાન થેરેસા મેની આગામી ભારત મુલાકાત બન્ને દેશો વચ્ચે આર્થિક અને વાણિજ્ય સંબંધોને ઉત્તેજન આપશે.’

કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા બ્રેક્ઝિટ એન્ડ ગ્લોબલ એક્સપાન્શન સમિટ અને UKIBCના સહયોગમાં ગ્રીનીચ ખાતે ૧૭ ઓક્ટોબરે ‘Going Global: Doing Business in India’ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બિઝનેસ અગ્રણીઓ અને ઈન્ડસ્ટ્રી નિષ્ણાતોએ બે દેશ વચ્ચે ચોક્કસ ક્ષેત્રોમાં વ્યાપક તકો સંબંધે ચર્ચાઓ કરી હતી. વડા પ્રધાન થેરેસા મે ૬થી ૮ નવેમ્બરના ગાળામાં યુકેના બિઝનેસ ડેલિગેશન સાથે ભારતની મુલાકાતે જઈ રહ્યાં હોવાની જાહેરાતના સંદર્ભમાં આ બેઠકે વિશેષ મહત્ત્વ ધારણ કર્યું હતું. આ ચર્ચામાં ડેલોઈટના ડિરેક્ટર-ટેક્સ, પારુલ આનંદે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની સમજ આપતા તેના અમલથી સમગ્ર દેશની વેપાર પ્રવૃત્તિઓમાં કેટલો ફેરફાર આવી શકે તે જણાવ્યું હતું. ટાટા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડેવિડ લેન્ડ્સમેન, જેસીબીના ડિરેક્ટર ફિલિપ બોવીરાટ, અલ્બ્રાઈટ સ્ટોનબ્રિજ ગ્રૂપ (ઈન્ડિયા અને સાઉથ એશિયા પ્રેક્ટિસ)ના વાઈસ પ્રેસિડેન્ટ આનંદ શાહ, ઈનોવેટ યુકેનાં યુરોપિયન એન્ડ ગ્લોબલ એન્ગેજમેન્ટના વડા ડેવિડ ગોલ્ડિંગની બનેલી બિઝનેસ પેનલે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ એન્ડ અર્બન રીજનરેશન, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ, ફૂડ પ્રોસેસિંગ, હેલ્થકેર મેનેજમેન્ટ, ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ તેમજ મુખ્ય ફિન્ટેકના ઉભરતા ક્ષેત્ર સહિત ભારત અને યુકે વચ્ચે સહકારની ચોક્કસ તકો વિશે ચર્ચા કરી હતી. તેમણે કંપનીઓને માત્ર હાજરી અને ભાગીદારી દેખાય તે પૂરતાં જ ટ્રેડ મિશન્સમાં નહિ જઈ બિઝનેસ વૃદ્ધિ માટે નક્કર ભાગીદારીના નિર્માણ માટે કંપનીઓને ભારત જવાં જણાવ્યું હતું.

CIIના યુકે ડિરેક્ટર શુચિતા સોનાલિકાએ જણાવ્યું હતું કે,‘યુકે ભારતમાં ત્રીજા ક્રમનું સોથી મોટુ અને જી-૨૦ દેશોમાં પ્રથમ ક્રમનું રોકાણકાર છે. ભારત પણ યુકેમાં ત્રીજા ક્રમના સૌથી મોટા સીધા વિદેશી રોકાણકાર તરીકે બહાર આવ્યું છે અને લંડનમાં તેનો રોકાણમાં બીજો ક્રમ છે. આ મજબૂત બિઝનેસ સંપર્કોના કારણે યુકે અને ભારત વૈશ્વિક આર્થિક ફલકમાં મહત્ત્વના પાર્ટનર્સ છે. દિલ્હીમાં ૭-૯ નવેમ્બરે આયોજિત ઈન્ડિયા-યુકે ટેક સમિટ ભારતને બજાર તરીકે નિહાળતી યુકે કંપનીઓ માટે બિઝનેસ સહકાર અને નેટવર્કિંગ માટે નક્કર મંચ પૂરો પાડશે.’

UKIBCના ચીફ ઓપરેટિંગ ઓફિસર કેવિન મેક્કોલે કહ્યું હતું કે,‘યુકે બ્રેક્ઝિટ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે યુકે-ભારત આર્થિક સંબંધો પર બધાની નજર છે. ભારતમાં રોકાણની તકો લાંબા સમયથી ઓળખાઈ છે. યુકે-ભારતનો વેપાર ૨૦૦૪થી ૨૦૧૪માં ૧૭૦ ટકાએ વધ્યો છે. જોકે, આ જ અરસામાં ભારતનો સમગ્રતયા વેપાર ૮૦૦ ટકા વધ્યો હોવાથી પ્રચંડ સંભાવના સ્પષ્ટ દેખાય છે. ભારતને નિકાસ બજાર તરીકે નિહાળવા યુકેના બિઝનેસીસે આ સંભાવનાને વાસ્તવિક બનાવવા એક પગલું ભરવાનું રહેશે. ભારતને જે જોઈએ છે-કન્ઝ્યુમર ગુડ્સથી માંડી વિશ્વમાં અત્યાધુનિક ટેકનોલોજી, જાણકારી અને ફાઈનાન્સ, તે યુકે પાસે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter